ગુજરાતમાં આપની સરકાર બનશે તો મધ્યાહન ભોજનના કર્મચારીનો પગાર 15,000 કરાશે

અમદાવાદ: ગુજરાતમાં ચાલતી મધ્યાહ્ન ભોજન યોજનામાં આશરે દોઢ લાખ જેટલા કર્મચારીઓ કાર્યરત છે. જેનું લાંબા સમયથી સંપૂર્ણ રીતે શોષણ થઇ રહ્યું છે. આ કર્મચારીઓની જવાબદારી પચાસથી લઈને સાતસો સુધી વિદ્યાર્થીઓને જમાડવાની હોય છે.

આ ઉપરાંત તેમને મતદાર યાદીની ગણતરી કરવામાં , આધારકાર્ડના કામમાં, સભાઓના કામમાં પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. આ કર્મચારીઓ સાથે પગારના નામે મજાક કરવામાં આવે છે. તેમને માસિક માત્ર 1000 રૂપિયાનો પગાર આપવામાં આવે છે, માત્ર એટલું જ નહિ તેમને માત્ર અગિયાર મહિનાના માટે જ નોકરી પર રાખવામાં આવે છે તેમને પરમનેન્ટ કરવામાં આવતા નથી.

ઘણા કર્મચારીઓ એવા છે કે ત્રીસ-ત્રીસ વર્ષ કામ કર્યા બાદ પણ તેમને પગાર કરવામાં આવતા નથી. આ કર્મચારીઓમાં મોટા ભાગની મહિલાઓ છે જેમાં મુખ્યત્વે વિધવા મહિલાઓ કાર્યકરત છે. મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરનારી ભાજપ સરકાર દ્વારા લાંબા સમયથી આ તમામ મહિલાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે.

મધ્યાહ્ન ભોજન કર્મચારીઓ લાંબા સમયથી તેમની સાથે રહેલા શોષણ સામે સરકાર સામે અલગ અલગ પ્રકારે આંદોલન કરી રહ્યા છે. અન્યાયી સરકાર સામે રેલી, ધારણા, પ્રદર્શનો કરી તમામ કર્મચારીઓ થાક્યા છે. ત્યારે આજે “મધ્યાહ્ન ભોજન ગુજરાત લડત સમિતિ “ના અધ્યક્ષ પિયુષ વ્યાસ તેમના 200 જેટલા કર્મચારીઓ સાથે આમ આદમી પાર્ટીના નેતા અને ડેપ્યુટી સી.એમ મનીષ સિસોદીયાને મળ્યા હતા. અને તેમને પોતાની તમામ સમસ્યાઓ અંગે ખુલીને રજૂઆત કરી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે ત્યારે તેમની સમસ્યાઓના નિરાકરણ અંગે આમ આદમી પાર્ટી શું વિચારે છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે જે રીતે તેમનું શોષણ થઇ રહ્યું છે તે અત્યંત શરમજનક વાત છે. એક તરફ દિલ્લી સરકાર લઘુત્તમ વેતન વધારી 14,000 કરી રહી છે જે શિક્ષકોને કાયમી કરવામાં આવતા ન હતા તેમને કાયમી કરી રહી છે અને બીજી તરફ ગુજરાત મોડલના નામે લોકોનું શોષણ થઇ રહ્યું છે.

મનીષ સિસોદિયાએ આશ્વાસન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પરિવર્તન આવવાને માત્ર એક વર્ષ જ બાકી છે એક વર્ષ બાદ રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ આ તમામ કર્મચારીઓનો પગાર વધારી 15,000 જેટલો કરી નાખવામાં આવશે અને સાથે સાથે તેમને કાયમી કરવાની પ્રક્રિયા શરુ કરી નાખવામાં આવશે. એટલું જ નહિ આ એક વર્ષ સુધી તેમના દરેક સંઘર્ષનો આમ આદમી પાર્ટી સાથ આપશે અને તેમના સવાલો માટે તેમની સાથે મળી આંદોલન કરશે.

You might also like