૨૦૧૭માં ગુજરાત કેટલું ‘ગતિશીલ’ બનશે?

ર૦૧૭માં ગુજરાત કેટલું ગતિશીલ બનશે? તેવો સવાલ હાલ ચર્ચાઈ રહ્યો છે. કારણ પણ વાજબી છે. આ વર્ષના અંતમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને ગત વર્ષના અનેક સંવેદનશીલ મુદ્દાઓ પેન્ડિંગ છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ‘વાઇબ્રન્ટ’ બનેલા ગુજરાતની કમાન તેમના વડા પ્રધાન પદે દિલ્હી ગયા પછી આનંદીબહેન પટેલના હાથમાં આવી હતી. રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે વરાયેલાં આનંદીબહેનને શરૂઆતમાં પાવરફુલ ગણાવાયાં હતાં અને તેમણે અનેક વિકાસકામો હાથ ધરીને ગુજરાતને ‘ગતિશીલ’ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

જોકે વીતેલા વર્ષ ર૦૧૬માં અનેક સામાજિક અને રાજકીય મુદ્દાઓએ આનંદીબહેનની સરકારની ખુરશીના પાયા હચમચાવી નાંખ્યા હતા. પાટીદાર અનામત આંદોલન અને ઊના દલિતકાંડથી સરકારની ભારે બદનામી થઈ અને આખરે ‘બહેને’ ગાદી છોડવી પડી કે છોડવા માટે મજબૂર કરાયાં. બહેનના વિકલ્પ રૂપે નવા મુખ્યમંત્રીની પસંદગીમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીની આંતરિક ખેંચતાણ બહાર આવી અને ભારે રાજકીય દાવપેચ વચ્ચે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી પર પસંદગીનો કળશ ઢોળાયો.

જોકે પક્ષમાં સબ સલામત હોવાનું પ્રસ્થાપિત કરવા અને આ દાવપેચથી સંભવિત રીતે નારાજ થયેલા સિનિયર પાટીદાર મંત્રી નીતિનભાઈને ગુજરાના ઇતિહાસમાં પ્રથમ વાર નાયબ મુખ્યમંત્રીનું પદ પણ ફાળવવામાં આવ્યુંં. નવા મુખ્યમંત્રી વિજયભાઈ શરૂઆતથી જ દરેક મુદ્દે

સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. વ્યસનમુક્તિ અંગેના ઠાકોર સેનાના આક્રમક કાર્યક્રમથી સચેત થયેલી સરકારે ઠાકોર સેના સાથે સમાધાનકારી વલણ અપનાવીને દારૂબંધીનો કડક કાયદો ઘડી કાઢ્યો છે. અનામત આંદોલન જેવા મુદ્દે સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ સાથે વાતચીત આગળ વધારવામાં રુચિ દાખવી છે. સરકારી કર્મચારીઓની પેન્ડિંગ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ પણ શરૂ થઈ ગયો છે. ફિક્સ પગારદાર કર્મચારીઓ મુદ્દે પણ જાન્યુઆરી માસમાં શુભ સંકેત મળે તેવા પ્રયાસો ચાલુ છે. આમ, સરકારે ભરેલા દરેક પગલામાં આગામી વિધાનસભાની ચૂંટણીને કેન્દ્રસ્થાને રખાઈ હોવાનું જણાઈ રહ્યું છે.

હાલમાં રાજ્યમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત’નું પણ ભવ્ય આયોજન કરાયું છે અને તે માટે સરકાર તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે. ગત વર્ષના પેન્ડિંગ મુદ્દાઓ ઉપરાંત આગામી ચૂંટણીને ધ્યાને લઈને નવા વર્ષે સરકાર સામે અનેક પડકારો આવશે તે નક્કી છે, તેવામાં ગુજરાત સરકાર ૨૦૧૭ના વર્ષમાં કયા નવા લક્ષ્યાંકો સર કરવા ઇચ્છે છે? કયા સરકારી વિભાગો શું નવા વિચારો અને યોજનાઓ અમલમાં મૂકવા જઈ રહ્યા છે તે અંગે સરકારના મંત્રીઓને જ પૂછીએ…

હવે તો ડિજિટલાઇઝેશન એ જ કલ્યાણ
નીતિન પટેલ, નાયબ મુખ્ય પ્રધાન
નવા વર્ષે રાજ્યની તમામ સરકારી કચેરીઓને ઇ-પેમેન્ટથી સજ્જ કરવાનું લક્ષ્ય છે. કૅશલેસને પ્રાધાન્ય આપવા રાજ્યના તમામ નાણાકીય વ્યવહારો ડિજિટલ મોડથી થાય તે માટે સરકારી કચેરીઓએ તમામ કરવેરા, ફી અને દંડના વ્યવહારો સાયબર પોર્ટલ મારફતે કરવા આયોજન હાથ ધરાશે. ૩૧ માર્ચ ૨૦૧૭ સુધીમાં તમામ કર્મચારી કે લાભાર્થી ડેબિટ કાર્ડ કે રુપે કાર્ડથી સજ્જ હોવાં જોઈએ તેવું આયોજન હાથ ધરાશે અને આ માટે નાણા મંત્રાલય ડિજિટલાઇઝેશનને લઈને સખ્ત વલણ અપનાવશે.

