ગુજરાતનાં ૧૬ એન્કાઉન્ટર અને એક કસ્ટોડિયલ ડેથમાં પોલીસને ક્લીનચિટ

અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2002થી વર્ષ 2008 દરમિયાન થયેલાં 16 એન્કાઉન્ટર અને એક કસ્ટોડિયલ ડેથની તપાસ કરતી સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (એસટીએફ) તપાસ પૂર્ણ કરી છે. તમામ કેસોમાં એસટીએફ દ્વારા પોલીસને ક્લીન ચિટ આપી હોવાનું આધારભૂત સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે.

વર્ષ 2002માં અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં લશ્કર એ તોયબાનો આતંકી સમીરખાન પઠાણ સહિત ગુજરાતમાં થયેલાં 16 એન્કાઉન્ટર મામલે વર્ષ 2007માં ગીતકાર જાવેદ અખ્તર તથા સ્વ પત્રકાર બી.જી.વર્ગિસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રીટ કરવામાં આવી હતી. વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિવૃત જજ એચ.એસ.બેદીની અધ્યક્ષતા હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી.

વર્ષ 2012માં 16 એન્કાઉન્ટર કેસની તપાસ ચાલુ થઇ ત્યારે વર્ષ 2006માં શાહીબાગમાં મુંબઇના કાસમ જાફરના કસ્ટોડિયલ ડેથની તાપસ પણ એસટીએફને સોંપવામાં આવી હતી. 17 કેસોની તપાસ ત્રણ અલગ અલગ ડીવાયએસપી કરી રહ્યા છે.  જેમાં તમામ એન્કાઉન્ટર કેસ તથા કસ્ટોડિયલ ડેથમાં એસટીએફએ તપાસ પૂર્ણ કરી દીધી છે અને તમામ કેસમાં પોલીસને ક્લીન ચિટ હોવાનું જાણવા મળ્યું છે

તાજેતરમાં એસટીએફ દ્વારા ચાર એન્કાઉન્ટરોની તપાસ પૂર્ણ થતાં રિવ્યૂ મિટિંગ યોજાઇ હતી. જેમાં એન્કાઉન્ટરમાં મરનારનાં સબંધીઓ અને વકીલો હાજર રહ્યા હતા. અમદાવાદ વલસાડ અને જૂનાગઢના ચાર એન્કાઉન્ટરોની ચર્ચા કરવામાં આવી હતી. એન્કાઉન્ટરમાં વલસાડનો જોગીન્દર શીખ, જૂનાગઢનો ભીમા માંડા મેર, અમદાવાદના કાસમ જાફર મીર અને મહેન્દ્ર જાદવ – ગણેશ ખૂટે સહિતના કેસોની ચર્ચા કરાઇ હતી. ચારેય એન્કાઉન્ટર કેસમાં એસટીએફએ પોતાનો રિપોર્ટ જસ્ટીસ બેદીનો સોંપી દીધો છે અને પોલીસને ક્લીન ચિટ આપી છે.

આ સિવાય અમદાવાદના સમીરખાન એન્કાઉન્ટર સહિત અન્ય ચાર એન્કાઉન્ટર કેસની તપાસનો રિપોર્ટ 2જી એપ્રિલના રોજ રાખવામાં યોજવામાં આવેલી રિવ્યુ મિટિંગમાં મૂકવામાં આવશે.

