બે એસટી બસને અકસ્માતઃ બંને બસચાલક સહિત ત્રણનાં મોતઃ પાંચ જણને ગંભીર ઈજા

અમદાવાદ: નરોડા-િચલોડા હાઈવે અને અમદાવાદ-વડોદરા હાઈવે પર બે એસટી બસોને ગમખ્વાર અકસ્માત નડતાં બસના ચાલક સહિત ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા હતા જ્યારે પાંચ જણાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કા‌િલક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં અાવ્યા છે.

અા અંગેની વિગત એવી છે કે નરોડા-ચિલોડા હાઈવે પર છોટાઉદેપુર-ખેડબ્રહ્મા રૂટની એસટી બસ રાતના ૩ વાગ્યાના સુમારે પ્રાતિયા પાસે જોગણી માતાના મંદિર નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી અાવી રહેલી હરિયાણા પાસિંગની ટ્રક સાથે અા બસ જોરદાર ધડાકા સાથે અથડાતાં બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અા ઘટનામાં બસના ચાલક અને મુસાફર અંબુભાઈ ગમાભાઈ બારિયા અા બંનેના ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયા હતા. અા ઘટનામાં ટ્રકનો ખુરદો બોલી ગયો હતો. બનાવની જાણ થતાં ડભોડા પોલીસે તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી.

જ્યારે બીજા બનાવમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પણ એસટી બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. અા ઘટનામાં એક્સપ્રેસ હાઈવે પર દવાપુરા ગામ નજીકની સીમમાંથી સુરત-કડી રૂટની એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે રોડ પર અગાઉથી ઊભેલી એક ટ્રક પાછળ અા બસ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં બસમાં બેઠેલા મુસાફરોએ ચીસાચીસ કરી મૂકતાં વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. અા ઘટનામાં બસના ચાલક મહેન્દ્રભાઈ પ્રજાપ‌િતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બસમાં બેઠેલા મુસાફરો પૈકીના જયંતીભાઈ લુહાર, લક્ષ્મીબહેન લુહાર, શિવનંદાબહેન લુહાર, મહેન્દ્રભાઈ જયસ્વાલ અને નાથુસિંહ ગોહિલને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા છે.

You might also like