પાણી પુરવઠોઃ ગામેગામ નર્મદાનું પાણી પહોંચાડવું છે
બાબુભાઈ બોખીરિયા, પાણી પુરવઠા, પશુ ચિકિત્સા અને મત્સ્યોદ્યોગ મંત્રી
દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં પાણીની અછત છે. આ વિસ્તારોમાં નદી, ડેમોમાં પાણી ન હોવાથી ભૂગર્ભ જળ(બોર, કૂવા)નો ઉપયોગ થઈ રહ્યો છે. તેથી આ વિસ્તારોમાં ભૂગર્ભ જળનો જથ્થો સતત ઘટતો જઈ રહ્યો છે.

હાલમાં ગુજરાતનાં ૧૦ હજાર જેટલાં ગામડાંઓને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે. ૨૦૧૭ના વર્ષમાં ગુજરાતનાં તમામ ગામડાંઓને સર્ફેસ વૉટર મળે તે માટેનું આયોજન થઈ રહ્યું છે.

અમુક વિસ્તારોમાં કાર્યરત જળ સિંચાઈની જૂની યોજનામાં કેટલીક ક્ષતિઓ રહી ગઈ છે. જેમ કે, સિંચાઈની એક યોજના હેઠળ ૨૦-૩૦ જેટલાં ગામોને આવરી લેવામાં આવે છે અને તેમાં છેવાડાનાં ગામોને પાણી નથી પહોંચતું. અહીં સમ્પ, ઓવરહેડ ટાંકી અને બુસ્ટર પંપ જેવી સુવિધા ઊભી કરીને છેવાડાના ગામને પૂરતું પાણી મળી રહે તેવું આયોજન વિચારાઈ રહ્યું છે. દરેક જગ્યાએ પાણીનાં મીટરો લગાડવાનું આયોજન છે. અકસ્માતના સંજોગોમાં ઠેરઠેર ઊભા કરેલા રિઝર્વોયરમાંથી પાણી મળી રહે અને પાણીની અછત ન સર્જાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

ફિશરીઝઃ નાનાં-મોટાં તમામ શહેરોમાં ફિશ માર્કેટ ઊભાં કરવાનું આયોજન છે
મોટી બોટો માટે હાર્બર અને નાની બોટો માટે ફિશ લેન્ડિંગ સેન્ટરો ઊભાં કરવામાં આવશે. ગ્લિનેટર જેવી મોટી બોટો માટેના ૯ હાર્બર યુરોપિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે બાંધવામાં આવશે અને તેનાં ટેન્ડરો જૂન-જુલાઈમાં બહાર પાડવાનું આયોજન છે. નાની બોટો માટે આધુનિક સુવિધાવાળાં ૧૬ ફિશ લેન્ડિંગ સેન્ટર બાંધવામાં આવશે. હાલમાં દરિયાકાંઠાનાં કેટલાંક એવાં ગામો છે જ્યાંથી ૨૦-૨૫ બોટો માછીમારી માટે સીધી દરિયામાં જાય છે. અહીં બોટોને લાંગરવા માટે લેન્ડિંગ સેન્ટરો નથી, કેટલાંક બિનકાર્યક્ષમ છે.

જેમ કે, પોરબંદરના મિયાણી અને નવી બંદરમાં લેન્ડિંગ સેન્ટર નદીના મુખમાં છે. હવે બારમાસી નદીઓ રહી નહીં એટલે ચોમાસું જાય કે તરત તેમાં રેતી ભરાઈ જવાથી તે નક્કામા બની જાય છે. આ નવાં ફિશ લેન્ડિંગ સેન્ટર અત્યાધુનિક સુવિધાવાળાં અને એવી રીતે બાંધવામાં આવશે કે લૉ-ટાઇડમાં પણ ત્રણ મીટર પાણી મળે. આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં કોઈ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં ૧૦૦ કરતાં વધુ સંખ્યામાં નાની બોટો હોય અને ફિશ લેન્ડિંગ સેન્ટર ન હોય. આ માટે યોગ્ય આયોજન હાથ ધરાશે.

ઇનલેન્ડ(તળાવો અને ડેમોમાં) માછીમારીમાં ઝીંગા અને માછલીનાં બી માટે ૧૦ હેચરી બનાવવામાં આવશે એટલે બહારથી બચ્ચાં મગાવવાની જરૂર નહીં પડે. હાલમાં ગુજરાતમાં માછલી વેચાણનાં પદ્ધતિસરનાં બજાર નથી. નાનાં શહેરોથી લઈને મોટાં શહેરોમાં ફિશમાર્કેટ ઊભાં કરવા માટે ૩ કરોડ રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે.

