ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ રામભરોસે

રાજ્યનું સૌથી જૂનું મ્યુઝિયમ ભુજમાં છે. કચ્છમાં આવતા પ્રવાસીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. મોટાભાગના પ્રવાસીઓ ભુજનું કચ્છ મ્યુઝિયમ જોવા ઇચ્છતા હોય છે. આ મ્યુઝિયમમાં અનેક અમૂલ્ય વસ્તુઓ છે પરંતુ તેની જાળવણી માટે માત્ર વર્ગ ચારના ચાર કાયમી અને ત્રણ કોન્ટ્રાક્ટ પરના મળીને સાત કર્મચારીઓ છે. તેથી મ્યુઝિયમનો વધુ વિકાસ થઇ શકતો નથી. ભૂકંપ પછી વિસ્તરણ માટે બાજુમાં જ આવેલી ઓલ્ફ્રેડ હાઇસ્કૂલની ઇમારત પણ મ્યુઝિયમ માટે અપાઇ છે. ત્યાં નવી ત્રણેક ગેલેરીઓ બનાવાઇ છે પરંતુ તે પણ ખુલ્લી મૂકી શકાતી નથી. મ્યુઝિયમના સ્ટોરમાં તો પ્રદર્શિત કરાયેલી વસ્તુઓ કરતાં પણ વધુ મૂલ્યવાન વસ્તુઓ છે. તેને પણ લોકોને જોવા માટે મૂકી શકાતી નથી.

કચ્છના રાજવી રાવ ખેંગારજી ત્રીજાનાં લગ્ન સમયે ૧૮૮૪માં કચ્છની વિખ્યાત હસ્તકલાઓની વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં ૫૯૦૦ જેટલી વસ્તુઓ પ્રદર્શિત કરાઇ હતી. લગ્ન સમારોહ પછી આ પ્રદર્શનમાંથી રૂ.૩૩૦૦ની કિંમતની વસ્તુઓનો સંગ્રહ કાયમી રીતે રાખવાનું નક્કી કરાયું અને તે માટે એક ખાસ ઇમારત બનાવાઇ. જેનું ભૂમિપૂજન તે સમયના મુંબઇના ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસને કર્યું હતું. ૩૨ હજારના ખર્ચે બનેલી બે માળની ઇમારતમાં મ્યુઝિયમ બનાવાયું અને તેને ફર્ગ્યુસન મ્યુઝિયમનું નામ અપાયું. સ્વતંત્રતા સુધી રાજા માત્ર પોતાના અંગત મહેમાનોને જ તે બતાવતા. સામાન્ય જનતા માટે તો પ્રસંગોપાત જ ખુલ્લુ મુકાતું, પરંતુ આઝાદી પછી બધા લોકો તે જોઇ શકતા અને તેથી તેનું નામ કચ્છ મ્યુઝિયમ રખાયું હતું.

હમીરસર તળાવના કાંઠે જ આ મ્યુઝિયમ આવેલું હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં તેની મુલાકાત લે છે. અત્યારે આ મ્યુઝિયમમાં ૪૨૦૦થી વધુ અમૂલ્ય વસ્તુઓ છે. જેમાં ૧૮મી સદીનો લાકડાંની સાત સૂંઢવાળો સફેદ ઐરાવત, સોનાનો મયૂર મુગટ, સાતમી સદીની ભગવાન બુદ્ધની બ્રોન્ઝની મૂર્તિ, સિંધુ સંસ્કૃતિની વસાહતોના ઉત્ખનન દરમિયાન મળેલાં માટીનાં વાસણો, શક ક્ષત્રપના સમયના શિલાલેખો, ટીપુ સુલતાને કચ્છી ઘોડાઓના બદલામાં જમાદાર ફતેહમામદને ભેટ આપેલી તોપ જેવી અનેક બહુમૂલ્ય વિરાસતો મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલી છે. આ ઉપરાંત કચ્છમાં વસતા વિવિધ જાતિના લોકોની જીવનશૈલી દર્શાવતા પેપરપલ્પમાંથી બનાવેલા પૂર્ણ કદના નમૂના રખાયા છે. નામશેષ થવા લાગેલી રોગાન કલાના વિવિધ નમૂના પણ અહીં પ્રદર્શિત કરાયેલા છે. લોકોને જેમાં વધુ રસ પડે તેવાં શસ્ત્રો, કચ્છ રાજનું ચલણી નાણું, સોના- ચાંદીના દરદાગીના અને કોતરણીવાળાં વાસણો, તારા અને નક્ષત્રોની ઊંચાઇ માપવાનું સાધન, લાકડાં પર કોતરણીકામ કરીને બનાવેલા ખૂબ મોટા દરવાજા વગેરે પણ આ સંગ્રહાલયનું આકર્ષણ છે.

