દેશમાં સૌપ્રથમ ગુજરાતનાં પુસ્તકાલયોમાં ‘બ્રેઈલ કોર્નર’

ઈન્ટરનેટ અને સંચારક્રાંતિના યુગમાં બહુ ઓછાં ક્ષેત્રો એવાં રહ્યાં છે જેમાં પગલું ન માંડી શકાયું હોય. એક જમાનામાં અંધજનો માટે સ્વતંત્ર જીવન જીવવું અશક્ય મનાતું હતું. આજે આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીએ તેને ઘણું સરળ કરી આપ્યું છે. અંધજનોના જીવનમાં બ્રેઈલ લિપિનો અમૂલ્ય ફાળો રહ્યો છે. તેના કારણે અંધજનો વાંચતાં-લખતાં અને હવે તો ઉચ્ચ શિક્ષણ મેળવતા થયા છે. ત્યારે તેઓ પણ જ્ઞાનના ભંડાર એવાં પુસ્તકોથી વંચિત ન રહે તે હેતુથી દેશમાં સૌપ્રથમ વાર ગુજરાતનાં પુસ્તકાલયોમાં ‘બ્રેઈલ કોર્નર’ શરૂ થવાની છે.

રાજ્ય સરકારના ગ્રંથાલય વિભાગ દ્વારા ૨૦ જિલ્લા પુસ્તકાલયોમાં આગામી દિવસોમાં ‘બ્રેઈલ કોર્નર’નો અમલ થવા જઈ રહ્યો છે. ‘બ્રેઈલ કોર્નર’માં પ્રથમ તબક્કે બે હજાર જેટલાં શ્રાવ્ય અને ૬૦ જેટલાં બ્રેઈલ પુસ્તકો ઉપલબ્ધ હશે. સાથે જ અંધજનોને ઉપયોગી એનવીડીએ, સ્પેશિયલ ઓસીઆરથી સજ્જ કમ્પ્યુટર, સીડી પ્લેયર, સ્કેનર જેવી સુવિધા પણ ઉપલબ્ધ હશે.

આ સાધનોની ઉપયોગિતા અને જાણકારી આપતો એકદિવસીય તાલીમવર્ગ હાલમાં જ અમદાવાદના અંધજન મંડળ ખાતે યોજાઈ ગયો, જેમાં હાજર ૨૦ જિલ્લા પુસ્તકાલયોના ગ્રંથપાલો, અધિકારીઓને ગ્રંથાલય નિયામક કૌશિક શાહે ‘બ્રેઈલ કોર્નર’થી માહિતગાર કર્યા હતા.

પ્રજ્ઞાચક્ષુની પુસ્તકવાચનની જરૂરિયાતને પૂર્ણ કરવાનો દેશભરમાં આ પ્રથમ પ્રયાસ છે. જો તે સફળ થશે તો આગામી દિવસોમાં અન્ય જિલ્લા-રાજ્યોમાં પણ તેનો અમલ થશે.

You might also like