પશુપાલનઃ સંકર ગાય જેટલું ઉત્પાદન આપતી ઉત્તમ દેશી ઓલાદ આપવી છે
પશુપાલનમાં ગીર ગાય કે જાફરાબાદી, કાંકરેજી, મહેસાણી, સુરતી ભેંસ જેવી આપણી મૂળ પશુ જાતોનું દૂધ ઉત્પાદન ઘણું ઓછું છે અને તે સંકર જાતો જેટલું દૂધ આપે તે માટે જિનોમ સિકવન્સથી પેઢી દર પેઢી ઉત્તમ ઓલાદનાં પશુ પૂરાં પાડવાં પાટણ જેવાં જ અન્ય બે કેન્દ્ર માંડવી અને ધોરાજીના ભુતવડમાં ઊભાં કરાશે.
કૃષિ:  ખેડૂતોના માલ માટે ગોડાઉનો બાંધવાં છે
ચિમન શાપરિયા, ઊર્જા અને કૃષિ મંત્રી
ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે તે માટે પ્રોત્સાહિત કરાશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ અમારી જમીન પર ગોડાઉન બાંધવામાં આવશે જ્યાં ખેડૂતોનો ઉત્પાદિત માલ વાજબી દરે સંઘરવાની વ્યવસ્થા ઊભી કરવી છે. ઉપરાંત ખેડૂત પોતે ગોડાઉનમાં રાખેલા પોતાના માલની સ્લીપ લઈને બેંકમાં જાય તો તે પાકના બજારભાવના ૭૦ ટકા જેટલી રકમ તેને ધિરાણ પેટે મળે એવી વ્યવસ્થા ઊભી કરવી છે. આ માટે જ્યાં અમારી પાસે જમીનો છે ત્યાં નાણાકીય ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને ગોડાઉન બનાવવાનાં ટેન્ડરો ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે.

ઊર્જા: ખેડૂતો વીજળી વેચે તેવી વ્યવસ્થાનું આયોજન
સોલાર પાવર હેઠળ ખેડૂતને વીજળીનું બીલ ન ભરવું પડે એવી વ્યવસ્થા વિચારણા હેઠળ છે. ખેડૂત આખા વર્ષમાં વધુમાં વધુ ૨૧૦ દિવસ વીજળી વાપરે છે. બાકીના દિવસોમાં સોલાર પાવરથી સંગૃહીત વીજળી વીજ કંપનીઓને વેચીને તેનું ખેડૂતને વળતર મળે તેવો એક વિચાર કરી રહ્યો છું અને દરખાસ્ત તૈયાર કરીને ભારત સરકારને મોકલી રહ્યો છું. અત્યારે સોલાર પંપમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ૧૦૦ ટકા જેટલી સબસિડી આપવામાં આવે છે.

તેવી રીતે ખેતરોમાં સોલાર પેનલો લગાડવા માટે કેન્દ્ર સરકાર તરફથી કેટલી મદદ મળે છે તે જોવાનું રહે છે. રાજ્ય સરકાર બનતી સહાય કરશે. નવા વર્ષે ખેડૂતો અને તેના થકી રાજ્ય સમૃદ્ધ થાય તે દિશામાં સરકારના પ્રયાસો રહેશે.

ખેતીમાં સોલાર ઊર્જાશક્તિનો ખેડૂતો વધુ ને વધુ ફાયદો ઉઠાવે અને તેના દ્વારા જે વીજળી ઉત્પાદિત થાય તેનો પોતે પણ ઉપયોગ કરે અને વધારાની વીજળી ગ્રીડને આપીને તેનું વળતર પણ મેળવે, જેથી ખેડૂતને વપરાશની વીજળીનો ખર્ચ વેઠવો ના પડે અને વધારાની વીજળીનું વળતર મળશે એ મુજબ ખેડૂતોની આવકનો નવો વિકલ્પ ઊભો કરવા પ્રયત્ન કરીશુંં. ઉપરાંત ખેડૂતોનાં વીજ કનેકશનનો બેકલૉગ ઘટાડી ઝડપથી જોડાણ મળે તે પ્રયત્ન થઈ રહ્યા છે તથા પેદાશોના પોષણક્ષમ ભાવ મળે તે માટે એક કમિટી બનાવાઈ અને તેના અહેવાલ પર વધુ કાર્યવાહી હાથ ધરાશે.
આદિજાતિ, પર્યટન અને વનયોજનાઓ નવા વર્ષમાં જાહેર કરાશે
ગણપત વસાવા, આદિજાતિ વિકાસ, પર્યટન અને વનમંત્રી
ગણપત વસાવા પાસે આદિજાતિ, પર્યટન અને વન જેવાં ત્રણ મહત્ત્વનાં ખાતાં છે.  તેમના વિભાગોમાં નવા વર્ષે શંુ નવંુ થવા જઇ રહ્યું છે તે અંગે તેઓ પત્તાં ખોલવા તૈયાર નથી.

