કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, ખેડૂતોનાં દેવા કરીશું માફ અને પાટીદારોને આપીશું અનામત

ગુજરાતઃ ખેડૂતો માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં જોરદાર લ્હાણી કરી છે. વાવેતર પહેલા ટેકાનાં ભાવ જાહેર કરાશે. ખેડૂતોનાં દેવા પણ માફ કરાશે. તેમજ ખેડૂતોને ખેતી માટે વિનામૂલ્યે પાણી આપવામાં આવશે. કોંગ્રેસ ખેડૂતોને યોગ્ય પાક વિમો આપશે. કપાસ, મગફળી, બટાકાનાં પાક ઉત્પાદન પર વિશેષ બોનસ અપાશે.

ખેડૂતોને લીફટ ઈરીગેશનની સુવિધા અપાશે. યુવાનો માટે મોટી જાહેરાત પણ કરાઈ. બેરોજગાર યુવાનો માટે સ્વરોજગારીની જોગવાઈ કરાશે. યુવાનોને સ્વરોજગારી માટે રૂ.32 હજાર કરોડ ધિરાણની જોગવાઈ કરાશે. ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપતી નીતિ પણ ઘડવામાં આવશે.

દરેક સમાજની મહિલાઓને ઘરનું ઘર અપાશે. તેમજ બેરોજગાર યુવાનોને રૂ.4 હજાર સુધીનું બેરોજગારી ભથ્થું અપાશે. આ સિવાય દરેક જિલ્લામાં 24 કલાક ટોલ ફ્રી મહિલા હેલ્પ લાઈન સુવિધા પણ અપાશે. પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધી કન્યાઓને 100 ટકા ફી માફી આપવામાં આવશે.

મહિલા સબંધિત ગુનાઓનાં કેસો માટે ફાસ્ટટ્રેક કોર્ટ બનાવાશે. એકલ મહિલાઓ માટે ઘરનાં ઘરની ફાળવણીમાં અગ્રીમતા અપાશે. તેમજ મહિલાઓ માટેની પિંક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ ઊભી કરાશે. સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરાશે. સરકારમાં ખાલી જગ્યાઓ માટે ભરતી ઝુંબેશ કરાશે.

ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પરવડે તેવી ફી સાથેની શિક્ષણની વ્યવસ્થા અપાશે. નોંધાયેલા બેરોજગારોને વયમર્યાદામાં છૂટછાટ અપાશે. સેલ્ફ ફાઈનાન્સ કોર્સનું ફરીથી ગ્રાન્ટ-ઈન શાળા-કોલેજોમાં રૂપાંતર કરાશે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને ફી નિયંત્રણ કાયદામાં લવાશે. સ્વરોજગારી માટે તમામ સમાજનાં ઉદ્યોગ સાહસિકોને 100 ટકા નાણાંકીય લોન અપાશે.

ઉચ્ચ-શિક્ષણ, શાળા-કોલેજોનાં વિદ્યાર્થીઓને લેપટોપ-સ્માર્ટ ફોન આપવામાં આવશે. દરેક જીલ્લામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલયોની સુવિધા પૂરી પડાશે. તેમજ પેટ્રોલ-ડિઝલનાં કરમાં ઘટાડો કરાશે. પેટ્રોલ-ડિઝલનાં કરમાં ઘટાડો કરી પ્રતિ લિટરે રૂ.10નો ઘટાડો કરાશે. નીટમાં થતાં અન્યાય સામે ચોક્કસ રાજ્ય સરકારની પહેલ રહેશે.

દરેક ગામ અને શહેરોમાં રમત-ગમત માટે મેદાનની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને સસ્તા અનાજની દુકાનથી સસ્તું અનાજ અપાશે. કામદારોની સામાજિક સલામતી જળવાશે. બાળકોનાં શિક્ષણ, આરોગ્ય, આવાસ, સામાજિક યોજનાઓનાં લાભ પર પૂરતું ધ્યાન અપાશે.

સમાન કામ સમાન વેતન અપાશે. ઘઉં રૂ.2 પ્રતિ કિલો, ચોખા રૂ.3 પ્રતિ કિલો, બાજરી અને મકાઈ રૂ.1 પ્રતિ કિલો સસ્તા અનાજની દુકાનથી અપાશે. મજૂર કાયદાઓનો ચોક્ક્સાઇ પૂર્વક અમલ કરાશે. તેમજ પાટીદારોને અનામત આપીશું. કામદારો માટે ફાસ્ટટ્રેક લેબર કોર્ટની રચના પણ થશે.

