ગુજરાતના ગૌરવસમુ મોઢેરાનું સૂર્યમંદિર, કલાત્મક સ્થાપત્ય

મોઢેરાના વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિરમાં, જે અમદાવાદથી લગભગ સો કિલોમીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. એવું અનુમાન છે કે આ મંદિરનું નિર્માણ સમ્રાટ ભીમદેવ સોલંકી પ્રથમ (ઈ.સ. પૂર્વ ૧૦૨૨-૧૦૬૩માં)એ કરાવ્યું હતું. જેની પૂર્તિ એક શિલાલેખ કરે છે. જે મંદિરના ગર્ભગૃહની દીવાલ પર છે. જેમાં લખવામાં આવ્યું છે કે વિક્રમ સંવત ૧૦૮૩ અર્થાત (૧૦૨૫-૧૦૨૬ ઈ.સ. પૂર્વ) આ એ જ સમય હતો જ્યારે સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોને વિદેશી આક્રમણકર્તા મહેમૂદ હમદ ગઝનીએ પોતાના કબજે કરી લીધી હતી.

ગજનીનાં આક્રમણના પ્રભાવના આધીન થઈને સોલંકીઓએ પોતાનાં શક્તિ અને વૈભવને ગુમાવી દીધા હતાં. સોલંકી સામ્રાજ્યનું રાજધાની કહેવાતું ‘અણહિલવાડ પાટણ’ પણ પોતાનાં મહિમા, ગૌરવ અને વૈભવને ગુમાવતું રહ્યું છે. જેને મેળવવા માટે સોલંકી રાજ પરિવાર અને વેપારીઓ એક થયા અને તેમણે સંયુક્ત રૂપથી ભવ્ય મંદિરોના નિર્માણને માટે પોતાનું યોગદાન આપવું શરૂ કર્યું.

સોલંકી, ‘સૂર્યવંશી’ હતા, તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકારે મોઢેરાના સૂર્ય મંદિરે આકાર લીધો. ભારતમાં ત્રણ સૂર મંદિર છે, જેમાં પહેલાં ઓડિશાનુંુ કોણાર્ક મંદિર, બીજું જમ્મુમાં આવેલ માર્તંડ મંદિર અને ત્રીજું ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિર.
શિલ્પકલાનાં અદ્દભુત ઉદાહરણ રજૂ કરનાર આ વિશ્વ પ્રસિદ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને ભીમદેવે બે ભાગોમાં બનાવડાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજો ભાગ સભા મંડપનો છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ ૫૧ ફૂટ અને૯ ઈંચ અને પહોળાઈ ૨૫ ફૂટ ૮ ઈંચ છે.

મંદિરના સભા મંડપમાં કુલ ૫૨ સ્તંભ છે. આ સ્તંભ પર શ્રેષ્ઠ કારીગરીના વિવિધ દેવી-દેવતાઓનાં ચિત્ર અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતર્યાં છે. આ સ્તંભોને નીચેની તરફ જોતાં તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતાં એ ગોળ દેખાય છે.

આ મંદિરનું નિર્માણ કંઈક એ રીતે કરવામાં આવ્યું છે કે જેમાં સૂર્યોદય થતાં સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહ પર પડે. સભામંડપની આગળ એક વિશાળ કુંડ આવેલ છે. જેને લોકો સૂર્યકુંડ કે રામકુંડના નામે ઓળખે છે.
અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાનાં આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી. વર્તમાનમાં ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને પોતાનાં સંરક્ષણમાં લઈ લીધું છે.

મોઢેરામાં આવેલું સૂર્યમંદિર વિવિધ ભાગોમાં વહેચાયેલું છે. મંદિરની શરૂઆતના ભાગમાં એક વિશાળ સ્નાન કુંડ આવેલો છે જેને સૂર્ય કુંડ કહેવામાં આવે છે. મંદિરમાં દર્શન કરવા જતાં પહેલા દર્શનાર્થી આ કુંડમાં સ્નાન કરી શકે એવી વ્યવસ્થા અહી ગોઠવવામાં આવેલી છે. હિન્દુ ધર્મમાં જાપ માટે ૧૦૮ મણકાની માળા હોય તે રીતે આ કૂંડની અંદર ચોતરફ નાના-નાના ૧૦૮ મંદિરો આવેલાં છે. કુંડની અંદરની બાજુએ ચાર મોટા મંદિરો આવેલાં છે.

પૂર્વ દિશામાં શેષસાઇ વિષ્ણુનું મંદિર, પશ્ચિમ દિશામાં વૈષ્ણવ સંપ્રદાયની વિવિધ મૂર્તિઓની સાથે ગણપતિની મૂર્તિઓ સ્થાપિત છે. ઉત્તર દિશામાં નટરાજ અને દક્ષિણ દિશામાં શીતળા માતાનું મંદિર આવેલું છે. સ્નાન બાદ સૂર્ય કૂંડમાંથી ઉપર ચડતાં બે વિશાળ સ્તંભ દશ્યમાન થાય છે. આ સ્તંભ કીર્તિ સ્તંભ તરીકે ઓળખાય છે. કીર્તિ સ્તંભથી આગળ વધતા બાવન સ્તંભ ઉપર સ્થિત સભામંડપ આવેલું છે. આ સ્તંભો ઉપર મહાભારતના વિવિધ ચિત્રો-કલાકૃતિઓ જોનારને આકર્ષે છે. દર્શનાર્થી ભજન-કીર્તન કરી શકે અને ધાર્મિક નૃત્યો પણ ભજવામાં આવતાં હોવાથી આ સભામંડપને નૃત્ય મંડપ તરીકે પણ ઓળખવામાં આવે છે.

નૃત્ય મંડપથી આગળ વધતા સૂર્યનારાયણનું મુખ્ય મંદિર આવે છે.આ મુખ્ય મંદિરના દરેક ખૂણામાં સૂર્યની પ્રતિમાઓ આવેલી છે. આ મંદિરના આંતરિક ભાગમાં બે ભોંયરા આવેલા છે. આ ભોંયરાઓનો ઉપયોગ સંકટ સમયે કરવામાં આવતો હતો એવી માન્યતા પ્રચલિત છે.

અહીં ગર્ભગૃહમાં સૂર્યનારાયણની પાંચેક ફૂટ ઊંચી સાત ઘોડાવાળી સોનાની મૂર્તિ હતી. આ મૂર્તિના કેન્દ્રમાં એક હીરો મૂકવામાં આવેલો હતો. ગ્રેગેરિયન કેલેન્ડરના માર્ચ મહિનાની એકવીસમી તારીખે સૂર્યોદય થાય ત્યારે પ્રથમ કિરણ આ હીરા ઉપર પડે ત્યારે સમગ્ર ગર્ભગૃહ પ્રકાશમય બની જતું હતું.

ગર્ભગૃહની ચોતરફ પરિક્રમા પથ આવેલો છે.આ પરિક્રમા પથ ઉપર પસાર થતાં તેની આસપાસ જન્મથી મૃત્યુ સુધીનો ઘટમાળ વર્ણવામાં આવેલો છે.

You might also like