હાલ કોઇ પણ યોજના અંગે તેઓ વાત કરવાનું યોગ્ય માનતા નથી. નવા વર્ષમાં ૧૦ જાન્યુઆરી પછી તેમના તમામ વિભાગોમાં જે કંઇ પણ નવું આવશે તે અંગે તેઓ જણાવશે. હાલ બધા જ વિભાગોનાં નવાં કામો અંગેની વિચારણા કરીને તેમની વિગતવાર માહિતી તૈયાર કરવામાં આવી રહી છે. જે વિભાગની જે કોઇ પણ નવી યોજના હશે તે તેઓ નવા વર્ષમાં જ જાહેર કરશે.
નાગરિક પુરવઠાઃ વાહનો જીપીએસ, ગોડાઉન સીસીટીવીથી સજ્જ કરીશું
જયેશ રાદડિયા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી
ગુજરાત રાજ્યનાં તમામ સરકારી ગોદામોમાં ચાલતી ગેરરીતિને રોકવા માટે તેને આધુનિક ટેક્નોલોજીથી જોડવામાં આવશે. નવા વર્ષમાં આ વિભાગને ટેક્નોલોજીથી સજ્જ કરવાનું આયોજન છે. તમામ સરકારી ગોડાઉનોને ક્લોઝ સર્કિટ ટીવી (સીસીટીવી) કેમેરાથી સજ્જ કરવામાં આવશે. જ્યારે ગોડાઉનમાં માલ ભરવા આવતાં અને ગોડાઉનમાંથી માલ લઈ જતાં વાહનો તથા માલ કાઢવા માટે વપરાતાં તમામ વાહનોમાં આધુનિક જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવશે ને તેનું મોનિટરિંગ કરવામાં આવશે.

માર્ગ-વાહન વ્યવહારઃ એ.સી. બસો દોડાવીશું
વલ્લભ કાકડિયા, વાહન વ્યવહાર મંત્રી
નવા વર્ષમાં રાજ્યના એસ.ટી. વ્યવહારને વધુ સરળ બનાવાશે. તમામ બસ સ્ટેન્ડને નવો ઓપ આપી આધુનિક અને સુંદર કરવાની વિચારણા છે.

અમદાવાદ, બરોડાની જેમ અન્ય મોટાં શહેરોમાં અત્યાધુનિક બસ સ્ટેન્ડ પણ બનાવીશું. ઉપરાંત ૧પ૦થી વધુ નવી એ.સી બસો મૂકીને લાંબા રૂટ ઉપર દોડાવવાનું આયોજન છે. પ૦ એ.સી સ્લીપર બસ, પ૦ નવી વૉલ્વો અને પ૦ મિની એ.સી. બસ વિવિધ રૂટ પર શરૂ કરવામાં આવશે.

જે અંતરિયાળ ગામડાંઓમાં એસ.ટી બસની સુવિધા જ નથી ત્યાં સુધી બસ પહોંચાડવાના પ્રયત્નો કરીશું. રાજ્યનાં તમામ એસ.ટી સ્ટેન્ડની કાયાપલટની સાથેસાથે રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આર.ટી.ઓ.) માં પણ અનેક પ્રકારના ફેરફારને અવકાશ  છે.

હાલના સંજોગોમાં નવા વાહનની ખરીદી પછી ખરીદનાર નંબર અને આર.સી બુક માટે હેરાન થાય છે. ત્યારે નવા વર્ષથી દરેક આર.ટી.ઓમાં વાહન ખરીદે તે જ દિવસે નંબરપ્લેટ લાગી જાય અને સ્થળ ઉપર રજિસ્ટ્રેશન (આર.સી) બુક મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરીને વ્યવહાર એકદમ સરળ બનાવીશું. આ માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
સામાજિક ન્યાયઃ નવી સમરસ હોસ્ટેલો ઊભી કરીશું
આત્મારામ પરમાર, સામાજિક ન્યાય મંત્રી
હાલના સંજોગોમાં અમારી મોટાભાગની રકમ શિક્ષણમાં ખર્ચાય છે. નવા વર્ષ ૨૦૧૭માં વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલો ઊભી કરવાનું આયોજન છે.

હાલ ત્રણ પ્રકારની હોસ્ટેલો સરકારી સહાયથી ચાલે છે. સરકાર દ્વારા ચલાવાતી હાઇસ્કૂલની હોસ્ટેલો, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચલાવાતી હોસ્ટેલો અને કૉલેજના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા તાજેતરમાં ઊભી કરવામાં આવેલી સમરસ હોસ્ટેલ.

આ ત્રણેય હોસ્ટેલોની સંખ્યા હજુ વધારવાનું આયોજન છે. હાલમાં ગુજરાતમાં કુલ ૬ સમરસ હોસ્ટેલો છે. અમદાવાદની સમરસ હોસ્ટેલમાં ૧૦૦૦થી વધુ વિદ્યાર્થી અને ૧૦૦૦થી વધુ વિદ્યાર્થિનીઓ રહી શકે તેવી અલાયદી વ્યવસ્થા ઊભી કરાઈ છે.

