વિધાનસભાની સભ્યસંખ્યા ૨૨૦ થશે

ગુજરાત વિધાનસભાના નવિનીકરણની કામગીરીનો પ્રારંભ કરાયો છે. રૂપિયા ૧૨૦ કરોડ જેટલા ખર્ચે વિધાનસભાનો લુક બદલવાની કામગીરી એક વર્ષમાં પૂર્ણ કરાશે. જોકે ખાસ ધ્યાનાકર્ષક બાબત એ છે કે હાલ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા ૧૮૨ને ધ્યાનમાં રાખીને બેઠક વ્યવસ્થા છે. નવિનીકરણ બાદ ગૃહમાં ૨૨૦ ધારાસભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય સરકારે ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને બેઠકો વધારવાનો નિર્ણય લીધો છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ ધારાસભ્યોની સંખ્યામાં વધારો કરવાની દરખાસ્ત થઈ હતી જે સ્વીકારવામાં આવી ન હતી.

સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦૨૫ સુધીમાં ગુજરાત વિધાનસભાના સભ્યોની સંખ્યા ૨૨૦ થાય તેવી પ્રબળ સંભાવના છે. આથી જ અગાઉથી ગૃહની અંદરની બેઠક વ્યવસ્થા ૨૨૦ કરવાનો નિર્ણય લેવાયો છે. એટલે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી બાદ ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી ૨૨૦ બેઠક માટે થાય તો નવાઇ નહીં. વિધાનસભાનું નવિનીકરણ કરવા પાછળનું કારણ બેઠક વ્યવસ્થાનો વધારો નથી પણ દરેક વખતે ૧૮૨ સભ્યોનો આંકડો પૂરો રહેતો નથી અને કોઇ ને કોઇ ધારાસભ્યનું મૃત્યુ થતાં વિધાનસભા ખંડિત બને છે. આથી દંતાલીના સ્વામી સચ્ચિદાનંદજી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે વિધાનસભાની ઉપર ઘુમ્મટ જેવું બનાવવું જોઈએ.

અલ્પેશ ઠાકોર કે ઠાકોર સેનાને સરકારે જશ ન આપ્યો
રાજ્યમાં દારૂબંધીના કાયદાને કડક બનાવવાની માગણી લાંબા સમયથી ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર દ્વારા કરાઈ હતી અને દારૂબંધી સામે જનજાગૃતિના કાર્યક્રમો પણ આપ્યા. જેને દરેક સમાજમાં આવકાર મળ્યો. આખરે ગાંધીનગરમાં અલ્પેશની જાહેરસભા બાદ સરકાર સાથે સમાધાન થયું, જે અંતર્ગત વિધાનસભાના સત્રમાં દારૂબંધીનો કાયદો કડક બનાવવા સુધારો કરવાની ખાતરી સરકાર તરફથી સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપી હતી. જોકે વિધાનસભા મળે તે પહેલાં જ સરકાર તરફથી રાજકીય ખેલ ખેલાયો. અલ્પેશને જશ આપવાના બદલે સરકારે જ તમામ જશ ખાટવા માટે કેબિનેટ બેઠકમાં દારૂબંધીનો કાયદો કડક કરતા વટહુકમને મંજૂરી આપી દીધી. આમાં અલ્પેશ કે ઠાકોર સેનાનો કોઇ જગ્યાએ ઉલ્લેખ સુધ્ધાં ન થાય તેનું પણ ધ્યાન રખાયું. સરકારે આ જાહેરાત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પાસે કરાવી. વિજય રૂપાણી જે દિવસથી મુખ્યમંત્રી બન્યા તે જ દિવસથી દારૂબંધીના કાયદાને કડક બનાવવાની કામગીરી પોતાને સોંપી હોવાનો દાવો પણ ગૃહ રાજ્યમંત્રીએ કર્યો. કદાચ વર્તમાન સરકારને અન્ય કોઈને જશ આપવા કરતાં મુખ્યમંત્રીની ઇમેજ મેકિંગ માટે આ યોગ્ય લાગ્યું હશે. સરકારે રાજ્યમાં હુક્કાબાર પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ મૂકવાની જાહેરાત ભલે રાજ્ય સરકારે કરી હોય પણ જ્યાં સુધી હુક્કાબારના પ્રતિબંધ મૂકતા વટહુકમ પર રાષ્ટ્રપતિની સહી નહીં થાય ત્યાં સુધી તેનો અમલ કરવો શક્ય નથી. હુક્કાબાર સંદર્ભેનો કાયદો કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે એટલે રાજ્ય સરકાર હુક્કાબારના વટહુકમને રાજ્યપાલ સમક્ષ મોકલશે. રાજ્યપાલ દ્વારા ફરજિયાત આ હુક્કાબારનો વટહુકમ રાષ્ટ્રપતિને મોકલવો પડશે.

૨૦૧૭ની ચૂંટણી પછી મુખ્યમંત્રી કોણ તેનો ફોડ નીતિન પટેલે ના પાડ્યો
વિજય રૂપાણી નીતિન પટેલને સાઇડલાઇન કરીને મુખ્યમંત્રી બન્યા છે તે સૌ કોઇ જાણે છે પણ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પછી ભાજપમાંથી મુખ્યમંત્રી કોણ બનશે તેની ચર્ચા ધીમે પગલે શરૂ થઇ છે. વિધાનસભાના નવિનીકરણના કાર્યક્રમનો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે યોજાયો ત્યારે નીતિન પટેલે જાહેરમાં કટાક્ષ કરીને મમરો પણ મૂક્યો. નીતિન પટેલે તેમનાં પ્રવચનમાં નવિનીકરણ બાદ આ વિધાનસભામાં હાજર તમામ ધારાસભ્યો પુનઃચૂંટાઇને આવે તેવી શુભકામના આપી હતી. તેઓએ સ્પષ્ટતા કરી કે રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણી જે ધારાસભ્યોને ટિકિટ આપે તેને જ મારી શુભકામનાઓ. સાથે ભાજપ ૨૦૧૭થી ૨૦૨૨ સુધી ગુજરાતમાં રાજ કરશે તેવી તથા ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પુનઃબહુમતીથી ચૂંટાઇ આવશે તેવી ભવિષ્યવાણી પણ કરી નાખી.

જોકે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ચૂંટાયા બાદ મુખ્યમંત્રી કોણ બનશે તેવી કોઇ ભવિષ્યવાણી કરવાથી તેઓ બચ્યા હતા. નીતિન પટેલે પોતાના પ્રવચનમાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કર્યો કે તરત હાજર તમામ ધારાસભ્યોના ચહેરા પર સ્મિત ફરકી ગયું હતું. નીતિન પટેલ પણ બોલતાં બોલતાં હસી પડ્યા હતા. ૨૦૧૭ની ચૂંટણી પછી મુખ્યમંત્રી કોણ તેનો કોઇ ફોડ નીતિન પટેલે ન પાડતાં, હાજર ભાજપના જ ધારાસભ્યોએ ગમ્મત શરૂ કરી દીધી હતી કે નીતિન પટેલ હજુય ૨૦૧૭ની ચૂંટણી પછી મુખ્યમંત્રી બનવાની રેસમાં જ છે.
http://sambhaavnews.com/

You might also like