યુનિવર્સિટીનું દિવાળી વેકેશન ટૂંકાવાયુંઃ નાતાલનું લંબાવાયું

અમદાવાદ: ૧પ વર્ષના લાંબાગાળા બાદ ગુજરાત યુનિવર્સિટીએ વેકેશનમાં ફેરફાર કર્યો છે. નવા શૈક્ષણિક વર્ષમાં દિવાળી વેકેશન ૧૩ દિવસ અને ક્રિસમસ વેકેશન દસ દિવસનું રહેશે. દિવાળી વેકેશન સામાન્ય રીતે ર૧ દિવસનું હોય છે, જેને ટૂંકાવી દેવાયું છે.

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલા પરિપત્ર અને શૈક્ષણિક કેલેન્ડર અનુસાર હવે દિવાળી વેકેશન ૧૩ દિવસનું રહેશે. શૈક્ષણિક વર્ષ ર૦૧૬-૧૭ના શૈક્ષણિક કેલેન્ડર અનુસાર પ્રથમ સત્ર ૧પ જૂનથી ર૭ ઓક્ટોબર સુધીનું રહેશે. શિક્ષણના દિવસો ૧૦૭ રહેશે. ૧૭ ઓક્ટોબર સુધીમાં સેમેસ્ટર ૧, ૩ અને પાંચની કોલેજોની આંતરિક પરીક્ષાઓ પૂરી કરવાની રહેશે. ઉપરાંત અગાઉના સેમેસ્ટરમાં ઇન્ટર્નલ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ આ જ સમયગાળામાં ૧૭ ઓક્ટોબર સુધીમાં લેવાની રહેશે. દિવાળી વેકેશન ર૮ ઓક્ટોબરથી ૯ નવેમ્બર સુધી ૧૩ દિવસનું રહેશે.

સેમેસ્ટર ૧, ૩ અને પાંચની યુનિવર્સિટીની પરીક્ષાનો પહેલો તબક્કો ૧૦ નવેમ્બરથી ર૧ ડિસેમ્બરનો રહેશે. જેનો કાર્યક્રમ યુનિવર્સિટી જાહેર કરશે. શિયાળુ એટલે કે ક્રિસમસ વેકેશન રપ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી, ર૦૧૭ સુધી આઠ દિવસનું રહેશે. યુનિવર્સિટીનું બીજું સત્ર ૧૦ ઓક્ટોબરથી ર૬ એપ્રિલ સુધીનું રહેશે. જેના શૈક્ષણિક દિવસો ૧૦પ રહેશે. સેમેસ્ટર ર, ૪ અને ૬ની કોલેજની ઇન્ટર્નલ પરીક્ષા ૧૦ માર્ચ, ર૦૧૭ સુધી કોલેજોએ પૂરી કરવાની રહેશે. યુનિવર્સિટીની પરીક્ષા ૧૦ એપ્રિલથી શરૂ થશે. ઉનાળુ વેકેશન ર૭ એપ્રિલ, ર૦૧૭થી ૧૪ જૂન, ર૦૧૭ સુધી ૪૯ દિવસનું રહેશે. આ કાર્યક્રમ વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, શિક્ષણ અને કાયદા વિદ્યાશાખાની સંલગ્ન કોલેજો બીબીએ અને બીસીએને લાગુ પડશે.

You might also like