મકાનની ખરીદી મોંઘી બનશેઃ પાછલા બારણે સ્ટેમ્પ ડ્યૂટીમાં વધારો

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં રાજ્ય સરકારે મકાનના દસ્તાવેજોમાં થતી સ્ટેમ્પ ડ્યૂટીમાં પાછલા બારણે ચૂપચાપ વધારો ઝીંકી દેતાં મધ્યમવર્ગના લોકોને મકાનની ખરીદી હવે મોંઘી પડશે. સરકારે સ્ટેમ્પ ડ્યૂટીમાં કાર્પેટ એરિયાના બદલે સુપર બિલ્ટઅપ એરિયા મુજબની સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો પરિપત્ર જાહેર કરીને જમીનની જંત્રીના ભાવમાં આડકતરો વધારો ઝીંધી દીધો છે.

સરકારે જાહેર કરેલા હુકમ મુજબ દસ્તાવેજોમાં બિલ્ટઅપ એરિયા પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનું શરૂ કરી દીધું છે. છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન જંત્રીના ભાવમાં વધારો થયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં બાંધકામ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી પ્રવર્તી રહી છે.

જમીન અને ફલેટો-દુકાનોનું વેચાણ ઓછું થઇ ગયું છે, જેના કારણે સરકારને વર્ષ ર૦૧૩-૧૪માં સ્ટેમ્પ ડ્યૂટીની આવક ૧૧૦૦ કરોડ થઇ હતી. જે વર્ષ ર૦૧પ-૧૬માં ઘટીને રૂ.પપ૦ કરોડ થઇ હતી, જેના કારણે સરકારે પાછલા બારણેથી ચૂપચાપ ભાવવધારો ઝીંકી દીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

અત્યાર સુધી સરકાર દ્વારા કાર્પેટ એરિયા મુજબની ક્ષેત્રફળની ગણતરી પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટીની વસૂલાત થતી હતી, પરંતુ ૧ એ‌િપ્રલથી સરકારે આ નિયમમાં ફેરફાર કરીને કાર્પેટ એરિયાના બદલે બિલ્ટઅપ એરિયા પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો નિર્ણય લીધો છે. જેથી સ્ટેમ્પ ડ્યૂટી ૧.ર ટકા વધુ ભરવી પડશે. દસ્તાવેજોની નોંધણી કરાવતા એડ્વોકેટ લાલસિંહ પરમારે કહ્યંું હતું કે જો દસ્તાવેજમાં કાર્પેટ એરિયાનો ઉલ્લેખ હોય તો ર‌િજસ્ટ્રાર ઓફિસમાં તેના પર ૧.ર ટકા સ્ટેમ્પ ડ્યૂટી વધી જાય અને તેમાં સુપર બિલ્ટઅપનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો સ્ટેમ્પ ડ્યૂટી ૪.૯ ટકા અને ૧ ટકા ર‌િજસ્ટ્રેશન ફી અેમ કુલ પ.૯ ટકા ભરવી પડે, જેની અસર સીધી મિલકત ખરીદ-વેચાણ પર પડશે.

રાજ્ય સરકારે કાર્પેટ એરિયા મુજબના ભાવે દસ્તાવેજ કરવાના જૂના નિયમ સામે હવે બિલ્ટઅપ એરિયા મુજબ દસ્તાવેજ કરવા એટલે કે સ્ટેમ્પ ડ્યૂટી ભરવા અને તેના પર ૧ ટકા ર‌િજસ્ટ્રેશન ફી ભરવાનો પરિપત્ર ૩૦ માર્ચે તમામ ર‌િજસ્ટ્રારને પાછલા બારણે કરી દીધો હતો, જેનો અમલ ૧ એ‌િપ્રલથી શરૂ કરાયો છે.

નવા પરિપત્ર અનુસાર બિલ્ડર્સ હવે સુપર બિલ્ટઅપના આધારે ગણતરી કરશે, જેના કારણે મિલકત ખરીદનારને તેના પર વધારાનો ર૦ ટકાનો બોજ પડશે. મધ્યમવર્ગના જમીન-મકાન-ફલેટ-દુકાન ખરીદનારને વધુ એક માર પડશે.

You might also like