ગુજરાત હાઉસિંગ ફાઈનાન્સ કોર્પો.ના બે અધિકારી સહિત પાંચ બાબુ લાંચના છટકામાં

અમદાવાદ: ગુજરાત હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનના બે રિકવરી ઓફિસર, અને નિવૃત્ત ઈન્સ્પેક્ટરને લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોએ રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. અા ઉપરાંત કચ્છ-ભૂજના બોર્ડરવિંગના એક ઈન્સ્પેક્ટર અને જીઈબીના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટને પણ એસીબીએ લાંચ લેતા ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ગુજરાત હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનના અધિકારી ઓફિસર હરિભાઈ પટેલ તથા મણિભાઈ પઢિયાર અને નિવૃત્ત ઈન્સ્પેક્ટર અબ્દુલ લાેઢાણીએ વડોદરા રહીશ મયૂરભાઈ શાહ પાસે તેમના સીલ લાગેલા ફ્લેટની લોનના સેટલમેન્ટ માટે રૂપિયા એક લાખની માગણી કરી હતી. અા અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા એસીબીની ટીમે ગોઠવેલા છટકામાં ઉપરોક્ત ત્રણેય સર્કિટહાઉસ ખાતે લાંચ લેતા અાબાદ ઝડપાઈ ગયા હતા. અા અંગે વડોદરા એસીબીએ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કચ્છ-ભૂજ બોર્ડરવિંગના ઈન્સ્પેક્ટર પી.વી. શર્માએ રજા પર ગયેલા ગાર્ડમેન મૂકેશ મેઘજીભાઈ પાસે રજા રિપોર્ટ રજૂ કરી મંજૂર કરી આપવા માટે રૂપિયા ૧૩૫૦૦ની લાંચ માગી હતી જે રકમ શર્મા વતી સ્વીકારતા કનવરસિંગ ડોલીરામ ગુર્જરને એસીબીએ ઝડપી લીધો હતો. આ ઉપરાંત માંડવીની જીઈબીમાં ફરજ બજાવતા ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ પી.ડી.બુચિયાએ કોન્ટ્રાક્ટર રામજીભાઈ સંધાર પાસે ટ્રાન્સફોર્મરના અર્થિંગના કામ માટેનું બિલ પાસ કરી અાપવા માટે રૂપિયા પાંચ હજારની માગણી કરી હતી. જે રકમ સ્વીકારતાં બુચિયા એસીબીના છટકામાં ઝડપાઈ જતાં અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરવામાં અાવી છે.

You might also like