રાજ્યમાં જીઇબીના વાયરોની ચોરી કરતી ઉ.પ્રદેશની કુખ્યાત ગેંગ ઝડપાઇ

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં જીઇબીના વાયરોની ચોરી કરતી ઉત્તર પ્રદેશની કુખ્યાત ગેંગને અમદાવાદ રેન્જ આઇજીની બાતમીને આધારે પોલીસે ઝડપી લઇ આગળની સઘન તપાસ શરૂ કરી છે.  રાજ્યના જુદા જુદા પ્રાંતમાં જીઇબીની નવી હાઇટેન્શન લાઇન ચાલુ થાય તે પહેલાં જ તસ્કર ટોળકી વાયરો કાપી ટ્રકમાં ભરી નાસી છૂટી ગુના આચરતી હતી. આ પ્રકારના રાજ્યભરમાં અનેક ગુનાઓ બનતા રાજ્યના પોલીસવડાએ આવા ગુના અટકાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી.

દરમ્યાનમાં અમદાવાદ રેન્જ આઇ.જી. ડૉ.કે.એલ.એન. રાવને મળેલી બાતમીના આધારે આણંદ પોલીસે પોતાના તાબા હેઠળના વિસ્તારમાં અલગ અલગ ટીમો મોકલી વોચ ગોઠવી હતી. આ ગુનેગારોને પકડવા માટે ટેકનીકલ સેલની પણ મદદ લેવાઇ હતી.

દરમ્યાનમાં પોલીસને માહિતી મળી હતી કે, મૂળ ઉ.પ્રદેશ અને હાલમાં આણંદ નજીકના આસોજ ગામે રહેતો સંજય રામસેવક આઇશર ગાડીનો ડ્રાઇવર છે અને તેને યુ.પી.થી પોતાના માણસો બોલાવી ભાડાના મકાનમાં આસોજ ગામે રાખ્યા છે અને આ ટોળકી જ જીઇબીના કીમતી વાયરોની ચોરી કરે છે. આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે સાવલી બ્રિજ નજીક ગુપ્ત વોચ ગોઠવી હતી. દરમ્યાનમાં એક આઇશર ગાડી પુરઝડપે આવતા પોલીસે તેનો પીછો કરી ઝડપી લઇ જપ્તી કરતા ગાડીમાંથી વાયરોનાં બંડલો મળી આવ્યાં હતાં.

પોલીસે યુ.પી.ના સંજય રામસેવક, રામરતન પાસવાન અને મલખાન સહિત ચાર શખસોની ધરપકડ કરી મોબાઇલ ફોન, ચોરેલો મુદ્દામાલ અને આઇશર ગાડી કબજે કરી હતી. પૂછપરછ દરમ્યાન આ ટોળકીએ આ પ્રકારના અનેક ગુનાઓની કબૂલાત કરી હોવાનું જાણવા મળે છે.

You might also like