બાથરૂમમાં સંતાયેલા ચોરને બહાર કાઢવા પોલીસે બારણુ તોડવું પડ્યું

728_90

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા બિલ્ડિંગમાં ચોરી કર્યા બાદ ઓફિસના બાથરૂમમાં છુપાયેલા ચોરની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે. બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડને અંગ્રેજીમાં હું અહીંયાંનો કર્મચારી છું તેમ કહી અંદર પ્રવેશી ચોરી કરી હતી, જોકે સિક્યોરિટીને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે બાથરૂમનો દરવાજો તોડી તેને ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ મેઘાણીનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા કમલેશભાઈ રાવલ નવરંગપુરામાં હેવમોર રેસ્ટોરાં પાસે આવેલા સદ્ભાવ એ‌િન્જ‌િનય‌િરંગ લિમિટેડ નામના બિલ્ડિંગમાં સિક્યોરિટી તરીકે નોકરી કરે છે. મંગળવારે રાતે તેઓ નોકરી પર હાજર હતા. રાતે આશરે પોણા બાર વાગ્યાની આસપાસ બિલ્ડિંગના મુખ્ય દરવાજાનું સેન્સર લોક તોડી એક શખ્સ અંદર પ્રવેશ્યો હતો. કમલેશભાઈએ તેને અટકાવી પૂછપરછ કરતાં અંગ્રેજીમાં હું અહીંયાંનો કર્મચારી છું તેમ કહ્યું હતું. કમલેશભાઇને શંકા જતાં તેઓએ અન્ય સાથી કર્મચારીને જાણ કરી હતી અને મુખ્ય દરવાજાનું શટર બંધ કરી દીધું હતું. નવરંગપુરા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

બિલ્ડિંગના પાંચમા માળે આઈટી વિભાગનું કમ્પ્યૂટર ચોરી કરી તે શખ્સે લિફ્ટ પાસે મૂક્યું હતું. પોલીસે બિલ્ડિંગમાં તપાસ કરતાં ચોથા માળે ઓફિસના બાથરૂમમાં યુવક સંતાયેલો મળી આવ્યો હતો. દરવાજો તોડી યુવકને બહાર કાઢી પૂછપરછ કરતાં રણજિત રવીન્દ્ર ગંગાધરન (ઉ.વ.૪૦, પુલકિલ હાઉસ, કેરાલા) હોવાનું જણાવ્યું હતું. નવરંગપુરા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like
728_90