ગુજરાત યુનિ. કેમ્પસમાં નવનિર્મિત સમરસ હોસ્ટેલમાં નવા સત્રથી વિદ્યાર્થીઓને પ્રવેશ

અમદાવાદ:  રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં એસટી, એસસી અને અોબીસી વર્ગના વિદ્યાર્થીઅોના રહેવા માટે સમરસ હોસ્ટેલ બનાવાઈ છે અને તેનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. અાગામી શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઅોને હોસ્ટેલમાં પ્રવેશ અાપવામાં અાવશે. દસ માળની સમરસ હોસ્ટેલમાં ૧,૦૦૦ વિદ્યાર્થીઅો અને ૧,૦૦૦ વિદ્યાર્થિનીઅો રહી શકશે.

હોસ્ટેલમાં કુલ અાઠ બ્લોક છે. જેમાં ચાર બ્લોક વિદ્યાર્થીઅો માટે અને ચાર બ્લોક વિદ્યાર્થિનીઅો માટે રહેશે. દરેક બ્લોકમાં ૧૦૮ રૂમ બનાવવામાં અાવ્યા છે. જેમાં બે બેડ ધરાવતા ૮૪ રૂમ, ચાર બેડ ધરાવતા ૧૯ રૂમ, સિંગલ બેડ ધરાવતા ચાર રૂમની તેમજ દરેક વીગમાં લિફ્ટની સુવિધા કરાઈ છે. અા ઉપરાંત દરેક બ્લોકમાં વિકલાંગ વિદ્યાર્થીઅો માટે એક એક રૂમની વ્યવસ્થા કરવામાં અાવી છે. અા ઉપરાંત હોસ્ટેલમાં મેસ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. સમાજ કલ્યાણ વિભાગના નિયામક કે.ડી. કાપડિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ફી સહિતના ધારા ધોરણ નક્કી કરાશે.

હોસ્ટેલમાં કઈ સુવિધા હશે?
દરેક રૂમમાં નક્કી કરાયેલી સંખ્યા પ્રમાણેના પલંગ, બેડ (ગાદલાં), સ્ટીલ કબાટ, સ્ટડી ટેબલ તેમજ પંખા અને ટ્યૂબલાઈટ સહિતની સુવિધાઅો ઉપલબ્ધ કરવામાં અાવી છે.  અાઠેય બ્લોકના દરેક ફ્લોર ઉપર પીવાનાં પાણી માટે વોટર કૂલર તેમજ કુદરતી ક્રિયા માટે શૌચાલય અને બાથરૂમની વ્યવસ્થા કરવામાં અાવી છે.

હોસ્ટેલના અાઠ બ્લોક છે. અા દરેક બ્લોકમાં રીડિંગ રૂમ, ગેસ્ટ (વિઝિટર) રૂમ, સાઈબર રૂમ, સિક રૂમ, પેનટ્રી અને બ્લોક દીઠ વોર્ડન ક્વાર્ટર્સ બનાવવામાં અાવ્યાં છે. સિંગલ રૂમમાં કિચન સહિતની સુવિધાઅો ઉપલબ્ધ કરાઈ છે.

You might also like