અહીં પ્રદર્શિત થયેલો ઐરાવત એ ઇન્દ્રનું વાહન છે. આ મ્યુઝિયમમાં રખાયેલા સાત સૂંઢવાળા ઐરાવતની અંબાડીમાં ઇન્દ્ર બેઠા છે અને તે જૈન તીર્થંકરનાં દર્શને જઇ રહ્યા છે. તેની દરેક સૂંઢમાં મંદિર છે. ઐરાવતના શરીર પર ફૂલ અને વેલબુટ્ટાની નકશીથી સજાવાયેલું છે. જૈન અને કામાગરી શૈલીના અદ્ભુત સંયોગસમા ૧૮મી સદીના આ નમૂનાને ટપાલટિકિટ પર સ્થાન મળી ચૂક્યું છે તો સોનાનો મયૂર મુગટ ૨૦મી સદીનો છે. નારાયણ સરોવરમાંથી તે લવાયો છે. તેમાં અનેક બહુમૂલ્ય પથ્થરો જડાયેલા છે.

કચ્છની વિવિધ જાતિ જેવી કે, વાગડિયા રબારી, આહીર, મુત્વા, વણિક, મેઘવાળ, ચારણ, વાગડિયા રબારી, કોળી વગેરેની જીવનશૈલી દર્શાવતી, તેમના રોજબરોજના ઉપયોગની વસ્તુઓ સાથેની માનવજાતિ ગેલેરી પણ અહીં પ્રદર્શિત કરાયેલી છે. તેમાં લોકોના પહેરવેશ, તેમની કળાઓ, ઘરની બાંધણી વગેરે જોઇ શકાય છે.

ભૂકંપ પછી મ્યુઝિયમના વિસ્તરણ માટે બાજુની ઐતિહાસિક ઓલ્ફ્રેડ હાઇસ્કૂલની મોટી ઇમારત પણ અપાઇ છે. વિસ્તરણ તો દૂરની વાત પણ જે વસ્તુઓ પ્રદર્શિત કરાયેલી છે તેની વ્યવસ્થિત જાળવણી થઇ શકે તેટલા કર્મચારીઓ પણ નથી. સંગ્રહાલયના ક્યુરેટરની જગ્યા વર્ષોથી ખાલી છે. અત્યારે સેન્ટ્રલ કન્ઝર્વેશન લેબોરેટરી ફોર મ્યુઝિયમ્સના વડા તરીકે વડોદરા ખાતે ફરજ બજાવતા યોગેશ દવે પાસે કચ્છ મ્યુઝિયમના ક્યુરેટરનો વધારાનો ચાર્જ છે. ગેલેરી આસિસ્ટન્ટની જગ્યા ખાલી છે. સિનિયર, જુનિયર ક્લાર્ક સહિતના ક્લેરિકલ કર્મચારીઓની જગ્યા પણ ખાલી છે. માત્ર વર્ગ ચારના ગેલેરી એટેન્ડન્ટની જગ્યા ભરાયેલી છે. જોકે અન્ય ત્રણ ગેલેરી એટેન્ડન્ટ જગ્યાએ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ ફરજ બજાવે છે. ગેલેરી દીઠ એક ગેલેરી એટેન્ડન્ટ ને એક ગેલેરી આસિસ્ટન્ટ જોઇએ.

મ્યુઝિયમના નવા ભાગમાં એટલે કે ઓલ્ફ્રેડ હાઇસ્કૂલવાળા બિલ્ડિંગમાં વનસ્પતિ વિભાગ, માનવજાતિ વિભાગ, માટીનાં વાસણોના વિભાગ તૈયાર કરાયા છે. આ નવી ગેલેરીઓનું મોટાભાગનું કામ પણ થઇ ગયું છે. માત્ર તે લોકો માટે ખુલ્લુ મુકાયું નથી. જો આ વિભાગ ખુલ્લો મુકાય તો ત્યાં પ્રદર્શિત કરાયેલા નમૂનાઓનું ધ્યાન રાખવા માટે સ્ટાફ જોઇએ, જે નથી. ઉપરાંત બંને ઇમારતોને જોડતો રસ્તો હજુ બનાવાયેલો નથી. આથી લોકોને તૈયાર થયેલી પ્રદર્શન ગેલેરીઓ જોવા મળતી નથી.

