ગુજરાત હાઈકોર્ટના વકીલની કારની ટક્કરથી મહિલાનું મોત

અમદાવાદ: શહેરના સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ગઇ કાલે સવારે થયેલા અકસ્માતમાં કલાપીનગરમાં રહેતી એક મહિલાનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર કાર ગુજરાત હાઇકોર્ટના વકીલ યોગેન ભટ્ટની હોવાનું જાણવા મળ્યું છે. રાણીપ પોલીસે હાલ એફએસએલ અને આરટીઓની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ કલાપીનગરમાં રહેતા મંદાકિનીબહેન વિરાસ ગઇ કાલે સવારે ગાંધી આશ્રમ પાસેથી ચાલતા પસાર થતાં હતાં ત્યારે બેફામ સ્પીડે એક ઇકો કાર આવી હતી અને મંદાકિનીબહેનને ટક્કર મારી ૬૦ ફૂટ દૂર દીવાલની આરપાર થઇ ગઇ હતી. અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં. જ્યાં તેઓનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

રાણીપ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ એન.એમ. પટેલના જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટના વકીલ યોગેન
ભટ્ટ અને તેમના પરિવારજનો આ ઇકો સ્પોર્ટસ કારમાં જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલક સાથે પણ આ કારનો અકસ્માત થયો હતો અને સ્પીડ વધી જતાં આ અકસ્માત સર્જાયો હતો. કારચાલકની ઓળખ થઇ છે અને આજે કારના કાગળ અને લાઇસન્સ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર થવા કાર ચાલકને જણાવવામાં આવ્યું છે. આજે એફએસએલ અને આરટીઓની મદદ લઇને કેટલી સ્પીડમાં આ કાર હતી અને કઇ રીતે અકસ્માત સર્જાયો હતો તેની તપાસ હાથ ધરવામાં આવશે.

You might also like