આ ઉપરાંત વડોદરા, રાજકોટ, સુરત અને ભાવનગરમાં પણ સમરસ હોસ્ટેલ ચાલે છે. નવા પાંચ જિલ્લામાં સમરસ હોસ્ટેલો ઊભી કરવામાં આવશે. યુનિવર્સિટી કેમ્પસમાં જ હોસ્ટેલો બનાવવાઉપર અમે ભાર મૂકી રહ્યા છીએ જેથી વિદ્યાર્થીને દરેક રીતે અભ્યાસમાં અનુકૂળતા રહે. આશ્રમશાળાની સંખ્યા વધારવી છે. વિધવા,નિરાધારો માટે પેન્શન વધારવું, આંગણવાડી વર્કરોનું વેતન વધારવાનું આયોજન છે.
વન-આદિજાતિ વિકાસઃ વનબંધુ કલ્યાણના ૧૦ મુદ્દા મુખ્ય રહેશે
શબ્દશરણ તડવી, વન અને આદિજાતિ વિકાસ મંત્રી
નવા વર્ષે આદિવાસી સમાજમાં શિક્ષણ સુધારણા ઉપર વધુ ભાર મુકાશે. આદિવાસી વિસ્તારો શિક્ષણ ક્ષેત્રે ઘણા પછાત છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણની વ્યાપકતા અને ગુણવત્તાને ધ્યાનમાં રાખીને એકલવ્ય મૉડલ સ્કૂલ જેવી વ્યવસ્થા વધુ અસરકારકબનાવાશે.

વનબંધુ કલ્યાણ યોજનાના ૧૦ મુદ્દાઓના અમલીકરણનાં બહુ સારાં પરિણામો મળી રહ્યાં છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આગળ વધીશું. દાયકાઓ જૂની આશ્રમશાળાઓમાં જેમની પાસે મકાનો નથી તેમને મકાનો પૂરાં પાડવામાં આવશે.નવી યોજનાઓ શરૂ કરવા ઉપર ઓછું અને જે ચાલુ યોજનાઓને અસરકારક બનાવવા પર વધુ ધ્યાન અપાશે.
પંચાયત: પંચાયત માળખું મજબૂત કરાશે
જયંતિ કવાડિયા, પંચાયત મંત્રી
નવા વર્ષે પંચાયતોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા કેન્દ્ર સરકારના સહયોગથી આયોજન હાથ ધરાયું છે. ગામ સ્વચ્છ રહે તે માટે શોૈચાલય બનાવવા પર પણ ભાર મુકાઈ રહ્યો છે. આ અભિયાન હેઠળ દરેક ગામમાં વ્યક્તિ દીઠ રૂ. બે ફાળવવામાં આવે છે.

ગુજરાતમાં ૩.૪૭ કરોડ લોકો ગામડાંમાં રહે છે એ રીતે ગણતરી મૂકીએ તો કરોડો રૂપિયા આ સ્વચ્છતા અભિયાનને ફાળવી ગામને સ્વચ્છ કરવાની પ્રાથમિકતા અમારી છે. પંચાયત માળખું પણ મજબૂત બનાવવાનુૅ આયોજન છેે. તલાટી અને ગ્રામસેવકની ભૂમિકા મહત્ત્વની હોઈ દરેક ગામને તેમની સેવા મળી રહે તે માટે નક્કર આયોજન છે.

આગામી ત્રણ માસમાં રાજ્યને નવા રપર૦ તલાટી મળી રહે તે માટેની કાર્યવાહી પણ ચાલી રહી છે. આ ઉપરાંત રર૦૦ ગ્રામસેવકની ભરતી કરીને દરેક ગામને ગ્રામસેવક મળે તેવું આયોજન છે. જેથી લોકોને સરકારની યોજનાઓનો પૂરો લાભ અને માર્ગદર્શન આસાનીથી મળી રહે.
કૃષિ: ખેડૂતોના ટેકાના ભાવમાં વધારો કરાવીશું
વલ્લભ વઘાસિયા, કૃષિ રાજયમંત્રી

વર્તમાન સરકારનો અભિગમખેડૂતલક્ષી છે. નવા વર્ષે ખેડૂતોના અનેક પ્રકારના પ્રશ્નો માટે પ્રયત્નશીલ રહીશું. ખેડૂતોની કૃષિ જણસોના હાલના ટેકાના ભાવ અપૂરતા છે, જેથી મોંઘવારીમાં ખેડૂતોને પણ ઉત્પાદનના પૂરા ભાવ મળે તે માટે કેન્દ્ર સરકાર વધારો કરી આપે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. આ માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત પણ મોકલાઈ છે. ઉપરાંત કૃષિ વીજ જોડાણોમાં પાંચેક વર્ષનો બેકલૉગ ચાલી રહ્યો છે, તે નવા વર્ષે પૂરો થઈ જાય અને ખેડૂતોને ઝડપથી વીજજોડાણ મળે તે માટેના પ્રયાસો રહેશે.

ખેડૂતોના પાકને વન્ય પ્રાણીઓ કે ભૂંડથી બચાવવા રાજ્ય સરકારે નવા વર્ષે ખેતરોમાં વાયર ફેન્સિંગ માટે પ૦ ટકા સહાય આપવા અને તે માટે રૂ.રપ૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આગામી ત્રણ વર્ષ માટે આ યોજનમાં રૂ.૭પ૦ કરોડ ફાળવાયા છે. ખેડૂતોને પૂરતી વીજળી, પાણી અને જણસોના પૂરા ભાવ મળે તે માટે અમારા પ્રયાસો રહેશે.
રમતમાં સાયન્ટિફિક સિસ્ટમ, યાત્રાધામોમાં સ્વચ્છતા પર ભાર મૂકીશું
રાજેન્દ્ર ત્રિવેદી, રમતગમત અને યાત્રાધામ વિકાસ મંત્રી
નવા વર્ષમાં રમતગમત ક્ષેત્રે નવી યોજનાઓ અંગેની તૈયારી ચાલી રહી છે. તે અંગેની વિગતવાર માહિતી થોડા સમય પછી જ આપી શકાશે પરંતુ હાલમાં એટલું કહી શકાય કે રાજ્યમાં રમતગમતના ક્ષેત્રમાં સાયન્ટિફિક સિસ્ટમને દાખલ કરવા માટેની અમારી પૂરતી તૈયારી છે.

રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગીથી લઇને તેમનાં ખાનપાન અને તેેમની જે-તે રમત અંગેની તાલીમમાં સંપૂર્ણ રીતે સાયન્ટિફિક સિસ્ટમ્સ અપનાવવામાં આવે તેવા સંપૂર્ણ પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાત રાજ્યનાં ૬ મહત્ત્વનાં યાત્રાધામોમાં સુવિધાઓનો વધારો કરવામાં આવશે. યાત્રાધામોમાં ક્યાંક કોઇ પ્રકારની ગંદકી ન જોવા મળે તે બાબત પર સંપૂર્ણ ફોકસ કરવામાં આવશે. મહત્ત્વનાં યાત્રાધામોમાં સ્વચ્છતા સાથે કોઇ બાંધછોડ ન થાય તે નવા વર્ષમાં તેમના વિભાગની પ્રાથમિકતા રહેશે. આ માટે યોગ્ય બજેટ પણ ફાળવવામાં આવશે.
કેવી રહેશે વિપક્ષની વ્યૂહરચના ?
વર્ષ ૨૦૧૭ ગુજરાત માટે એટલા માટે મહત્ત્વનું છે કે વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. દોઢ દાયકા બાદ એવી વિધાનસભા ચૂંટણી યોજાશે જેમાં ભાજપ તરફથી મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી નહીં પરંતુ અન્ય કોઈ વ્યક્તિ હશે. બીજી તરફ નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાન કાળ દરમિયાન ભાજપનું રાજ્યમાં સારું એવું પ્રભુત્વ હતું, તેમના વડા પ્રધાન બન્યા બાદના સમયગાળામાં રાજ્યએ આંદોલનો, અરાજકતા અને સત્તાપરિવર્તન પણ જોયાં છે. આવી પરિસ્થિતિમાં જ્યારે વિધાનસભા ચૂંટણીઓ આવી રહી હોય ત્યારે વિપક્ષ પોતાની વ્યૂહરચના અત્યારથી જ નક્કી કરી રાખે તે સ્વાભાવિક  છે.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ કહે છે, “વર્ષ ૨૦૧૭ એ ચૂંટણીઓનું વર્ષ રહેવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય એ નિર્ધાર સાથે અમે આ વર્ષની તૈયારીઓ અને આયોજનો કરવા જઈ રહ્યા છીએ. સાચા અર્થમાં ગુજરાતનું નવસર્જન અને વિકાસ થાય તે અમારો લક્ષ્યાંક રહેશે, કારણ કે અત્યાર સુધી વિકાસનાં કામોનો માત્ર પ્રચાર જ થયો છે અને લાભ શ્રીમંતોને જ મળ્યો છે. મુખ્યપ્રધાન ભલે બદલાયા હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીની માનસિકતામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. જનતા અમને નાછૂટકે મત આપશે જ એવી વિચારસરણીને લીધે રાજ્યમાં છેલ્લાં દોઢ વર્ષ દરમિયાન આંદોલનો અને બળવાઓ થયાં. હવે જનતા ખોટા દાવાઓ અને અને ભ્રષ્ટાચારથી મુક્તિ ઈચ્છે છે. જનતા અમારા પર વિશ્વાસ મૂકે તે માટે અમે હાલ વિવિધ આયોજનો કરી રહ્યાં છીએ.”

તો અર્જુન મોઢવાડિયા કહે છે, “વિધાનસભા ચૂંટણીઓને હવે ૧૧ મહિના જ બાકી રહ્યા છે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસને જિતાડવા માટેના તમામ પ્રયત્નો કરવાનું અમારું આયોજન છે. છેલ્લાં ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન રહ્યું છે. હવે ખેડૂતો, સરકારી કર્મચારીઓ, મજૂરો, કામદારો અને સામાન્ય જનતા ત્રાહિમામ્ પોકારી ચૂકી છે. પાટીદારો અને દલિતોનાં આંદોલનો પરથી કળી શકાય છે કે તે સમાજ વર્તમાન પરિસ્થિતિ અને શાસનથી કેટલો ત્રસ્ત હશે. આ હાલત અન્ય સમાજોની પણ છે, પરંતુ તેનો રોષ હજુ સપાટી પર નથી આવ્યો. ખેતી અને ગામડાંઓ પડી ભાંગ્યાં છે અને શિક્ષિત લોકો બેરોજગારીથી પીડાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં ગયા બાદ રાજ્યમાં

નેતૃત્વનો અભાવ છે, તેથી જ અહીં નામના નેતાઓ રાખી દિલ્હીથી માર્ગદર્શન આપવામાં આવે છે. ભાજપમાં પણ આંતરિક હૂંસાતૂંસી હાલ ચરમસીમાએ છે, આવી પરિસ્થિતિમાં પ્રજા તેને જાકારો આપે તે વાત નિશ્ચિત છે. અમે આ પરિસ્થિતિમાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત થાય તે માટે તમામ પ્રયત્નો કરવા તૈયાર છીએ.”

