રૂપાણી સરકારમાં વધુ ત્રણ સંસદીય સચિવ ઉમેરાશે

અમદાવાદ: મુખ્યપ્રધાન તરીકે પદભાર સંભાળ્યાના બીજા દિવસે વિજય રૂપાણીની સરકારમાં એકસાથે આઠ ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવાયા હતા. ત્યાર બાદ આજે વધુ ત્રણ સંસદીય સચિવોની નિમણૂક કરાતાં કુલ ૧૧ સંસદીય સચિવો નવી સરકારમાં કાર્યરત થશે. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, રાજુલાના ધારાસભ્ય હીરાભાઇ સોલંકી અને દસાડાના ધારાસભ્ય પૂનમભાઇ પરમાર આજે સાંજે ૪ કલાકે સંસદીય સચિવ તરીકે શપથ લેશે. આ સાથે ભાજપ સરકારમાં ૩૬ને સરકારમાં અને પાંચને વિધાનસભા સંચાલનમાં એમ કુલ ૪૧ને પ્રધાનો જેવા અધિકાર મળશે. પક્ષમાં ઊભા થયેલા અસંતોષને લઇને વિસ્તાર, જ્ઞાતિને, ૨૦૧૭ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુ ત્રણ સંસદીય સચિવોની નિમણૂક કરાઇ છે.

ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થયા બાદ આજે ‘કમલમ્’ પક્ષના પ્રદેશ કાર્યાલયમાં તેમના નેતૃત્વ હેઠળ પહેલી સંગઠનની બેઠક યોજાઇ હતી, જેમાં પક્ષના રાષ્ટ્રીય સહમંત્રી વી.સતીશ હાજર રહ્યા હતા.

પક્ષના પ્રદેશ હોદ્દેદારો, જિલ્લાના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી, મોરચા અધ્યક્ષ સહિતના આગેવાનો સાથે નવા પ્રમુખ સાથે સંગઠનની ટીમનો પરિચય, આગામી કાર્યક્રમો, મોરચા, સેલની રચના અંગેની ચર્ચા હાથ ધરાઇ હતી.

પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ ૧૭મીએ રાત્રે ગુજરાત આવશે. તેઓ તહેવારો હોઇને ત્રણ દિવસનું રોકાણ કરશે. ૧૯મીએ વાઘાણીના તાજપોશીના વિધિવત્ કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ આગામી સમયમાં હવે સંગઠનમાં ફેરફાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમણૂકો, બોર્ડ-નિગમ વગેરેમાં નિમણૂકો અંગે નિર્ણય લેશે તેમજ પ્રદેશ પ્રમુખ અને મુખ્યપ્રધાન સાથે પરામર્શ બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.

૧૯ ફેબ્રુઆરીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. હવે ૧૯ ઓગસ્ટે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની વિધિવત્ તાજપોશી થશે.

You might also like