હાર્દિક પટેલનું ચોંકાવનારું નિવેદન,”10 દિવસમાં જ બદલાશે CM”, જાણો શું કહ્યું રૂપાણીએ….

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં રાજીનામાની ચર્ચાઓ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં જ PAASનાં કન્વીનર હાર્દિક પટેલે એક ગંભીર પ્રતિક્રિયા આપી છે. હાર્દિકે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે,બુધવારે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. આગામી 10 દિવસમાં વિજય રૂપાણીનાં સ્થાને નવા મુખ્યમંત્રીને ચૂંટવામાં આવશે.

આ સાથે જ હાર્દિક પટેલે જણાવ્યું કે, છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં કાયદા વ્યવસ્થા બગડી રહી છે. જેનાં કારણે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે અને હાર્દિકે એવો દાવો પણ કર્યો છે કે, હવે ભાજપ દ્વારા ક્ષત્રિય અથવા પાટીદાર સમાજનાં આગેવાનને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

મહત્વનું છે કે ગુજરાતનાં મુખ્યમંત્રીને બદલવા મામલે વીટીવી દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. વિજય રૂપાણીને બદલવાને લઇને હાલમાં અફવાઓ વહી રહી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નહીં બદલાય. ગુજરાતનાં CM તરીકે વિજય રૂપાણી જ યથાવત્ રહેશે. વીટીવી પાસે આ સમગ્ર અફવાને લઇને એકસક્લુઝીવ માહિતી પણ પ્રાપ્ય છે.

10 દિવસમાં જ આવશે નવા CM: હાર્દિક

રાજકોટ ખાતે હાજર રહેલાં હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા એવો દાવો કર્યો છે કે,”વિજય રૂપાણીએ બુધવારે કેબિનેટની બેઠકમાં રાજીનામું આપી દીધું છે, તેમજ આગામી 10 દિવસમાં જ રાજ્યને નવા પાટીદાર અથવા ક્ષત્રિય મુખ્યમંત્રી પણ મળશે. હાર્દિક પટેલે કહ્યું કે, છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં કાયદા વ્યવસ્થા કથળી રહેલ છે. જેનાં કારણે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. ભાજપમાં આ અંગે છેલ્લાં ઘણાં સમયથી આ અંગેની પ્રક્રિયા ચાલી રહી છે.”

રાજીનામા વિશે હું કંઇ જ જાણતો નથીઃ વિજય રૂપાણી
રાજીનામાની ચર્ચાઓને લઇને CM વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે,”મારા રાજીનામાને લઇને અફવાઓ ચાલી રહી છે. આ રાજીનામાં વિશે હું કઈ પણ જાણતો નથી.”

આ વાત માત્ર અફવા છેઃ નીતિન પટેલ
આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રીનાં રાજીનામાની વાત અંગે નિવેદન આપતા જણાવ્યું કે,”આ વાત માત્ર અફવા છે. તેઓએ રાજીનામું આપ્યાંની અફવા જ હાલ સોશિયલ મીડિયામાં ફરી રહી છે.”

જાણો વિજય રૂપાણી જ કેમ રહેશે CM?
વિજય રૂપાણીની કામગીરી ઘણી પ્રશંસનીય રહી છે. વિજય રૂપાણીની કામગીરીને લઇને હાઇકમાન્ડ પણ ખુશ છે. PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ CMની કામગીરીથી ખુશ છે. જો કે ભાજપનાં જ નેતાઓ દ્વારા આ અફવા ફેલાઇ રહી હોવાની આશંકા સેવાઇ રહી છે. CMને બદલવાને લઇને પાર્ટીનાં નેતાઓ દ્વારા જ વાત ફેલાઇ રહી હોય તેવું શક્ય છે. પરંતુ હાઇકમાન્ડને રૂપાણી પર પૂર્ણ વિશ્ર્વાસ છે.

CM રૂપાણીએ દોઢ મહિનામાં ચાર જેટલી પ્રજાલક્ષી યોજનાઓ જાહેર કરી છે. CM હાલમાં પણ વહીવટમાં પારદર્શી આવે તેવાં પ્રયાસ કરી રહ્યાં છે. કોઇ પણ મંજૂરી ઓનલાઇન થાય અને તેનો બે જ દિવસમાં નિકાલ આવે તેવાં સતત પ્રયાસ થઇ રહ્યાં છે. આગામી સમયમાં પણ તમામ અરજીઓ ઓનલાઇન કરવાનો સરકારનો નિર્ધાર છે.

જેથી ગુજરાતનાં મુખ્યમંત્રી બદલાવા મામલે ખુલાસો કરાતા વિજય રૂપાણીને બદલવા અંગેની માત્ર અફવાઓ જ ચાલી રહી છે. હાલ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નહીં બદલાય. વિજય રૂપાણી જ ગુજરાતનાં CM તરીકે યથાવત્ રહેશે.

You might also like