રાજ્ય પોલીસવડાના પદની ગરિમા ઘટી…

રાજ્ય પોલીસવડા તરીકે પી.સી.ઠાકુરને જે રીતે દૂર કરવામાં આવ્યા તેના કારણે રાજ્ય પોલીસવડાની ગરિમા ઘટી છે. આઇ.પી.એસ.લોબીમાં સ્પષ્ટ રીતે આ ચર્ચાએ જોર પકડ્યું છે કે પી.સી.ઠાકુરને દૂર જ કરવા હતા તો તેમને વિશ્વાસમાં લઇને કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પગલાં ભરી શકી હોત. રામનવમીની રજાના દિવસે કેન્દ્ર સરકારે સીધો જ રાજ્યના મુખ્ય સચિવ જી.આર.અલોરિયાને ફેક્સથી ઑર્ડર મોકલી આપ્યો હતો. જેના કારણે રાજ્યનો ગૃહ વિભાગ અને ખુદ પી.સી.ઠાકુરને આશ્ચર્ય થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. સચિવાલયનાં સૂત્રોની વાત માનીએ તો રામનવમીના બે દિવસ પહેલાં જ સી.એમ.ઓ.ના એક ઉચ્ચ આઇ.એ.એસ.અધિકારી દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવી હતી અને બે જ દિવસમાં પી.સી.ઠાકુરને રાજ્યના પોલીસવડા તરીકે દૂર કરવામાં આવ્યા.

આ ઘટનાક્રમને કારણે અનેક આઇ.એ.એસ.અને આઇ.પી.એસ.અધિકારીઓમાં રાજ્ય સરકારની કાર્યપ્રણાલી સામે નારાજગી હોવાની વાતની ચર્ચા ચાલી રહી છે. રાજ્યના પોલીસવડા તરીકે પી.સી.ઠાકુરને રાજ્ય સરકાર અને અનેક આઇ.એ.એસ.અધિકારીઓ સાથે અણબનાવ હતા. જોકે આ રીતે તેમને દૂર કરવામાં આવતાં.પી.સી.ઠાકુર જ નહીં પણ અનેક આઇપીએસ અધિકારીઓ નારાજગી દર્શાવી રહ્યા છે. સચિવાલયનાં સૂત્રોનું માનીએ તો કેટલાય અધિકારીઓ સ્પષ્ટ માની રહ્યા છે કે રાજ્ય સરકારે ઊભી કરેલી આ નવી પ્રણાલી ભવિષ્યમાં પોલીસતંત્ર માટે નુકસાનકારક બનશે.

એક વ્યક્તિ એક પદ હવે ભાજપમાં ભૂતકાળ બનશે…
સામાન્ય રીતે રાજ્યમાં અને દેશમાં ભાજપ સત્તાસ્થાને આવ્યો ન હતો ત્યાં સુધી અનેક સિદ્ધાંતોની વાતો ભાજપ માટે કરવામાં આવતી હતી. જેમાંથી સૌથી મહત્ત્વની વાત એક વ્યક્તિ એક પદની ભાજપની પ્રણાલી ગણવામાં આવતી હતી. જોકે ગુજરાતે જ આ પ્રણાલી તોડી પાડવાનું નક્કી કર્યું છે. પ્રદેશ ભાજપના પ્રમુખ વિજય રૂપાણી પ્રમુખ બન્યા ત્યારે કહેવાતું હતું કે વિધાનસભાના અંદાજપત્ર સત્ર પછી તેઓ મંત્રીમંડળમાંથી રાજીનામું આપશે અને ભાજપની એક વ્યક્તિ એક પદની પ્રણાલી જાળવી રાખશે.

અગાઉ ૩૧મી માર્ચે મંત્રીમંડળમાંથી રાજીનામું આપશે તેવી વાતો વહેતી થઇ હતી અને વિજય રૂપાણીના પ્રધાન તરીકેના સ્ટાફના સભ્યોને પણ પોતાના જે તે વિભાગમાં પાછા જવાની સૂચના આપી દેવામાં આવી હતી. જોકે ત્યારબાદ એકાએક પાણીપુરવઠા પ્રધાન પદેથી વિજય રૂપાણી રાજીનામું નહીં આપે તેવો નિર્ણય લેવામાં આવ્યો. વિજય રૂપાણીએ પણ સ્પષ્ટ કરી દીધું કે હાઇકમાન્ડ કહેશે તો હું પ્રધાનપદેથી રાજીનામું આપીશ.

સચિવાલયનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી પણ ઇચ્છી રહ્યાં છે કે પ્રદેશ પ્રમુખ બનેલા વિજય રૂપાણી પ્રધાનપદેથી રાજીનામું આપે. જોકે વિજય રૂપાણીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓના હાઇકમાન્ડ એટલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ કહેશે તો જ તેઓ રાજીનામું આપશે. ગુજરાતમાં મંત્રીમંડળનાં હાઇકમાન્ડ તો મુખ્યમંત્રીને જ ગણી શકાય. કદાચ એટલે જ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીના આ નિર્ણયથી મંત્રીમંડળના વિસ્તરણની વાતો હવે હવામાં જ રહી ગઇ છે. સાથે ભાજપની પ્રણાલી એક વ્યક્તિ એક પદ કદાચ ભૂતકાળ બની જશે.

નવા મુખ્ય સચિવ કોણ?
રાજ્ય સરકારમાં વહીવટી પાંખના વડા તરીકે મુખ્ય સચિવ હોય છે. હાલના મુખ્ય સચિવ જી.આર.અલોરિયા આગામી જુલાઇ માસમાં વયમર્યાદાને કારણે નિવૃત્ત થઇ રહ્યા છે. આથી સચિવાલયમાં અને આઇએએસ અધિકારીઓમાં ચર્ચા ચાલી રહી છે કે, નવા મુખ્ય સચિવ કોણ બનશે? આમ તો રાજ્ય સરકાર પાસે હાલના મુખ્ય સચિવને ત્રણ માસનો સમય વધારી આપવાનો વિકલ્પ ખુલ્લો જ છે. જોકે પૂર્વ મુખ્યસચિવ ડી.જે.પાંડિયનને વયમર્યાદામાં જ નિવૃત્ત કરી દીધા હોવાથી આઇએએસ લોબીમાં જી.આર.અલોરિયાને પણ વયમર્યાદાને કારણે નિવૃત્તિ આપી દેવાશે તેવી આશંકા કરવામાં આવી રહી છે. આથી નવા મુખ્ય સચિવનાં નામોની ચર્ચાએ જોર
પકડ્યું છે.

રેસમાં સૌથી આગળ હાલ નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ જે.એન.સિંગના નામની સાથે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પી.કે.તનેજાનું નામ પણ ચર્ચામાં છે. દિલ્હી ડેપ્યુટેશન પર ગયેલા રાજ્યના અનેક અધિકારીઓ પણ મુખ્ય સચિવની રેસમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે મોટાભાગના આઇએએસ અધિકારીઓ માની રહ્યાં છે કે ગુજરાતના નવા મુખ્ય સચિવની પસંદગી ગુજરાત સરકાર નહીં પણ સીએમઓમાં બેઠેલા ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવશે. તે જ નામ પર વડા પ્રધાનના કાર્યાલયથી મહોર મારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મુખ્ય સચિવની પસંદગી કરવાનો અધિકાર રાજ્ય સરકારને હોય છે. રાજ્ય સરકાર મુખ્ય સચિવના નામની ભલામણ કેન્દ્રમાં કરે છે અને પછી તેની જાહેરાત કરવામાં આવે છે.

હિતલ પારેખ

You might also like