ગુજરાતમાં પણ આઈએસના હુમલાનો ખતરોઃ IBનું એલર્ટ

અમદાવાદ: બાંગ્લાદેશમાં થયેલા ખૌફનાક આંતકી હુમલાને હજુ એક સપ્તાહ પણ પૂરું નથી થયું ત્યારે આઇએસ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ફરીથી બાંગ્લાદેશ પર ફરી હુમલો કરવાની ધમકી આપી હતી. ગઇ કાલે ઢાકામાં ઇદની નમાજ પછી થયેલા આતંકી હુમલાથી આઇએસ દ્વારા અપાયેલી ધમકી સાચી પડી છે. ત્યારે હવે આઇએસએ આપેલી ધમકીઓના પગલે દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ છે કે બાંગ્લાદેશ પછી ભારત આઇએસના નિશાના પર છે. આઇએસ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ઢાકા જેવો બ્લાસ્ટ કરવાનું આયોજન બનાવી રહ્યું હોવાની વિગતો સુરક્ષા એજન્સીઓના ધ્યાને આવી છે.

ત્યારે હવે આઇએસના આતંકીઓ બાંગ્લાદેશની બોર્ડર મારફતે દેશમાં ધૂસે તેવી શક્યતાઓને પગલે બોર્ડર પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઇ છે.  આઇબી દ્વારા ઇદ પહેલાં દેશનાં કેટલાંક રાજ્યોમાં એલર્ટ જારી કરી દેવાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત , દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીરમાં આઇએસ આંતકી હુમલો કરવા માટે પ્લાન ઘડી રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર છેલ્લા ઘણા સમયથી આઇએસ સોશિયલ સાઇટ મારફતે દેશનાં તમામ રાજ્યોમાં યુવાનોનો સંપર્ક કરી રહ્યું છે. ત્યારે ઇન્ડિયન મુજાહિદીન તથા જૈશે મહંમદના આતંકીઓ પણ આઇએસમાં જોડાઇ ગયા હોવાની વિગતો સુરક્ષા એજન્સીઓના સામે આવી છે.

બાંગ્લાદેશમાં થયેલા આંતકી હુમલા પછી આઇએસ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો . જેમાં આતંકીઓએ બાંગ્લાદેશમાં ફરી આતંકી હુમલા કરવાની ધમકી આપી હતી. આ ધમકીને આઇએસએ સાચી કરી બતાવી છે ગઇ કાલે ઢાકામાં ઇદની નમાજ પછી આતંકી હુમલો થતાં બાંગ્લાદેશ સહિત તમામ દેશોની સુરક્ષા એજન્સીઓને પેટમાં ફાળ પ઼ડી છે.

સૂત્રોનું માનીએ તો દેશમાં ઘૂસણખોરી માટે બાંગ્લાદેશ બોર્ડર સૌથી સુરક્ષિત છે. ગઇ કાલે અમદાવાદ એસઓજીની ટીમે નવ બાંગ્લાદેશીઓને જુહાપુરાથી પકડી પાડ્યા હતા. ત્યારે હવે આઇએસના આતંકીઓ બાંગ્લાદેશની બોર્ડર મારફતે દેશમાં ઘૂસે તેવી શક્યતાઓ છે. તાજેતરમાં હૈદરાબાદથી 11 આઇએસના શકમંદોની અટકાયત કરી હતી જેમની પાસેથી કારતૂસ અને કમ્પ્યૂટર પણ જપ્ત કર્યાં હતાં કમ્પ્યૂટરમાં એનઆઇએને કેટલીક ચોંકાવનારી વિગતો પણ મળી છે.

વર્ષ 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટ પછી વધુ એક વખત આતંકી હુમલો કે બોમ્બ બ્લાસ્ટ ગુજરાતમાં ના થાય તે માટે સ્ટેટ આઇબીએ ગુજરાત પોલીસને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. થોડાક સમય પહેલાં બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલા આલમઝેબની ધરપકડ કરી હતી. જેમાં તે આઇએસમાં જોડાવાવાની ફિરાકમાં હોવાનું પણ સામે આવ્યું હતું અને આઇએસના આતંકી શફી અરમાન સાથે કોન્ટેક્ટમાં હોવાનું પણ સામે આવ્યું હતું.

આ મુદ્દે સ્ટેટ આઇબીના ડીવાયએસપી કાનન દેસાઇએ જણાવ્યું છે કે ઢાકામાં થયેલા હુમલા પછી પોલીસને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે અને શંકમદો પર નજર રાખવાનું પણ સૂચન કર્યુ છે. તો બીજી તરફ ક્રાઇમ બ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટે જણાવ્યું છે કે ક્રાઇમ બ્રાંચ શંકમદ વ્યકિતઓની ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યું છે ત્યારે બોમ્બ બ્લાસ્ટમાં પકડાયેલા તથા આઇએસમાં જોડાવાની તૈયારી કરતા આતંકીઓને જેલમાં મુલાકાત માટે કોણ આવે છે એને જેલમાં તેમની હરકતો પર નજર રાખવામાં આવી રહી છે.

You might also like