આખરે મેયરની રેસમાં કોણ?, મોટા મોટા શહેરોમાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની મુદત પુર્ણ

ગુજરાતઃ અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગરનાં મેયર, સ્ટેન્ડિંગનાં ચેરમેનની મુદત હવે પૂર્ણ થઇ રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં મેયર માટે મહિલા ઉમેદવારનું નામ મોખરે લેવાઇ રહ્યું છે. ચાર મહિલા કોર્પોરેટરો હાલમાં મેયર પદની રેસમાં આગળ છે. અમદાવાદમાં નવરંગપુરા વોર્ડનાં નિદિનીબેન પંડ્યા સૌથી આગળ છે.

ઘાટલોડિયાનાં રેણુકાબેન પટેલ, પાલડીથી બીજલ પટેલ અને મણીનગર વોર્ડનાં નીશા ઝા પણ મેયર પદની રેસમાં આગળ છે. સ્ટેન્ડિંગ કમિટીમાં રમેશ દેસાઇ, પૂર્વ મેયર અમિત શાહ, રશ્મિ પટેલ અને કૃષ્ણવદન બહ્મભટ્ટનું નામ પણ સ્ટેન્ડિંગની રેસમાં હાલ સૌથી આગળ છે.

મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર અને સ્ટેન્ડિગ કમિટીનાં પદને લઇને હાલમાં રાજકારણ ગરમાઇ રહ્યું છે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનનાં પદ માટે કોર્પોરેટર પ્રમુખે નેતાઓનું શરણ હાલમાં લીધું છે. મહત્વનું છે કે જ્ઞાતિ આધારિત સમીકરણને ધ્યાનમાં લઇને પદની નિમણૂંક કરવામાં આવશે. મેયર પદ માટે જનરલ મહિલા અનામત સીટ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે જંગ જામશે.

મેયર પૂર્વમાંથી બનાવાશે તો સ્ટેન્ડિંગ ચેરમેન પશ્ચિમનાં હશે. મેયર બ્રાહ્મણ કે પટેલ હશે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઓબીસી હશે. છેલ્લાં પાંચ વર્ષથી સ્ટેન્ડિંગ કમિટીમાં પટેલ ઉમેદવારને સ્થાન આપવામાં આવ્યું છે. ઓબીસી ઉમેદવારને સ્ટેન્ડિંગ ચેરમેન બનાવવાની પ્રખર શક્યતા છે. મેયર તરીકે નંદીનીબેન અને મધુબેનનાં નામ હાલમાં ચર્ચામાં છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં રમેશ દેસાઇનાં નામને મોહર વાગી શકે છે. અત્યાર સુધી આનંદીબેન પટેલનાં નજીકનાને મેયર અને ચેરમેન પદ મળ્યું છે. હવે અમિત શાહનાં નજીકનાને મેયર અને ચેરમેનનું પદ પણ મળી શકે છે. કુશળ વહીવટદારને ચેરમેનનું પદ મળી શકે છે. ચેરમેન પદ માટે રમેશ દેસાઇ, અમિત શાહ, રશ્મિ પટેલ, અને કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ રેસમાં છે.

મેયરનાં પદ માટે નંદીનીબેન, બીજલબેન અને મધુબેન રેસમાં છે. અમદાવાદનાં 6 ઝોન આધારે પદની વહેંચણી કરવામાં આવશે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, નેતા, દંડકની ઝોન પ્રમાણે નિમણૂંક કરાશે. મેયર પશ્ચિમ ઝોનમાંથી જ તેઓની નિમણૂંક કરવામાં આવશે તેવી સંભાવના છે. આનંદીબેનનાં નજીકનાં કોર્પોરેટરોએ તો આશા જ છોડી દીધી છે.

You might also like