ગુજરાતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અંગે વિપુલ તકોઃ સીઆઈઆઈ

અમદાવાદ: કેન્દ્ર સરકારના મેક ઈન ઈન્ડિયા વિઝન અંતર્ગત ગુજરાતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર ઘણી ઉજળી તકો છે તેવું સીઆઈઆઈના ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન દેવાંશુ ગાંધીએ આજે અમદાવાદ ખાતે યોજાયેલી ડિફેન્સ કોન્ક્લેવ-ર૦૧પના પ્રારંભિક સત્રમાં જણાવ્યું હતું.

કોન્ફેડેરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)ના ઉપક્રમે અમદાવાદ ખાતે આજથી બે દિવસીય ડિફેન્સ કોન્કલેવ-ર૦૧પનો પ્રારંભ થયો હતો. આ કોન્કલેવના પ્રારંભિક સત્રમાં દેવાંશુ ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા મેઈક ઈન ઈન્ડિયા વિઝન અપનાવવામાં આવ્યું છે. જેના અંતર્ગત ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી તકોનું સર્જન થયું છે.

તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં આ ક્ષેત્રે બહોળી અને વિપુલ તકો રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ માટે રર ઈન્ડસ્ટ્રિયલ લાઇસન્સ આપવામાં આવ્યા છે. જેમાં આર્મ્ડસ વેહિકલ્સ, મિસાઈલ સિસ્ટમ (મિસાઈલના વિવિધ ભાગો)નું મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં કરવામાં આવનાર છે. આથી આ ક્ષેત્રે ગુજરાતમાં આગામી દિવસોમાં બહોળી તકો ઉપલબ્ધ થનાર છે.

આ પ્રસંગે મનોજ અગ્રવાલ (આઈએએસ, વાઈસ ચેરમેન એન્ડ એમ.ડી. જીઆઈડીસી, ગુજરાત સરકાર)એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અંગે પોલિસીનો ફરમો તૈયાર કરવામાં આવ્યો છે.

જો કે કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકાર તેની પોલિસીને આખરી ઓપ આપશે. આ પ્રસંગે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વિવિધ એજન્સીઓ અને કંપનીઓના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને પોતાની બાજુ રજૂ કરી હતી.

You might also like