આ મ્યુઝિયમમાં જેટલી વસ્તુઓ પ્રદર્શિત કરાઇ છે તેનાથી વધુ વસ્તુઓ સ્ટોરમાં ધૂળ ખાતી પડી છે. સમયાંતરે મ્યુઝિયમમાં મુકાયેલા નમૂનાઓ બદલાય તે જરૂરી છે પરંતુ વસ્તુઓ ફેરબદલ કરાતી નથી. આ ઉપરાંત ભૂકંપ પહેલાં આ મ્યુઝિયમમાં પ્રાણીઓનો વિભાગ હતો. જેમાં સાચાં પ્રાણીઓનાં શરીરને જતન કરીને સાચવીને લોકોને જોવા માટે મુકાયાં હતાં, પરંતુ ભૂકંપમાં થોડાં પૂતળાં ક્ષતિગ્રસ્ત થયા પછી તેને રિપેર કરીને ફરી પ્રદર્શિત કરાયાં નથી. વાઘ, સિંહ, ચિત્તા, જરખ, અજગર, ઘુડખર, આફ્રિકાના આરિક્સ જેવાં પ્રાણીઓના નમૂના અહીં છે પરંતુ તેને રિપેર કરાતા નથી. આ ઉપરાંત રાજાશાહીના જમાનાનાં અનેક ચિત્રો છે. જેમાંનાં કેટલાંક તો ખરેખર અલભ્ય કહી શકાય તેવાં છે. મહોરમનું સરઘસ, નાગપંચમીએ નીકળતી રાજાની સવારીનાં લાંબાં ચિત્રો છે પરંતુ તેને પણ પ્રદર્શિત કરાતાં નથી. મ્યુઝિયમના વિકાસ માટે પૂરતી જગ્યા ને નમૂનાઓ હોવા છતાં માત્ર સ્ટાફની કમીના કારણે તે લોકોને જોવા માટે મૂકી શકાતા નથી. જો ગેલેરી આસિસ્ટન્ટની જગ્યા ભરાય તો મ્યુઝિયમના વિકાસમાં વેગ આવી શકે તેમ છે.

ક્યુરેટર યોગેશ દવે સાથે વાત કરતાં તેમણે પણ સ્ટાફ ઓછો હોવાની વાત કબૂલતાં જણાવ્યું હતું કે, “રાજ્યના સૌપ્રથમ એવા આ મ્યુઝિયમના વિકાસ માટે થાય તેટલા પ્રયત્નો કરીએ છીએ. આ મ્યુઝિયમમાં મહદ્ અંશે સ્થાનિક કલા-કારીગરીના નમૂના પ્રદર્શિત કરાયા હોવાથી બહારથી આવનારા પ્રવાસીઓમાં તે જોવાનું ભારે આકર્ષણ રહે છે. કચ્છની ભરપૂર વિગતો આ મ્યુઝિયમ પૂરી પાડતું હોવાથી તે જિલ્લાના ગાઇડ જેવું કામ કરે છે. સ્ટાફ ઓછો હોવા છતાં લોકો મહત્તમ વસ્તુઓ જોઇ શકે તેવા અમારા પ્રયત્નો છે. મૂળ મ્યુઝિયમ ઉપરાંત ઓલ્ફ્રેડ હાઇસ્કૂલના બિલ્ડિંગની જગ્યામાં પણ અમે નવી ગેલેરીઓ તૈયાર કરી છે. જે ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લી મૂકવાનો અમારો પ્રયાસ છે.”

હજારો લોકો દર વર્ષે આ મ્યુઝિયમની મુલાકાત લે છે. છેલ્લાં પાંચ વર્ષના આંકડા જોઇએ તો વર્ષ ૨૦૧૨-૧૩માં ૭૩ હજારથી વધુ, વર્ષ ૧૩-૧૪માં ૬૯ હજાર, વર્ષ ૧૪-૧૫માં ૪૫ હજાર, વર્ષ ૧૫-૧૬માં ૭૩ હજાર અને ડિસેમ્બર ૧૬ સુધીમાં ૩૨હજારથી વધુ મુલાકાતીઓએ કચ્છ મ્યુઝિયમને નિહાળ્યું હતું. મ્યુઝિયમની આવક પણ લાખોમાં થાય છે. અહીં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવાની પરવાનગી પણ અનેક મુલાકાતીઓ લે છે. તેના કારણે પણ મ્યુઝિયમને વધુ આવક થાય છે. આ મ્યુઝિયમ વિદેશીઓનું માનીતું છે. કચ્છના પ્રવાસે આવનારા મોટાભાગના વિદેશીઓ તો ચોક્કસ અહીં પ્રદર્શિત કચ્છની વિરાસત જોઇને અભિભૂત થાય છે.
http://sambhaavnews.com/

You might also like