રાજ્યભરના પ,૦૦૦ ડોક્ટર આવતી કાલે માસ સીએલ પર

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરના પ્રાથમિક, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર, રેફરલ કોટેજ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તેમજ વહીવટી ફરજ બજાવતા ઇન સર્વિસ ડોકટર આવતી કાલે માસ સીએલ પર જશે. પ,૦૦૦ જેટલા ડોકટર તેમના વિવિધ પડતર પ્રશ્નો અને માગણીઓના મુદ્દે સરકારમાં રજૂઆત બાદ ઉકેલ નહીં મળતાં લડી લેવાના મૂડમાં છે. જેના કારણે તમામ સરકારી આરોગ્ય કેન્દ્રની સેવાઓ ખોરવાશે.

ગત વર્ષ જુલાઇ ર૦૧૬માં પડતર માગણીઓના મુદ્દે સામૂહિક ધરણાંના કાર્યક્રમનું એલાન કર્યું હતું. તે સમયે તંત્ર દ્વારા અપીલ કરાતાં કાર્યક્રમ મુલતવી રખાયો હતો, પરંતુ ત્યાર બાદ અનેક રજૂઆત પછી પણ તે મુદ્દે નિવેડો નહીં આવતા ડોકટર આંદોલનનો માર્ગ અપનાવશે તેવું ગુજરાત ઇન સર્વિસ ડોકટર એસોસિએશનના પ્રમુખ ડો.બી.પી.ઇટારેએ જણાવ્યું હતું.

એન્ટ્રી પે, ડાયરેકટર કેડર પે, ટીકુ કમિશન આધારિત સમયબદ્ધ ભરતી, ઇન સર્વિસ પીજી કોર્સ, અધિક નિયામક, સંયુકત નિયામક, નાયબ નિયામક, આસિસ્ટન્ટ નિયામક, સીડીએચઓ, સીડીએચઓ, આરસીએચઓ અને આરએમઓની ખાલી જગ્યાઓ હોવા છતાં ડોકટરને બઢતી આપવા સહિતની માગનો નિવેડો આવી શકયો ન હોવાથી ડોકટરની ફરિયાદ છે.

એસોસિએશનના પ્રમુખ બી.પી.ઇટારેએ વધુમાં કહ્યું હતું કે રાજ્યભરના ઇન સર્વિસ ડોકટર્સ આ વિરોધમાં જોડાશે અને જો પડતર માગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનાવાશે. રાજ્યમાં નાના મોટા તમામ ગ્રામ્ય અને જિલ્લા સ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગના દર્દી આ કેન્દ્રમાં સારવાર લેતા હોય છે. ડોકટરની માસ સીએલની અસર દર્દીઓએ ભોગવવી પડશે. તેઓએ ખાનગી દવાખાનાનો આશ્રય લેવો પડશે.

સરકારના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે દર્દીઓને સારવાર અર્થે કોઇ તકલીફ ન પડે તે માટે કામચલાઉ ધોરણે અન્ય ડોકટર જે તે કેન્દ્રમાં મોકલવામાં આવશે. સરકારી હોસ્પિટલના ડોકટર્સ એક દિવસ તેમની સેવા આપશે. સિવિલ હોસ્પિટલમાં મોટા ભાગે વહીવટી સ્ટાફમાં ઇન સર્વિસ ડોકટર સેવા આપે છે. જેની સંખ્યા ઓછી હોવાથી સિવિલ કે અન્ય હોસ્પિટલમાં બહુ ફરક પડશે નહીં તેવું એલજી હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો.રાજેશ શાહે જણાવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like