તમામ કેસોમાં રિકન્સ્ટ્રક્શન કરાયું
ઉલ્લેખનીય છેકે ગુજરાતમાં થયેલાં 16 એન્કાઉન્ટર અને એક કસ્ટોડિયલ ડેથના કેસમાં એસટીએફ દ્વારા તમામ રીતે તપાસ કરવામાં આવી છે એફએસએલની મદદ પણ લેવામાં આવી છે ત્યારે તમામ ઘટનાઓનું ફરિયાદમાં બતાવેલ અહેવાલ પ્રમાણે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે.
કાસમ જાફર સહિત 4 કેસોમાં ગુજરાત સરકારે વળતર ચુકવ્યુંં
– અમદાવાદમાં કામસ જાફરની પત્નીને 14 લાખ રૂપિયાનું વળતર
– આણંદના બોરસદમાં રાજેશ્વર ઉર્ફે પિન્ટી પાંડેને 6 લાખ રૂપિયાનુ ંવળતર
– વાપીમાં ડુંગરિયો મચ્છરના પરિવારને બે લાખ રૂપિયાનું વળતર
– રાજકોટ ગ્રામ્યમાં રફીક બાપુડીના પરિવારને બે લાખ રૂપિયાનું વળતર
14 એપ્રિલ 2006ના રોજ શાહીબાગ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.ભરવાડની ટીમે સરખેજ વિસ્તારમાં આવેલી રોયલ હોટલમાંથી ઇરાની ગેંગના કાસમ જાફરની ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી. આ કેસમાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાંથી બાથરૂમ કરવાના બહાને ભાગી ગયો હતો અને શાહીબાગ અન્ડરબ્રિજ પાસે તેની અક્સમાતમાં મોત થયું હતું. કાસમ જાફરની પત્નીએ તેને કસ્ટડીમાં મારી નાખ્યો હોવાની ફરિયાદ કરતાં સુપ્રીમ કોર્ટમાં તેની મોત માટે યોગ્ય તપાસ થાય તેવી પિટિશન ફાઇલ કરી હતી. આ કેસની તપાસ એસટીએફને સોંપાઇ હતી.

જેમાં એસટીએફના ડીવાયએસપી એ.એમ.પટેલએ કાસમ જાફરનું મોત રોડ અકસ્માતમાં થયું હોવાનો રિપોર્ટ જસ્ટીસ બેદીને આપ્યો છે. આ કેસની તપાસ કરતાં એ.એમ.પટેલએ જણાવ્યું છે કે કાસમનું મોત રોડ અકસ્માતમાં થયું છે. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને તેની એફએસએલના અભિપ્રાયો મેળવ્યા છે અને તેનું મોત પોલીસ કસ્ટડીમાં નહીં પરંતુ કોઇ વાહન સાથે અકસ્માત થતાં થયું હોવાનુંં તપાસમાં ખુલ્યું હતું.

કયાં એન્કાઉન્ટરની તપાસ
૧ લશ્કર-એ-તોયબાનો અાતંકી સમીરખાન પઠાણ- ઉસ્માનપુરા, અમદાવાદ- (૨૨ ઓક્ટોબર ૨૦૦૨)
૨ હાજી ઈસ્માઈલ – (ઉમરગામ) વલસાડ – ૨૦૦૫
૩ સંજય ઉર્ફે રાહુલ પ્રસાદ – ઉમરગામ (વલસાડ)
૪ સુભાષ ભાસ્કર નાયર – વ્યારા (સુરત)
૫ ગણેશ ખૂંટે અને મહેશ જાદવ – અમદાવાદ (૨૦૦૩)
૬ ભીમા માંડા મેર – જૂનાગઢ (૨૦૦૪)
૭ જોગીન્દરસિંહ લબાના – વલસાડ
૮ મહેશ ગઢવાલી, (ઉમરા) સુરત
૯ ડુંગરિયો હિમલા મચ્છર, (વાપી) વલસાડ બે લાખ
૧૦ સુલેમાન ઉર્ફે સલીમ ગગજી મિયાણા – રાજકોટ (૨૦૦૪)
૧૧ રફીકશા ઉર્ફે બાપુડી મામદશા ફકીર – (રાજકોટ ગ્રામ્ય) ૨૦૦૫
૧૨ રાજેશ્વર ઉર્ફે પિન્ટુ પાંડે (બોરસદ, અાણંદ) – ૨૦૦૫
૧૩ અનિલ મિશ્રા, પાંડેસરા (સુરત)
૧૪ મીઠુ ઉમર દાતેલ (વાસદ) અાણંદ
૧૫ કશ્યપ હરપાલસિંહ ઢાકા (કારેલીબાગ, વડોદરા)
૧૬ રણજિત ઉર્ફે જલ્લા પોપટ દેવીપૂજક (રાજકોટ)

You might also like