વિધાનસભામાં મહિલાદિન ઊજવાયો, ગૃહનું સંચાલન ભાજપના નિમાબહેન આચાર્યએ સંભાળ્યું

અમદાવાદ: વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે વિધાનસભા ગૃહનું સંચાલન ભાજપના ધારાસભ્ય નિમાબહેન આચાર્યએ સંભાળ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગૃહમાં વિશ્વ મહિલા દિવસની શુભકામના પાઠવી હતી.

વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે ગૃહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીને જણાવ્યું હતું કે મહિલાઓએ રિઝર્વેશનથી નહીં પરંતુ પોતાની ઉમદા કામગીરીથી સક્ષમ બનવું જોઇએ. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સરકાર દ્વારા મહિલા ધારાસભ્યોને એક કરોડ સુધીના વધુ જોબ નંબર આપવાની ખાતરી આપી હતી.

વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે મહિલાઓ પર બળાત્કાર ગુજારનાર લોકોને જાહેરમાં ફાંસી આપવી જોઇએ. તેમણે ટકોર કરી હતી કે નિમાબહેન આચાર્યને ગૃહના અધ્યક્ષ બનાવ્યાં હોત અને આનંદીબહેનને મુખ્યપ્રધાન તરીકે ચાલુ રાખ્યા હોત તો સારું હતું.

૭૦૦ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવાયા છે
વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી દરમ્યાન રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પોતાના જવાબમાં જણાવ્યું હતું કે રાજ્યના ૭૦૦થી વધુ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવાયા છે અને આગામી દિવસોમાં પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાઓને જિલ્લા પોલીસ અધિકારીની કચેરી સાથે જોડી દેવાશે.

આનંદીબહેને વયના કારણે સીએમપદ છોડ્યું
ગૃહમાં એક પ્રશ્નના જવાબમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કોંગ્રેસી સભ્યની કોમેન્ટનો જવાબ આપતાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ ૭પ વર્ષની વયના અગ્રણીઓને નિવૃત્ત થવાની વાત કરી હતી જેના અનુસંધાને આનંદીબહેને સીએમ પદ છોડ્યું હતું. આ બાબત ભાજપની આંતરિક હોય કોંગ્રેસે ચિંતા કરવાની જરૂર નથી.

રાજ્યમાં આઇએએસની પ૬ જગ્યા ખાલી
સામાન્ય વહીવટ વિભાગની ચર્ચા દરમ્યાન આજે ગૃહમાં રાજ્યમાં કુલ પ૬ જગ્યા આઇએએસ જગ્યા ખાલી હોવાનું વિભાગે જણાવ્યું હતું. જેમાં ૧૬ આઇએએસ અધિકારી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. આઇએએસના મંજૂર મહેકમ ર૯૭ સામે ર૪૧ જગ્યા ભરાયેલી છે.

એમ.બી. શાહ તપાસપંચ પાછળ ૧.૭૧ કરોડનો ખર્ચ
રાજ્યની નાણાકીય ગેરરીતિ અંગેની તપાસ માટે રચાયેલા એમ.બી. શાહ તપાસ પંચ પાછળ કુલ રૂ.૧.૭૧ કરોડનો ખર્ચ થયો છે. આ કમિશનની રચના ૧૬ ઓગસ્ટ-ર૦૧૧માં થઇ હતી. કમિશને નવ મુદ્દા અંગે ર૦૧રમાં અને છ મુદ્દા અંગે ર૦૧૩માં અહેવાલ આપ્યો હતો. કોંગ્રેસે કરેલા આક્ષેપોની તપાસ માટે આ પંચની રચના કરાઇ હતી.
http://sambhaavnews.com/

You might also like