સોમવારથી સૂર્યનારાયણના આકરા તાપ માટે તૈયાર રહેજો

અમદાવાદ: ચૈત્ર-વૈશાખના કાળઝાળ ગરમીના માહોલને બદલે ફાંટાબાજ કુદરતના કરિશ્માથી ગુજરાતમાં ઠેકઠેકાણે મેઘવર્ષા થઈ રહી છે. અમદાવાદમાં પણ હવામાન પલટાઈને વાદળછાયું બનતાં નાગરિકો ત્વચાને દઝાડતી ગરમીમાં રાહત મેળવી રહ્યા છે, પરંતુ આ રાહત માત્ર ૪૮ કલાક પૂરતી રહેશે, કેમ કે સોમવારથી સૂર્યનારાયણ પુનઃ આકરા તાપમાં આવી જવાના છે.

રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશન તેમજ અરબી સમુદ્રમાંથી ગુજરાતમાં ફૂંકાયેલા પવનોથી અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતનાં અનેક સ્થળોએ ધૂળનું સામ્રાજ્ય સર્જીને પ્રજાને આશ્ચર્યચકિત કરનાર કુદરતના કરિશ્માથી ગઈ કાલે અનેક સ્થળોએ વરસાદ ખાબક્યો હતો. ભરઉનાળામાં વરસાદ પડવા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર છે. હજુ બે-ત્રણ ‌િદવસ સુધી રાજ્યમાં આવો માહોલ રહેશે એટલે વાદળછાયા વાતાવરણના લીધે લોકો કાળઝાળ ગરમી સામે રાહત અનુભવી શકશે. આના કારણે મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીની આસપાસ રહેશે, પરંતુ આવતા સોમવારથી સૂર્યનારાયણ પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવી જશે.

અત્યારે વાદળાંઓની સંતાકૂકડી ચાલતી હોઈ સૂરજને અલપઝલપ ઢંકાવવું પડે છે, પરંતુ સોમવારથી સૂરજ ફરીથી અમદાવાદ સહિત રાજ્યભરમાં અગનવર્ષા વરસાવશે. સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રો કહે છે, આગામી સોમવારથી ગરમીનો પારો ફરીથી ઊંચકાઈને ૪૩ ડિગ્રીએ જઈને અટકશે એટલે ઉનાળાની કાળઝાળ ગરમીનો પુનઃ પ્રારંભ થશે. વાદળાંઓ હટી જઈને આકાશ પાછું સ્વચ્છ થશે.

You might also like