હવે રાજ્યમાં પોલીસ ભરતી માટે પહેલા લેખિત પરીક્ષા લેવાશે

ગાંધીનગર: હવે રાજ્યમાં પોલીસ ભરતી માટેના નિયમોમાં ફેરફાર કરાયા છે. અગાઉ પોલીસની ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા ફિઝીકલ ટેસ્ટ લેવાતી હતી પરંતુ પોલીસ ભરતીના નવા નિયમો મુજબ પહેલાં ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા કરાતી પોલીસ ભરતીમાં તમામ ઉમેદવારોની ફિઝીકલ ટેસ્ટ લેવાય છે. ઉમેદવારોની શારીરિક તપાસમાં ઊંચાઇ, વજન, છાતીનું માપ, ઉપરાંત લાંબી દોડ, ટૂંકી દોડ, વિઘ્ન દોડ જેવી વિવિધ પ્રકારની ફિઝીકલ ફિટનેસને લગતી બાબતોની ઝીણવટભરી તપાસ કરાય છે.

અમદાવાદ જેવા શહેરના શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીના ઉમેદવારોને વારાફરતી ફિઝીકલ ટેસ્ટ આપવા માટે બોલાવાય છે. ફિઝીકલ ટેસ્ટ પસાર કરનાર ઉમેદવારો માટે જ પોલીસ તંત્ર લેખિત પરીક્ષા સહિતની આગળની કાર્યવાહી કરાય છે, પરંતુ અનેક વખત તંત્રની આ પ્રકારની ફિઝીકલ ટેસ્ટ વિવાદોમાં આવી છે.

કેટલીક વખત નાણાકીય વગ કે અન્ય પ્રકારની ઓળખાણ- પીછાણના આધારે જે તે ઉમેદવારને ફિઝીકલ ટેસ્ટમાં પાસ કરી દેવાય છે. તો વગ- વસીલો ન ધરાવતા ઉમેદવારોને કેટલીક વખત નાસીપાસ થવું પડે છે. આને કારણે હવે રાજ્ય સરકારે પોલીસ ભરતીના નિયમો બદલ્યા છે. અગાઉની જેમ ઉમેદવારોની હવે પહેલા ફિઝીકલ ટેસ્ટ લેવાશે નહીં. આના બદલે તમામ ઉમેદવારોએ પહેલા લેખિત પરીક્ષા આપવી પડશે. લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોની પછીથી ફિઝીકલ ટેસ્ટ લેવાશે.

રાજ્ય સરકારના પોલીસ ભરતીના નિયમોમાં ફેરફારને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પી. કે. તનેજાએ મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. પી. કે. તનેજાની મંજૂરીના પગલે ગૃહવિભાગ દ્વારા નવી પોલીસ ભરતીને લગતું નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું છે. આ નોટિફિકેશનમાં નવી પોલીસ ભરતીના નિયમો જાહેર કરાયા છે.

You might also like