દેશી દારૂના અડ્ડા પર પોલીસ ત્રાટકીઃ ૪૪ પીધેલા પકડાયા

અમદાવાદ: રાજ્યના મુખ્યપ્રધાન ગૃહવિભાગના અધિકારીઓ અને આઇપીએસ અધિકારીઓની વચ્ચે મિટિંગમાં શહેરમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરવા અંગે સૂચના અપાઇ હતી. જેને પગલે શહેર પોલીસ કમિશનરે તમામ પીઆઇને દારૂના અડ્ડા બંધ કરવા સૂચના આપી હતી. જેના પગલે રામોલ પોલીસે ગઇ કાલે રાત્રે વસ્ત્રાલના પ્રકાશ ટેનામેન્ટ નજીક અને ચૂનારા વાસ ખાતે ચાલતા દેશી દારૂના અડ્ડા પર ત્રાટકી ૪૪ લોકોને દારૂ પીતાં ઝડપી લીધા હતા. પોલીસની રેડ પડતાં બંને અડ્ડાઓની મહિલા બુટલેગર નાસી છૂટવામાં સફળ રહી હતી. પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રામોલ વિસ્તારમાં ચાલતા દેશી અને વિદેશી દારૂના અડ્ડા બંધ કરવા બે દિવસથી રામોલ પોલીસ દ્વારા ડ્રાઇવ શરૂ કરી છે. જેના પગલે ગઇ કાલે રાત્રે રામોલના ચૂનારા વાસ અને વસ્ત્રાલના પ્રકાશ ટેનામેન્ટ ખાતે આવેલા બે દેશી દારૂના અડ્ડા પર પોલીસ ત્રાટકી હતી.

પોલીસની રેડ પડતાં દારૂડિયાઓમાં નાસભાગ મચી ગઇ હતી. જેનો ફાયદો લઇ દારૂનો અડ્ડો ચલાવતી બંને મહિલા બુટલેગર ફરાર થવામાં સફળ રહી હતી. પોલીસે દારૂ પીધેલા ૪૪ જેટલા લોકોની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ સહિત દારૂ બનાવવાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં ચાલતાં દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરવા અંગે મુખ્યપ્રધાનની સૂચના બાદ શહેર પોલીસે દારૂના અડ્ડાઓ બંધ કરાવ્યા હતાં પરંતુ અડ્ડાઓ ફરી શરૂ કરવા પણ સૂચના આપી દેવાઇ છે.

You might also like