ગુજરાત યુનિવર્સિટીમાં બિલ કૌભાંડ: અધ્યાપક-આચાર્યોએ ૨૩ લાખનાં ખોટાં બિલ મૂક્યાં

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન અાચાર્યો અને કો-અોડિનેટરો (અધ્યાપકો) દ્વારા રૂ. 23 લાખના ખોટા ખર્ચ કરાયેલા છે. અા ખોટા ખર્ચ માટે યુનિવર્સિટીના તંત્ર દ્વારા અાચાર્યો અને કો-અોડિનેટરોને નોટિસ ફટકારીને સાત દિવસમાં નાણાં જમા કરાવવા અાદેશ કર્યો છે. જેના પગલે યુનિવર્સિટીનાં વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે પરીક્ષાને અનુલક્ષીને વિવિધ કામગીરી હાથ ધરવામાં અાવતી હોય છે. અા પૈકીની કેટલીક કામગીરીઅો અલગ અલગ કોલેજોના અાચાર્યોને તેમજ ભવનોના અધ્યાપકો કે કો-અોડિનેટરોની કામગીરી કરતા હોય તેમને સોંપવામાં અાવતી હોય છે. અા કામગીરી કરવા માટે યુનિવર્સિટી દ્વારા અાચાર્યો અને કો-અોડિનેટરોને એડવાન્સ પેટે રૂ. પાંચ લાખની રકમ અાપવામાં અાવે છે. પરીક્ષાની કામગીરી પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીને તેનો હિસાબ અાપવાનો રહેતો હોય છે. પરંતુ યુનિવર્સિટીમાં વર્ષોથી લોલમલોલ ચાલતું અાવતું હતું.

અા દરમિયાનમાં ગત વર્ષ 2014-15માં લેવાયેલી પરીક્ષાની કામગીરી અંગે જે તે અાચાર્યો અને કો-અોડિનેટરો દ્વારા તાજેતરમાં યુનિવર્સિટીને ખર્ચના હિસાબો રજૂ કરવામાં અાવ્યા હતા. અા ખર્ચના હિસાબોને મંજૂરી અાપવા માટે કુલપતિ સમક્ષ ફાઈલ અાવી હતી. અા ફાઈલોને તપાસતાં કુલપતિને ખોટા ખર્ચાઅો કર્યા હોવાનું ધ્યાને અાવ્યું હતું. જે અંગે કુલપતિ દ્વારા એક તપાસ કમિટી રચીને હિસાબોનું ચેકિંગ કરાવ્યું હતું.

અા તપાસમાં વિવિધ કોલેજો અને ભવનોના અાચાર્યો કો-અોડિનેટરો પૈકીના 27 અાચાર્યો અને કો-અોડિનેટરો દ્વારા નિયત ખર્ચ ઉપરાંત મંજૂરી અપાઈ નથી તેવા ખર્ચ કરીને રૂ. 23 લાખથી વધુનાં ખોટાં બિલ મુકાયાં હોવાનું ખૂલ્યું હતું. અાથી કુલપતિ દ્વારા અા તમામ 27 અાચાર્યો અને કો-અોડિનેટરોને નોટિસ ફટકારીને સાત દિવસમાં અા રકમ યુનિવર્સિટીની તિજોરીમાં જમા કરાવવાનો અાદેશ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પરીક્ષાની કામગીરી માટે સોંપાયેલી જવાબદારી અંગે યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરાયેલો છે. અા પરિપત્રમાં દર્શાવેલા ખર્ચને તેની મર્યાદામાં રહીને કરવાના હોય છે. જેમ કે વહીવટી કામગીરી માટે બે કારકુન અને બે પટાવાળાના ખર્ચને માન્ય ગણાયા છે. પરંતુ કેટલાક દ્વારા બે કારકુનના બદલે ત્રણ કારકુન રાખે અથવા પટાવાળા રાખે તો વધારાના કારકુન કે પટાવાળાના ખર્ચને માન્ય રખાતો નથી. અા ઉપરાંત અા કામગીરી દરમિયાન રિફ્રેશમેન્ટના ખર્ચની જોગવાઈ નથી. જો અાવો ખર્ચ કરાય તો જે તે વ્યક્તિએ પોતાની રીતે કરવાનો રહે છે.

પરીક્ષાની કામગીરી માટે સોંપાયેલી જવાબદારી અંતર્ગત મોટાંમસ મોટાં બિલો મૂકીને યુનિવર્સિટીને રૂ. 23 લાખનો ફટકો માર્યો છે. ખોટાં બિલો મૂકનારામાં શહેરની નામી સંસ્થાઅોના અાચાર્યો તેમજ ભવનના નામી કોઓર્ડિનેટરનો પણ સમાવેશ થયો છે. પરીક્ષાની કામગીરીમાં ખોટા બિલો મૂકનારી 27 વ્યક્તિઅોમાં યુનિવર્સિટીના એક ભવનના વડા તરીકે કામગીરી બજાવનારા અધ્યાપકનો પણ સમાવેશ થાય છે. અા અધ્યાપકની વિવાદાસ્પદ વર્તણૂંકના કારણે યુનિવર્સિટી ભારે ચર્ચામાં રહી હતી.

અાચાર્યો અને કોઅોર્ડિનેટરોને સોંપાયેલી પરીક્ષાની કામગીરીમાં થયેલા ખર્ચમાં કેટલાક અાચાર્યો અને કોઅોર્ડિનેટરો દ્વારા મસ મોટા બિલો મુકાયાં છે તેમાં રિફ્રેશમેન્ટ (નાસ્તા) પેટે રૂ. 15,000થી લઈને 75,500 સુધીનાં બિલો મુકાયાં છે. જો કે હકીકતમાં અા કામગીરી અંતર્ગત મંજૂરી અપાયેલા ખર્ચમાં રિફ્રેશમેન્ટ (નાસ્તા)ના ખર્ચની કોઈ જોગવાઈ જ નથી. અામ છતાં કેટલાક હજારોની રકમના રિફ્રેશમેન્ટ પેટે. રૂ. 75,500 સુધીનાં બિલો ઉધારવામાં અાવ્યાં છે.

You might also like