ઉનાની મહારેલીમાંથી પરત ફરતા દલિતો ઉપર હુમલોઃ આઠ ઘાયલ

અમદાવાદ: ઉના ખાતે ગઇ કાલે અસ્મિતા યાત્રા બાદ ધ્વજવંદન અને મહારેલીનું આયોજન કરાયું હતું. આ મહારેલીમાંથી ભાવનગર તરફ પરત ફરતા યુવકો પર સામકેર ગામ નજીક કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આઠેક લોકોને ઇજા થઇ હતી. આ ઘટનાને લઇ દલિતો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં મોડી રાત્રે ટોળા અને પોલીસ વચ્ચે પથ્થરમારો થયો હતો અને પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા. આ ઘટનામાં પોલીસ ઇન્સ્પેકટર સહિત ચાર પોલીસકર્મીઓને પણ ઇજા થઇ હતી.

ઉનાના સામકેર ગામે થયેલા હુમલા બાદ દલિતો પણ રોષે ભરાયા હતા અને મોડી રાત્રે દલિત સમાજનાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. દીપકચોક ખાતે ટોળાએ ટાયર સળગાવ્યાં હતાં.
અસ્મિતા યાત્રા ઉના ખાતે પહોંચ્યા બાદ ત્યાં ધ્વજવંદન અને મહારેલીનું આયોજન કરાયું હતું, જેમાં દલિતોના નેતા જિજ્ઞેશ મેવાણી, સ્થાનિક કાર્યકરો અને ગુજરાતમાંથી અનેક દલિતો આવ્યા હતા.

મહારેલીમાં જોડાયેલા ૧૦ હજાર જેટલા લોકોને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ શપથ લેવડાવ્યા હતા કે હવે કોઇ દલિત મૃત પશુનાં ચામડાં ઉતારવાનું કે ગટરમાં ઊતરીને સફાઇ કરવાનું કામ નહીં કરે.
દલિતો માટે પાંચ એકર જમીનની માગ કરી હતી. જેએનયુ વિવાદથી જોડાયેલા અને દેશદ્રોહના આરોપી કનૈયાકુમાર અને રોહિત વેમુલાની માતા પણ હાજર રહ્યા હતા. આ રેલીમાં કનૈયાકુમારે ગુજરાત મોડલને ખોખલું ગણાવ્યું હતું અને આઝાદીના તહેવાર પર મોદીવાદ અને મનુવાદમાંથી આઝાદીની વાત કરી હતી. રોહિત વેમુલાની માતા રા‌િધકાકુમારીએ જણાવ્યું હતું કે મેં મારો દીકરો ગુમાવ્યો છે પણ હવે કોઇ મા તેનો દીકરો ન ગુમાવે તેમ જણાવ્યું હતું.

મહારેલી બાદ કનૈયાકુમારે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદની મંજૂરી મેળવી હતી, પરંતુ મંજૂરી તેને આપવામાં આવી નહોતી. જે અંગે કનૈયાકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે આ લોકશાહીની હત્યા છે. દરમ્યાનમાં સવારે મહારેલીમાંથી ભાવનગર તરફ પરત ફરતા યુવકો પર ઉનાથી ૧૧ કિ.મી. દૂર સામકેર ગામે કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાની ઘટનાને લઇ દલિતો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

જ્યાં તેઓને રક્ષણ આપવાની માગ થઇ હતી. બાદમાં રાત્રે પરિસ્થિતિ તંગ બની હતી અને લોકોના ટોળાએ પોલીસ પર પથ્થમારો કર્યો હતો અને બાઇકને પણ આગ ચાંપી હતી.

You might also like