ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેન્ક દ્વારા સ્વાસ્થ્ય પ્લસ અકસ્માત વીમાની જાહેરાત

અમદાવાદ : ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેન્ક લિ. દ્વારા ખેડૂતો અને આમ નાગરિકોને અણધારી સ્થિતિમાં  રોડક નાણાંના અભાવે સારવારથી વંચિત રહેવું ના પડે તે માટે સ્વાસ્થ્ય અને આકસ્મિક વીમાના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે. આ માટે બેન્કના ચેરમેન અજય પટેલ દ્વારા એક ઈન્ટિગ્રેટેડ પોલિસી જ્યોતિર્ગમય સ્વાસ્થ્ય પ્લસ વીમા યોજનાની જાહેરાત કરાઈ હતી.

જ્યોતિર્ગમય સ્વાસ્થ્ય પ્લસ વીમા યોજનાની જાહેરાત કરતાં ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ બેન્કના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે વીમા ક્ષેત્રમાં પદાર્પણની સાથોસાથ બેન્કે ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સના સહયોગમાં આરોગ્ય વીમાના પ્રીમિયમમાં જ અકસ્માત વીમાના લાભ પણ આપવાનું આયોજન કર્યું છે. પ્રથમ વર્ષમાં બેન્ક આ પ્રકારની એક લાખથી વધુ પોલિસી વેચવાનું નક્કી કરેલ છે.

આ યોજના અંતર્ગત પોલિસી ધારકને પર્સનલ એક્સિડેન્ટ, ફેમિલી સારવારની સુવિધા મળશે. દરેક વયના લોકો માટે એક સમાન જ પ્રીમિયમ રખાયું છે. સ્વાસ્થ્ય વીમા પોલિસી હેઠળથી વધુ બીમારીને આવરી લેવાઈ છે, જેમાં હાર્ટએટેક, ડાયાબીટિસ, મોતિયો, કીડની, લીવર, ફેફસાંની  તેમજ ઘૂંટણના સાંધા બદલવાની સારવારના ખર્ચને આવરી લેવાયો છે.

રાજ્યની પ૦ હોસ્પિટલોનો સમાવેશ કરાયો છે. આ યોજના હેઠળ ત્રણ પ્લાન મૂકાયા છે, જેમાં રૂ. બે લાખના સિલ્વર પ્લાન માટે રૂ.૩,૮પ૦ પ્લસ સર્વિસ ટેક્સ, રૂ. ત્રણ લાખના ગોલ્ડ પ્લાન માટે રૂ. પ,પપ૦ પ્લસ સર્વિસ ટેક્સ અને રૂ. પાંચ લાખના પ્લેટિનમ પ્લાન માટે રૂ. ૮,૮૦૦ પ્લસ સર્વિસ ટેક્સ ભરવાનું રહેશે. આ વીમાની રકમ અને પ્રીમિયમ કુટુંબદીઠ છે.

You might also like