સરકારમાં હું ફાયરબ્રિગેડની ભૂમિકા અદા કરું છું…

સરકારમાં હું ફાયરબ્રિગેડની ભૂમિકા અદા કરું છું…આ શબ્દો રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના છે. સરકાર અનેક જગ્યાએ મુશ્કેલીઓમાં મુકાઇ ત્યારે તેને બચાવવાની ભૂમિકા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અદા કરી રહ્યા હોવાનો તેમનો દાવો છે. આ દાવો તેઓએ થોડા દિવસ પહેલાં પાટીદાર આંદોલન માટે એસપીજીને આમંત્રણ

આપતી વખતે કર્યો હતો. પાટીદાર અનામત મુદ્દે ‘પાસ’ના કન્વીનરો સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ હવે એસપીજીના લાલજી પટેલની ટીમને સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે સમયે

પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રીએ ગર્વથી કહ્યું કે. તેઓ સરકારમાં ફાયરબ્રિગેડની ભૂમિકા અદા કરી રહ્યા છે. જ્યાં પણ આગ લાગે કે તરત સરકાર દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આગળ કરવામાં આવી રહ્યા છે. આમ પણ નાયબ મુખ્યમંત્રી ઉપરાંત સરકારના પ્રવક્તા તરીકેની ભૂમિકા પણ નીતિન પટેલ અદા કરે છે. એટલે કેટલાય સંજોગોમાં સરકારની વાત રજૂ કરવાની કામગીરી નીતિન પટેલને સોંપવામાં આવે છે.

પત્રકારો સાથેની આ મુલાકાતમાં તેઓએ આણંદના સાંસદ દિલીપ પટેલના દાદાગીરી કરતા વાઇરલ થયેલા વીડિયો સંદર્ભે પણ દિલીપ પટેલનો બચાવ કર્યો હતો અને પોલીસ અધિકારીએ ભજવેલી ભૂમિકા સામે આંગળી ચીંધી હતી ત્યારે હસીમજાકમાં નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સાંસદ કે મંત્રી રોફ મારે તેમાં ખોટું પણ શું છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હવે સાકાર થશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે સ્વપ્ન જુએ છે તેને પૂરું કરવાની ક્ષમતા પણ તેમનામાં રહેલી છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ ગિફ્ટ સિટીમાં મુંબઇ સ્ટોક એક્સચેન્જ જેવા શેરબજારની લે-વેચ થાય તેવું સ્વપ્ન જોયું હતું અને હવે વડા પ્રધાન બન્યા બાદ આ સ્વપ્ન સાકાર કર્યું છે. વડા પ્રધાનની ગુજરાત મુલાકાત દરમ્યાન તેઓના હસ્તે જ જેનું ઉદ્ઘાટન થયેલું તે ઇન્ડિયન ઇન્ટરનેશનલ એક્સચેન્જ તેમાંનું એક સીમાચિહ્ન છે. અહીં દેશ-વિદેશની નોંધાયેલી કંપનીઓના શેરોની લે-વેચ થઇ શકશે. સાથે દુનિયાભરનાં બજારોમાં પણ ખરીદ-વેચાણ કરી શકાશે. ભલે તે સોનું, ચાંદી, કોપર હોય કે ક્રૂડ ઓઇલ કે પછી વિદેશી ચલણ તમામની લે-વેચ ભારતમાં માત્ર ગિફ્ટ સિટીમાંથી થશે. એ માટે ગિફ્ટ સિટીમાં ૧૬ માળનો અલાયદો ટાવર ઊભો કરવામાં આવ્યો છે. જેમાં શેર બ્રોકરો,બેન્ક અને ફાઇનાન્સ સાથે જોડાયેલી સંસ્થાઓને જગ્યાઓ આપવામાં આવી છે.

આ જ રીતે ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે પાંચ સિતારા હોટલ ઊભી કરવાના પ્રોજેક્ટનું પણ તત્કાલીન મુખ્યમંત્રીએ સ્વપ્ન જોયું હતું અને તે જ અંતર્ગત ગાંધીનગરમાં રેલવે ટ્રેક પર ઊભી થનાર દેશની સૌ પ્રથમ હોટલ બનશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. રૂપિયા ૨૫૦ કરોડના ખર્ચે આ હોટલ બનાવવામાં આવશે.જેમાં ત્રણ ટાવર ઊભા કરાશે. તે અંતર્ગત છ માળ,આઠ અને દસ માળનાં ટાવરો હશે.રેલવે ટ્રેકના ગ્રાઉન્ડથી ૬૫ મીટર ઊંચી આ હોટલ બનશે. આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર અને કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા રૂ.૫૦-૫૦ કરોડની ફાળવણી કરવામાં આવશે. જ્યારે બાકીના રૂપિયા લોન દ્વારા લેવામાં આવશે.સૌથી મહત્ત્વની વાત એ છે કે આ હોટલનું કામ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૯ પહેલાં પૂરું કરવાનો દાવો અત્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

વાઇબ્રન્ટ પહેલાં જ વિરોધીઓ સાથે સમાધાન
વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૭ પહેલાં લાગતું હતું કે ફિક્સ પગારના કર્મચારીઓનો મુદ્દો વાઇબ્રન્ટમાં છવાઇ જશે. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાદુ કરીને ફિક્સ પગારના કર્મચારીઓને મનાવી લીધા છે. ગૃહ રાજ્ય મંત્રી દ્વારા એક સિનિયર આઇપીએસ અધિકારીને ફિક્સ પગારનું આંદોલન વાઇબ્રન્ટ પહેલાં થાળે પાડવાની જવાબદારી સોંપી હતી અને આ આઇપીએસ અધિકારીએ માત્ર ત્રણ જ દિવસના પ્રયાસોથી સમગ્ર મામલો થાળે પાડીને બતાવ્યો.

ફિક્સ પગાર આંદોલનની આગેવાની લઇ રહેલા પ્રવીણ રામ અને તેમના પ્રતિનિધિમંડળને એવી રીતે સમજાવ્યા કે તેઓએ ચૂપચાપ મુખ્યમંત્રી સાથે મંત્રણા કરી લીધી અને  સમાધાન પણ કરી નાખ્યું.મુખ્યમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ પ્રવીણ રામે જ જાહેર કર્યું કે તેને સરકાર પર વિશ્વાસ છે અને સરકારે  ત્રણેય માગણીઓનો સ્વીકાર કર્યો છે એટલે વાઇબ્રન્ટ ગુજરાતના વિરોધનું આંદોલન પડતું મૂકવામાં આવે છે. આ જ રીતે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અલ્પેશ ઠાકોરને પણ બેરોજગારોના મુદ્દે મનાવવામાં સફળતા મેળવી. અલ્પેશ ઠાકોરે રેલી યોજીને વડા પ્રધાન પાસે રોજગારી માગવાની વાત કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા મેદાનમાં આવતાંઅલ્પેશ ઠાકોરે પણ વાઇબ્રન્ટ ગુજરાત વિરોધનું આંદોલન પડતું મૂકવાની જાહેરાત કરી.
http://sambhaavnews.com/

You might also like