ગુજરાતના કબડ્ડી ખેલાડીઓ ત્રણ વર્ષથી ગોલ્ડ મેડલ જીતે છેઃ સંદીપ નરવાલ

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયમાં કબડ્ડીનું સ્તર સુધર્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતની અંડર-૧૭ની ટીમ સતત ગોલ્ડ મેડલ મેળવી રહી છે તેમ જૂનિયર ઈન્ડિયન કબડ્ડી ટીમના કેપ્ટન સંદીપ નરવાલે જણાવ્યું હતું. અમદાવાદ પબ્લિક સ્કૂલ દ્વારા આજે યોજાયેલ વાર્ષિક સ્પોર્ટ્સ મીટમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પટણા પાઈરેટ્સ પ્રો કબડ્ડી લીગના કપ્તાન અને જૂનિયર એશિયન કબડ્ડીના ગોલ્ડ મેડાલિસ્ટ સંદીપ નરવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંદીપ નરવાલે જણાવ્યું હતું કે પ્રો કબડ્ડીના પગલે ગુજરાત સહિત દેશભરમાં કબડ્ડીને પ્રોત્સાહન મળી રહ્યું છે. એટલું જ નહીં ગુજરાતના ખેલાડીઓ પણ આ રમતમાં આગળ આવી રહ્યા છે.
અમદાવાદ પબ્લિક સ્કૂલના વાર્ષિક સ્પોર્ટ્સ મીટમાં મુખ્ય મહેમાનપદે રાજ્યના રમત ગમત મંત્રી નાનુભાઈ વાનાણી ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી વાનાણી, સંદીપ નરવાલ તેમજ કબડ્ડીની રાષ્ટ્રીય ટીમના કોચ જયવીર શર્મા અને કબડ્ડીના ખેલાડી અરવિંદ હુડાએ ઉપસ્થિત રહીને ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્પોર્ટ્સ મીટમાં એથ્લેટિક્સ અને ટ્રેક ઇવેન્ટ ઉપરાતં કોથળા દોડ, ફ્રોગ રેસ, રિલે દોડ સહિતની રમતોનું આયોજન કરાયું હતું.

જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના ડીરેક્ટર ડૉ. સ્વાતિ નાયરે જણાવ્યું હતું કે આ સ્પોર્ટ્સ મીટ માટે બાળકો ઘણાં સમયથી તૈયાર કરી રહ્યા હતાં. આ મીટનું આયોજન કરવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના પેદા થાય તે હતો.

You might also like