કામદારો માટે આવાસોનું નિર્માણ કરાશે. ઉજ્જવલા ગેસ જોડાણ ધરાવતાં કુટુંબોને પણ કેરોસીનની ફાળવણી કરવામાં આવશે. રિક્ષા ડ્રાઈવર વેલ્ફેર બોર્ડની રચના કરાશે. આંદોલનકારીઓ સામે થયેલા કેસો પરત ખેંચવામાં આવશે. વીજળીનાં દરોમાં 50 ટકા સુધીનો ઘટાડો કરાશે.

ગુજરાતમાંથી ગુંડારાજનો અંત લાવીશું. 1 લાખ કરોડનાં ભ્રષ્ટાચારનાં કેસોમાં SIT મારફત તપાસ કરાશે. તેમજ રાજ્યમાં સોલર વીજ ઉત્પાદને પ્રોત્સાહન આપતી નીતિ ઘડવામાં આવશે. સુરત અને રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટેની પહેલ કરાશે. પડતર કેસોનાં નિકાલ માટે કોર્ટ અને જજની સંખ્યામાં વધારો કરાશે.

રાજ્યમાં ગેસનાં ભાવ નિયમન માટે ગેસ ભાવ નિયમનની રચના કરવામાં આવશે. નલિયાકાંડ, મહિલાઓ પર અત્યાચારનાં કસૂરવારો સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં ગુનાખોરી રોકવા CCTV કેમેરાનું નેટવર્ક ગોઠવાશે. પોલીસ વિભાગની ખાલી જગ્યાઓ ભરીશું. પોલીસતંત્રનું આધુનિકીકરણ કરવામાં આવશે.

રાજ્યમાં વિવિધ યોજના અંતર્ગત 25 લાખ EWS અને LIG આવાસોનું નિર્માણ કરાશે. રાજકીય કાર્યક્રમો, બંદોબસ્ત માટે અલગ પોલીસ દળની રચના પણ કરીશું. ઈન્દિરા કેન્ટિન દ્વારા કામદારોને 10 રૂપિયામાં ભોજન મળશે. BPL કાર્ડ માટેનાં નવા ધોરણો સાથે નવો સર્વે કરાશે.

નાના વેપારીઓ માટે મુન્દ્રા બેંક સ્કીમ મુજબ ધિરાણ થશે. નાના વેપારીઓ અને ઉદ્યોગકારોને GSTમાંથી મુક્તિની રજૂઆત કરાશે. નાના અને મધ્યમ ઉત્પાદકોને GSTમાંથી મુક્તિ અપાશે. ટેક્સટાઇલ અને ફિશરી માટે અલગ મંત્રાલયની રચના કરાશે. ગંભીર આર્થિક/નાણાંકીય ગુનાઓનાં ઝડપી ઉકેલ માટે ફાસ્ટટ્રેક કોર્ટ રચાશે.

દરિયા કિનારાનાં જિલ્લામાં એક બંદરનો વિકાસ થશે. બિલ્ડરોને જમીન આપી દેવાનાં બદલે તમામ જમીનનો આવાસ નિર્માણ માટે ઉપયોગ કરાશે. જંગલનાં અધિકારો તથા પેસા એક્ટનો ચુસ્ત અમલ કરાશે. EWS/ LIG આવાસમાં કોઈ પણ જાતનાં ભેદભાવ વગર તમામ સમાજનાં નાગરિકોને સબસીડીની ફાળવણી કરાશે.

આદિવાસી વિસ્તારના બેરોજગારો માટે સ્ટાઈપેન્ડ રચાશે. OBC સમાજનાં વિદ્યાર્થીને સ્પર્ધાત્મક તાલીમ અપાશે. રાજ્યમાં લઘુમતી આયોગની રચના કરાશે. રાજ્યમાં દરેક જીલ્લા મથકોમાં છાત્રાલયોની વ્યવસ્થા કરાશે. માલધારી ભાઈઓ માટે 100 પશુએ 40 એકર ગૌચરની વ્યવસ્થા કરાશે.

ફીક્સ અને કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદી કરાશે. ઉના, થાનગઢ જેવા અત્યાચારનાં કેસો માટે SITની તપાસ કરાશે. તેમજ રાજ્યમાં SC અને ST કમીશનની રચના કરાશે.
ભૂમિહીનોને જમીનોની ફાળવણી કરવામાં આવશે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા માટે પ્લોટની ફાળવણી કરાશે.

સફાઇ કર્મચારીઓ માટે કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી કાયમી કરાશે. ઘર વિહોણા લોકો માટે મોટા પાયે આવાસનું નિર્માણ કરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં વિસ્થાપન રોકવા સ્માર્ટ વિલેજ બનાવાશે. તેમજ ગામમાં પાણી અને સ્ટ્રીટ લાઇટની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

You might also like