ગુજરાતમાં ઘાતક હથિયારો ઘૂસાડવાનું  કારસ્તાનઃ ચાર શખસની ધરપકડ

અમદાવાદ:  રથયાત્રાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં હથિયારો ઘૂસાડતાં તત્વો સક્રિય બન્યાં હોવાની ચોક્કસ બાતમીના અાધારે ગાંધીનગર એસઓજીની ટીમે હિંમતનગર હાઈવે પર ચંદ્રાણા પાસે અાવેલી એક હોટલ નજીક વોચ ગોઠવી ગુજરાતમાં ઘાતક હથિયારો ઘૂસાડવાના કાવતરું પકડી પાડી ચાર શખસની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણએ અા અંગેની વિગત એવી છે કે રથયાત્રા અાડે હવે માત્ર સાત દિવસ બાકી છે અને ગાંધીનગર જિલ્લામાં તાજેતરમાં ખાનગી ગોળીબારના બે બનાવ બનતાં પોલીસે હથિયારો પકડી પાડવા ખાસ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાનમાં ગાંધીનગર એસઓજીને બાતમી મળી હતી કે રાજસ્થાનની એક ગેંગ ગુજરાતમાં ઘાતક હથિયારો ઘૂસાડવા સક્રિય બની છે અને અા ટોળકી પૈસાની લાલચમાં હથિયારો મંગાવી અાપે છે અને અામા હથિયારની અાપ-લે હિંમતનગર હાઈવે પર ચંદ્રાણા નજીક અાવેલી અાગમન હોટલ પાસે થવાની છે.

અા બાતમીના અાધારે પોલીસે હિંમતનગર હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં અાવેલી એક હોટલનું વેઈટર નેપાલસિંહ રણજીતસિંહ ચુડાવત પોતે મંગાવેલ હથિયરા લેવા માટે અાગમન હોટલ પાસે અાવ્યો હતો અા વખતે જ અન્ય રાજસ્થાનના ત્રણ શખસો દેવીલાલ અમરજી, ચંદ્રવીરસિંહ દલપતસિંહ અને સંગ્રામસિંહ વસંતસિંહ નામના ત્રણ શખસો તેને રિવોલ્વર અાપવા અાવતા પોલીસે અા ચારેયને અાબાદ ઝડપી લીધા હતા. પોલીસે અા ચારેય શખસની સઘન પૂછપરછ શરૂ કરી છે. અા ટોળકીએ અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં હથિયારોની હેરાફેરી કરી હોવાનું કબૂલાત કરી હોવાનું જાણવા મળે છે.

You might also like