રવિવારથી ગરમીમાં વધારે રાહત મળશે

અમદાવાદ: છેલ્લા લાંબા સમયથી ભારે ગરમીથી પરેશાન લોકો માટે આવતી કાલની રવિવારની રજાનો િદવસ વધારે રાહત લઈને આવશે. કેમ કે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા રવિવારે ૪૨ ડિગ્રી મહત્તમ તાપમાન થવાની આગાહી કરાઈ છે. ગઈ કાલે શહેરમાં ગરમીનો પારો ૪૪.૮ ડિગ્રી સેલ્શિયસ જઈને અટક્યો હતો. જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધારે હોઈ નાગરિકો તોબા પોકારી ઉઠ્યા હતા. જોકે ૪૮ ડિગ્રીની તુલનામાં ગરમીની તીવ્રતામાં આંશિક ઘટાડો થયો હતો. આજે ગરમીનો પારો વધુ નીચે ઉતરીને ૪૩ ડિગ્રીએ જઈને અટકશે.

સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આવતી કાલે રવિવારે કાળઝાળ ગરમીમાં વધારે રાહત મળીને મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી થવાની આગાહી કરાઈ છે. સોમવાર તા. ૨૩મે પણ શહેરમાં ૪૨ ડિગ્રી ગરમી નોંધાશે. મંગળવાર તા. ૨૪મેએ ગરમી વધુ ઘટીને ૪૧ ડિગ્રી થશે અને ગુરુવાર તા. ૨૬મી મેએ શહેરનું મહત્તમ તાપમાનમાં ફરીથી ઘટાડો થઈને તે ૪૦ ડિગ્રીનું થશે તેવી આગાહી કરાઈ છે. આમ આગામી અઠવાડિયામાં ત્વચાને દઝાડતી, લુ લગાડતી અગન વર્ષામાં નાગરિકોને વધુને વધુ રાહત મળતી જશે તેમ સ્થાનિક હવામાન વિભાગની કચેરીના સૂત્રોએ જણાવે છે.

You might also like