પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઇ રાહત નહીં, VAT નહીં ઘટાડાયઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ ગુજરાતની જનતાને મોંઘવારીનાં માર વચ્ચે વધુ એક ઝટકો લાગ્યો છે. પેટ્રોલ-ડીઝલનાં આસમાને પહોંચેલાં ભાવમાં હાલ કોઈ પણ પ્રકારની રાહત નહીં આપવામાં નહીં આવે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા વેટમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નહીં કરાય.

ડે.સીએમ નીતિન પટેલે આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, ગત વર્ષે જ ગુજરાત સરકારે વેટમાં ઘટાડો કર્યો હતો. જેથી આ વર્ષે વેટમાં કોઈ ઘટાડો કરાશે નહીં. આ સાથે જ તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં સૌથી ઓછો વેટ લેવાય છે. જે કારણોસર હાલમાં તો વેટમાં કોઇ જ ઘટાડો કરાય તેવી શક્યતા નથી.

ઉલ્લેખનીય છે કે, દેશમાં સતત પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ મામલે વિપક્ષ સહિત અનેક વાહનચાલકોએ મોદી સરકારને ઘેરી છે. શુક્રવારનાં રોજ ફરી એક વાર પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. શુક્રવારનાં રોજ દિલ્હીમાં પેટ્રોલ 81.28 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલમાં 73.30 રૂપિયા લીટરે વધારો કરાયો છે. ત્યાં બીજી બાજુ મુંબઇમાં પણ પેટ્રોલ 88.67 રૂપિયા લીટરે અને ડીઝલનો ભાવ પણ 77.82 રૂપિયા લીટરે પહોંચ્યો છે.

પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે શુક્રવારનાં રોજ ફરી વાર વધારો ઝીંકાયો છે. પેટ્રોલનાં ભાવમાં 28 પૈસા અને ડીઝલનાં ભાવમાં 24 પૈસાનો વધારો કરાયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે રૂપિયા 80.40એ પહોંચ્યો છે અને ડીઝલનો ભાવ પ્રતિ લીટરે રૂ. 78.60 પર પહોંચ્યો છે.

છેલ્લાં 13 દિવસમાં પેટ્રોલનાં ભાવમાં રૂ.2.75નો વધારો થયો છે જ્યારે ડીઝલનાં ભાવમાં છેલ્લાં 13 દિવસમાં રૂ. 3.50નો વધારો થતાં નાગરિકોમાં પણ ભારે રોષ જોવાં મળ્યો છે. જો કે આ મામલે સરકારે પેટ્રોલ-ડીઝલનાં ભાવ ઘટાડવા અંગેનાં કોઈ જ સંકેત આપ્યાં નથી.

You might also like