બહારગામ જવાના હો તો જાણ કરો, પોલીસે ઘરે ઘરે ફોર્મ મોકલ્યાં

અમદાવાદ: દિવાળી વેકેશનની શરૂઆત થઇ ગઇ છે. વેકેશન દરમ્યાન લોકો બહાર ફરવા જતા હોય છે અથવા સગાં-સંબંધીઓનાં ત્યાં જતા હોય છે. આવા સમયમાં બંધ મકાનોને તસ્કરો ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપે છે. પોલીસે આવી ઘરફોડને રોકવા હવે લોકોને પોતાનાં મકાન બહાર ગામ જતી વખતે બંધ હોય તો પોલીસને જાણ કરીને જવા જણાવ્યું છે. જેના માટે વર્તમાનપત્રોમાં પોલીસનાં સૂચન અને જાણ કરવા અંગેનું ફોર્મ મોકલ્યું છે. બહારગામ જતાં લોકોએ આ ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે.

ઉપરાંત જે લોકો પોતાનું ઘર બંધ હોવાની જાણ પોલીસને કરશે તેવા ઘરની એન્ટ્રી પાસે પોલીસ એક ખાસ પ્રકારનું ડિવાઇસ લગાવશે. આ ડિવાઇસની ખા‌િસયત એ છે કે બંધ મકાનમાં જ્યારે પણ કોઇ વ્યક્તિ અંદર પ્રવેશશે ત્યારે તેમાં લગાવેલા સેન્સરની મદદથી પોલીસ સહિત ૬ લોકોને તેમના મોબાઇલ પર રિંગ વાગશે. અને જે વ્યક્તિએ ઘરમાં પ્રવેશ કર્યો હોય તેનો ફોટો પડી જશે. વાડજ પોલીસ સ્ટેશનના પીઆઇ વી. જે. રાઠોડે જણાવ્યું હતું કે એક ખાનગી કંપની સાથે કરાર કરી ખાસ પ્રકારનું ફોટો એક્સપ્રેસ-ઈ૩ ડિવાઇસ તૈયાર કરવામાં આવ્યું છે. બહારગામ જતા લોકો, જેઓએ પોલીસમાં પોતાનું મકાન બંધ હોવાની નોંધ કરાવી છે તેવા મકાન પર આ ડિવાઇસ લગાવવામાં આવશે. આ ડિવાઇસ માટે કોઇ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. હાલમાં જે જાણ અંગેનાં ફોર્મ બહાર પાડવામાં આવ્યાં છે તેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ચેઇન સ્નેચિંગ ચોરી અને લૂંટની ઘટનાઓ વધતાં દિવાળીનાં સમયમાં ચોરી-લૂંટારુઓ સક્રિય બની ગયા હોઇ પોલીસે આ ઘટનાને રોકવા એકશન પ્લાન બનાવ્યો છે. એસીએ ઘરફોડને રોકવા બહાર ગામ જતાં લોકો જ્યારે પોતાનું મકાન બંધ કરીને જાય તો પોલીસને જાણ કરે તે માટે એક ફોર્મ બહાર પાડ્યું છે. આ ફોર્મ ભરી અને નજીકનાં પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે. પોલીસ આવા બંધ મકાનો ઉપર સતત વોચ રાખશે અને ઘરફોડ ચોરીઓ થતી અટકાવશે.

શહેર પોલીસ દ્વારા આ ફોર્મને તમામ વર્તમાનપત્રોની સાથે નાખી ઘર ઘર સુધી પહોંચાડયાં છે. ક્રાઇમ બ્રાંચ એસીપી જે.કે. ભટ્ટે જણાવ્યું કે બહારગામ જતી વખતે લોકો પોલીસને જાણ કરીને જવું જોઇએ અને તેને સાથે પ્રતિસાદ મળે છે. ઘણાં લોકો પોલીસ સ્ટેશનમાં રૂબરૂ આવી જાણ કરીને જતાં હોય છે. શહેરના વાડજ, રામોલ, નારણપુરા સેટેલાઇટ, વસ્ત્રાપુર વગેરે વિસ્તારમાં પોલીસે દિવાળી પહેલાં જ આવાં ફોર્મ લોકો પાસે ભરાવ્યાં હતાં.

You might also like