તો સિદ્ધાર્થ પટેલ કહે છે, “વિધાનસભા ચૂંટણીમાં સહિયારા પ્રયત્નો દ્વારા કોંગ્રેસને જીત અપાવવી એ જ અમારું મુખ્ય ધ્યેય છે. ભાજપ છેલ્લા ઘણા સમયથી નબળો પડી રહ્યો છે તે વાત સૌ જાણે જ છે. આવનારી ચૂંટણીઓમાં ભાજપના નેતાઓ સક્રિય રહે કે બિનસક્રિય, કોંગ્રેસ તેને ટક્કર આપી શકે તે માટે અમે સજ્જ છીએ.”

જેમ રાષ્ટ્રીય સ્તરે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી નામનો પક્ષ એક નવા વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે તેમ ગુજરાતમાં પણ હવે ધીમેધીમે આમ આદમી પાર્ટીની હાજરી ઊડીને આંખે વળગી રહી છે. આ સંદર્ભે આમ આદમી પાર્ટીની વ્યૂહરચના શું છે તે અંગે આમ આદમી પાર્ટીના નેતા ડૉ. કનુભાઈ કલસરિયા કહે છે, “ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો છે. હાલ તો આ બેઠકોમાંથી મહત્તમ બેઠકો પરથી લડવું અને જીતવું એ અમારો નિર્ધાર છે. જેના માટે અમે આવનારા મહિનાઓના દરેક દિવસના

દરેક કલાક પક્ષ માટે ખર્ચવાની તૈયારી કરી રહ્યા છીએ. નરેન્દ્ર મોદીના ગયા પછી ગુજરાત ભાજપ ઘણી રીતે નબળો પડ્યો છે તે વાત નક્કી છે.

ભાજપના શાસનમાં પહેલાં પણ ભ્રષ્ટાચાર થતો હતો પરંતુ હવે તેની માત્રામાં  ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આટલી સમસ્યાઓ હોવા છતાં કોંગ્રેસ ક્યારેય એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી ન શક્યો તે દુઃખની વાત છે, તેથી અમે પ્રજા સમક્ષ એક મજબૂત વિકલ્પ સાબિત થવા માગીએ છીએ. હાલ દરેક લોકસભા વિસ્તારમાં દિલ્હીના ઓબ્ઝર્વરનું માર્ગદર્શન મળીરહ્યું છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને ભગવંત માન સહિતના નેતાઓ પણ પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સક્રિય થશે.”
પાણી પુરવઠા: ગામેગામ પાણી પહોંચાડવું છે
જશા બારડ, પાણી પુરવઠા રાજ્યમંત્રી
સૌરાષ્ટ્ર-ગુજરાતનું એક પણ ગામ પીવાના શુદ્ધ પાણીથી વંચિત ન રહે તે માટે નવા વર્ષે કટિબદ્ધ છીએ. નર્મદા, મહી કે અન્ય યોજનાઓ મારફતે દરેક ગામોમાં નિયમિત પાણી મળતું રહેે અને જ્યાં કોઈ સોર્સ નથી ત્યાં નવા સોર્સ ઊભા કરીને પાણી પહોંચાડવાનું આયોજન છે.

આ સંદર્ભે પાણી પુરવઠા વિભાગની ચારેય ઝોનની મહત્ત્વની બેઠક હાલમાં જ બોલાવાઈ હતી. ઉનાળામાં પાણીની મુશ્કેલી ઊભી થાય છે ત્યારે આગામી ઉનાળાને ધ્યાને લઈને સૌરાષ્ટ્રના કોઈ ગામમાં પાણીની તંગી ઊભી ન થાય તે માટે દરેક સ્તરે સરકાર પ્રયત્નશીલ છે. નવી પાઈનલાઈનો નાખવા અને જૂની લાઈનોમાં સુધારા માટે ઝડપથી કાર્યવાહી થાય તે પ્રાથમિકતા છે.

મીઠા ઉદ્યોગ ક્ષેત્રે અગરિયાઓના આવાસ, શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો વહેલી તકે ઉકેલવાની દિશામાં નવા વર્ષે સરકાર ઝડપથી આગળ વધશે. અગરિયાના વિસ્તારોમાં ઊભી થયેલી શાળાઓમાં શિક્ષકોની નિયુક્તિ થાય તે અંગે પણ વિચારીશુંં.
જળ સંસાધન: ‘સૌની’ યોજના પૂર્ણ કરીશું
નાનુ વાનાણી, જળ સંસાધન રાજ્યમંત્રી
વર્તમાન સરકારનું લક્ષ્ય હાલમાં ચાલી રહેલી યોજનાઓને બને તેટલી ઝડપથી પૂરી કરવાનું રહેશે. આ માટેની કાર્યવાહી પણ ચાલુ છે.

