જાન્યુ-૧૫માં FSLને મોકલાયેલી જાલી નોટોની ચકાસણી જાન્યુ-૧૬માં થશે!

અમદાવાદ: ગુજરાતની એફએસએલ કચેરીમાં બનાવટી ચલણી નોટોની ચકાસણી કરવા માટે સમય જ નથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાન્યુઆરી ર૦૧પમાં બનાવટી ચલણી નોટો ચકાસણી માટે મોકલી આપી હતી. જેની ચકાસણી આગામી જાન્યુઆરી-ર૦૧૬ના પ્રથમ સપ્તાહમાં પૂરી થાય તેવી સંભાવના હોવાનું એફએસએલના અધિકારીઓએ ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એ. કે. વ‌િડયાએ લેખિતમાં મેટ્રો‌પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટને જાણ કરી છે.

ઉલ્લેખનીય છે કે આરોપીઓ આઠ માસથી કસ્ટડીમાં છે અને મુદ્દામાલના અભાવે સેશન્સ કોર્ટમાં કેસ કમિટ થઇ શકતો નથી. દેશના અર્થતંત્રને ખોખરું કરવા માટે કરોડો રૂપિયાની બનાવટી નોટો ઘુસાડવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં જ કરોડો રૂપિયાની બનાવટી નોટો કુરિયર અને પરપ્રાંતીય મારફતે ફરતી કરાઇ છે.

બીજી તરફ અમદાવાદની રાષ્ટ્રીયકૃત અને પ્રાઇવેટની ૧૪ જેટલી બેન્કોમાં જાન્યુઆરી-ર૦૧પમાં જુદા જુદા દરની ૪૬૯૯ નોટો ઘુસાડવામાં આવી હતી, જે અંગે ક્રાઇમ બ્રાન્ચે જાન્યુઆરી-ર૦૧પમાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી, જેમાં બિહારના રહેવાસી મોહંમદ મન્ટુ ઉર્ફે આલમ મોહંમદ સિ‌દ્દિકી અન્સારીની ર૦ એપ્રિલ, ર૦૧પના રોજ હજારના દરની બનાવટી નોટો ઘુસાડવા બદલ ધરપકડ કરી હતી. આરોપી પૂછપરછ દરમિયાન હજારના દરની બનાવટી નોટો આઇસીઆઇસીઆઇ બેન્કમાં ઘુસાડવામાં આવી હતી. આરોપી પાસેથી મળી આવેલી હજારના દરની નોટ અને આઇસીઆઇસીઆઇ બેન્કમાં ઘુસાડવામાં આવેલી નોટના નંબર એકસરખા હોવાનું બહાર આવવા પામ્યું હતું.

તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચના તપાસનીશ અધિકારીએ એફએસએલની કચેરીમાં બનાવટી ચલણી નોટોની ચકાસણી અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ચકાસણી બાકી છે. આગામી જાન્યુઆરી-ર૦૧૬ના પ્રથમ સપ્તાહમાં ચકાસણી પૂરી થાય તેમ છે, જેના પગલે તપાસનીશ અધિકારીએ લેખિતમાં મેટ્રો કોર્ટને જાણ કરી હતી.

You might also like