વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં કોલેજોએ મનસ્વી રીતે મતદારયાદી તૈયાર કરી

અમદાવાદ: ગુજરાત યુ‍નિવર્સિટીમાં અાગામી તા. 20 માર્ચના રોજ વિદ્યાર્થી સેનેટની ચૂંટણી યોજાનાર છે ત્યારે યુનિવર્સિટી દ્વારા મેરિટ મુજબ મતદારયાદી બનાવવાનું ચૂંટણી અ‌િધ‍કારી દ્વારા નક્કી કરાયું છે. અામ છતાં યુનિવર્સિટી સંલગ્ન 274 કોલેજોમાંથી મોટા ભાગની કોલેજોએ મનસ્વી અને પોતાની રીતે મતદારયાદી તૈયાર કરીને મોકલી અાપી હતી, જેની ખરાઈ કરાવવામાં અાવતાં 2500 મતદારો પૈકીના માત્ર 5 ટકા જેટલા મતદારો માન્ય રહે તેવી સંભાવના હોવાનું યુનિવર્સિટીનાં સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા અાગામી તા.20 માર્ચના રોજ વિદ્યાર્થી સેનેટની વિવિધ ફેકલ્ટીની અાઠ બેઠક માટે ચૂંટણી યોજવામાં અાવનાર છે. જેના સંદર્ભે યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી સંલગ્ન 274 કોલેજો પાસેથી મેરિટ મુજબ મતદારોની યાદી મંગાવવામાં અાવી હતી. અા અંગે કોલેજો દ્વારા પોતાની રીતે મતદારયાદી તૈયાર કરીને મોકલી હતી, જે મુજબ 2500 જેટલા મતદારો હોવાનું ખૂલવા પામ્યું હતું, જેના કારણે યુનિવર્સિટી દ્વારા અા તમામ કોલેજોને નોટિસ મોકલીને અા મતદારયાદીની ખરાઈ કરવા એટલે કે ખરેખર મેરિટ મુજબ મતદારોનાં નામો મોકલવામાં અાવ્યાં છે કે કેમ? તેની ચકાસણી કરવા જણાવાયું હતું.

યુનિવર્સિટી સંલગ્ન 274માંથી 240 જેટલી કોલેજો દ્વારા પોતાની મતદારયાદીની ખરાઈ કરીને મોકલી અાપવામાં અાવી છે. અા ખરાઈ મુજબ હાલમાં જાહેર કરાયેલા મતદારોની સંખ્યા મુજબ અાઠમાંથી ત્રણ ફેકલ્ટીમાં યુ.જી. અાર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં એક પણ મતદાર મેરિટ મુજબના નથી. જ્યારે લૉમાં માત્ર એક મતદાર યોગ્ય ઠર્યો છે. જ્યારે પી.જી. અાર્ટ્સમાં માત્ર ચાર મતદાર યોગ્ય ઠર્યા છે. જ્યારે બાકીની ફેકલ્ટીમાં મતદારોનો અાંક બે અાંકમાં પહોંચ્યો છે.

અા અંગે યુનિવર્સિટીના ચૂંટણી અધ‍િકારીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી સંલગ્ન 274 કોલેજોમાંથી 240 જેટલી કોલેજોએ ખરાઈ કરી તેમની મતદારયાદી મોકલી અાપી છે. જેના અંતર્ગત યુ.જી. અાર્ટ્સ, કોમર્સ અને સાયન્સ વિભાગમાં એક પણ મતદાર યોગ્ય ઠર્યો નથી. વિવિધ કોલેજોએ મોકલેલા 25000 જેટલા મતદારોમાંથી માત્ર 150 જેટલા મતદારો માન્ય રહે તેવી સંભાવના છે. અામ છતાં અાજે અથવા અાવતી કાલે ફાઈનલ મતદારયાદી જાહેર કરવામાં અાવે તેવી શક્યતા છે.

You might also like