હાલમાં સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન ‘સૌની’ યોજના પૂરી કરવા પર સંપૂર્ણ ધ્યાન લગાવવામાં આવશે. આ યોજના હેઠળ નર્મદા નદીનું દરિયામાં વહી જતું પાણી સૌરાષ્ટ્રના અછતવાળા વિસ્તારમાં પાઇપલાઇન મારફતે પહોંચાડવાનું કામ શરૂ કરાયું છે.

સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓનાં ૧૧૫ જળાશયોને ૧૧૨૬ કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખીને ભરવાનું કામ હાલ ચાલી રહ્યું છે. પાણીની સમસ્યા ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં અંબાજીથી લઇને ઉમરગામ સુધી ચેકડેમ અને તળાવો બનાવી સિંચાઇ પૂરી પાડવાનું કામ સરકારના ફોકસમાં રહેશે.

આ ઉપરાંત પૂર્વ પટ્ટીના આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇની સુવિધાઓ માટેની ચાલતી યોજનાઓ પર પૂરતું ધ્યાન આપીને તેને ઝડપથી પૂરી કરવાનો પ્રયત્ન કરાશે.
સહકાર: કૅશલેસ વ્યવસ્થાને વેગ અપાશે
ઈશ્વર પટેલ, સહકાર રાજ્યમંત્રી
રાજ્યના સહકારી ક્ષેત્રનો વિકાસ એ ખેડૂતોનો પણ વિકાસ છે. તેમની પ્રાથમિકતા એ છે કે ખેડૂતોનું જીવન અને તેમનું કામ આસાન બને. આ માટે તેમને લગતી જુદી જુદી યોજનાઓનું સરળીકરણનું કામ ઝડપથી કરવામાં આવશે. રાજ્યના ખેડૂતોને લોનથી લઇને ખાતર, બિયારણ અને અન્ય સુવિધાઓ મેળવવામાં સરળતા રહે તે માટે સરકાર કામ કરશે. હાલમાં સમગ્ર દેશમાં જે કૅશલેસ સિસ્ટમ લાવવાની વાત થઇ રહી છે તે અંગેના સવાલમાં ઈશ્વરભાઇએ કહ્યું કે, “કૅશલેસ સિસ્ટમ બધાનાં હિતમાં છે.”

વિવિધ યોજનાઓથી ખેડૂતોને તો ફાયદો છે જ પરંતુ તેનાથી સરકારનું કામ પણ સરળ બને છે. એટલે ખેડૂતો માટેની યોજનાઓના સરળીકરણમાં કૅશલેસ સિસ્ટમ લાવવાનું કામ પણ મહત્ત્વનું પાસું રહેશે. જોકે, તેમણે એે પણ કહ્યું કે બજેટમાં વિગતવાર જાહેરાત કરવામાં આવશે.
કચ્છમાં ખેતી માટે નર્મદાનાં નીર પહોંચાડવા પ્રયત્ન કરીશ
વાસણ આહિર, સંસદીય સચિવ: પાણી પુરવઠા, કુટિર અને મીઠા ઉદ્યોગ વિભાગ
નવા વર્ષમાં કચ્છને ખેતી અને પીવા માટે નર્મદાનાં નીર મળે તે માટે પ્રયત્નશીલ રહીશ. હાલ કચ્છના ઘણાં વિસ્તારને પીવા માટે નર્મદાનું પાણી મળે છે, પરંતુ બાકી વિસ્તારને પણ સત્વરે પાણી મળે અને વારંવાર અનિયમિત બનતો પુરવઠો ખોટકાય નહીં તે જરૂરી છે. ખેતી માટે પણ નર્મદાનાં પાણી મળવાનાં શરૂ થયાં છે, પરંતુ કામ ઝડપથી આગળ વધે તેવા મારા પ્રયત્ન રહેશે.

આ પ્રકારની યોજના ઝડપભેર આગળ વધે તે માટે આગામી બજેટમાં પૂરતાં નાણાં ફાળવાય તે માટે પણ મારા પ્રયાસો રહેશે.

આ ઉપરાંત કચ્છમાં ભુજિયા ડુંગર પર નિર્માણ પામી રહેલા સ્મૃતિવનના બીજા ફેઝનું કામ પણ ઝડપભેર થાય, અંજારમાં ભૂકંપમાં મૃત્યુ પામેલાં બાળકોના સ્મરણાર્થે બનનાર વીર બાળભૂમિ સ્મારકનું કામ પણ પૂરું થઇ જાય અને ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત બનેલા આદિપુર, અંજારનાં રેલવે સ્ટેશનો આધુનિક બને અને સ્ટેશન પર પ્રવાસીઓને પાયાની સુવિધાઓ મળી રહે તે માટે તથા કચ્છની પ્રજાની પાણીની હાડમારી ઓછી થાય તે માટે પ્રયત્નો કરીશ.
http://sambhaavnews.com/

 

You might also like