યુનિ.માં સાડા સાત કરોડના ખર્ચે સિન્થેટિક ટ્રેક બનશે

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા એથ્લેટિક ક્ષેત્રે સારા ખેલાડીઅોને તૈયાર કરવા માટે અાયોજન કરવામાં અાવ્યું છે. અા માટે યુનિવર્સિટી ખાતે નવા એથ્લે્ટિક્સ સિન્થેટિક ટ્રેક બનાવવાનું અાયોજન કરાયું છે. અા સિન્થેટિક ટ્રેકને સારો જ નહીં અદ્યતન ટ્રેક બનાવવામાં અાવશે. જેનાે કારણે ખેલાડીઅો અોલિમ્પિકમાં રમાતી 40 જેટલી રમતોની અહીં તૈયારી કરી શકશે.

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે એથ્લેટિકની રમત રમતાં ખેલાડીઅોની તૈયારી માટે વર્ષો પુરાણો સિન્ડર ટ્રેક છે. અા સિન્ડર ટ્રેકને કારણે ખેલાડીઅો યોગ્ય રીતે પોતાની રમતની તૈયારી કરી શકતા ન હતા. અા ટ્રેક ઉપર કાંકરીઅો અને પથરા હોવાથી ખેલાડીઅોને ભારે અડચણ પડી રહી છે. અાથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખેલાડીઅો યોગ્ય રીતે પ્રેક્ટિસ કરી શકે તે માટે રૂપિયા સાડા સાત કરોડના ખર્ચે નવો સિન્થેટિક ટ્રેક બનાવવામાં અાવશે. અા ટ્રેકની સાથોસાથ એથ્લેટિકની વિવિધ રમતો માટેના ટ્રેક પણ બનાવવામાં અાવશે. જેમ કે લાંબી કૂદ, ઊંચી કૂદ, બરછી ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક, હેમર થ્રો સહિત જુદી જુદી 40 જેટલી રમતની તૈયારી કરી શકાય તેવો ટ્રેક બનાવવામાં અાવશે. અા ટ્રેકને અોલિમ્પિક લેવલનો બનાવવામાં અાવશે.

ગુજરાત યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન ડાયરેક્ટર ડૉ. બી.ડી. વનારે જણાવ્યું હતું કે રૂ. સાડા સાત કરોડના ખર્ચે અા સિન્થેટિક ટ્રેક તૈયાર કરાશે. જેમાં 400 મીટરનો ટ્રેક બનાવાશે. તેની અંદર એથ્લેટિક્સની વિવિધ રમત જેમ કે સ્ટેપલ ચેઝ, લોંગ જમ્પ, ડિસ્ક થ્રો, પોલ જમ્પ, શોર્ટ પુટ, જ્વેલિન થ્રો, ફૂટબોલનું મેદાન બનાવાશે. અા ઉપરાંત ટ્રેકની ફરતી ફેન્સિંગ બનાવાશે, ફેન્સિંગ બાદ સ્ટેડિયમ બનાવાશે. અા ઉપરાંત ટ્રેકની સુરક્ષા માટે સ્ટેડિયમને ફરતે ચારથી પાંચ મીટર ઊંચી કમ્પાઉન્ડ વોલ બનાવાશે.

You might also like