ગુજરાતમાં MSME સેક્ટર માટે અલગ કમિશ્નરેટ બનશે

ગાંધીનગર : ગુજરાતમાં માઇક્રો, સ્મોલ અને મધ્યમકક્ષાના ઉદ્યોગોની વધતી રફતાર સામે ઝડપી વિકાસ થાય તે હેતુથી રાજ્યની વિજય રૂપાણીની સરકારે એમએસએમઇ માટે અલગ કમિશનરેટ ઉભું કરવાની જાહેરાત કરી છે. આ વિભાગ એપ્રિલ 2017થી ગુજરાતમાં કાર્યરત થઇ જશે.

ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટીવ બેઠકમાં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યની વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમટિમાં થયેલા 25 હજાર એમઓયુ પૈકી 18533 એમઓયુ એમએસએમઇ સેક્ટરના છે. આ પ્રોજેક્ટ જ્યારે કાર્યાન્વિત થશે ત્યારે દોઢ કરોડ કરતાં વધુ યુવાનોને રોજગારી મળી રહેશે. રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ સેક્ટરને વધારે મહત્વ મળે તે માટે બજેટમાં 1000 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

સરકાર જે નવું કમિશનરેટ ઉભું કરવા જઇ રહી છે તે ઉદ્યોગકારોને આપવાની થતી તમામ મંજૂરીઓ, જમીન, વીજળી અને અન્ય ઇન્સેન્ટીવ આપવામાં મદદરૂપ થશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને આ પોલીસીઓ ક્રિસ્ટલ કિલયર-નો કન્ફયુઝનના આધાર પર રચવામાં આવેલી છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ વર્ષ 2014-15માં રૂ. 8.95 લાખ કરોડ હતી, જે 15-16માં રૂ. 9.94 લાખ કરોડ થઇ છે, જ્યારે ગુજરાતનું ઔદ્યોગિક ઉત્પાદન 2015-16માં વધીને 13.50 લાખ કરોડ નોંધાયું છે, જે 2014-15માં 12.70 લાખ કરોડના સ્તરે જોવામાં આવ્યું છે.

You might also like