અત્યાચાર સામે અાક્રોશ હજારો દલિતો રસ્તા પર ઊતર્યા

અમદાવાદ: ઉનામાં દલિત યુવાનો પર થયેલા અત્યાચાર સામે રાજ્યભરમાં જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. અત્યાચારના વિરોધમાં અપાયેલા ગુજરાત બંધના એલાનમાં અમદાવાદમાં દલિતોનો આક્રોશ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અમદાવાદ શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેરના બાપુનગર, કલાપીનગર, મજૂરગામ, જમાલપુર, સૈજપુર વિસ્તારમાં બંધની અસર જોવા મળી હતી. ચાંદખેડામાં પણ લોકો રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા અને રેલી યોજી હતી.

રેલી બાદ લોકોના ટોળા રસ્તા પર સૂઇ ગયા હતા. વહેલી સવારથી શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ હતી પરંતુ નવ વાગ્યા બાદ કલાપીનગર, અસારવા અને બાપુનગરમાં લોકોના ટોળાં ભેગા થયા હતા અને શાળાઓ બંધ કરાવી હતી. ઉપરાંત લોકોના ટોળાએ એએમટીએસ-બીઆરટીએસ બસોને નિશાન બનાવી રોકી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં બંધને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં બંધની નહિવત અસર જોવા મળી હતી.

પૂર્વ વિસ્તારના સરસપુરમાં આવેલી શારદાબહેન હોસ્પિટલ નજીક કેટલાક લોકોના ટોળાંએ ત્યાંથી પસાર થતી ૧૩૮ રૂટ નંબરની બસ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જમાલપુર અને જુહાપુરામાં પણ મુસ્લિમ બિરાદરોએ દલિત સમાજ દ્વારા અપાયેલા બંધને ટેકો આપ્યો હતો અને બંધ પાળ્યો હતો. પશ્ચિમ વિસ્તારમાં બંધની નહિવત્ અસર જોવા મળી હતી. વસ્ત્રાપુર, સાબરમતી, થલતેજ, સેટેલાઈટ વગેરે વિસ્તારોમાં સ્કૂલ-કોલેજો રાબેતા મુજબ ચાલ્યાંં હતાં. ઓફિસો પણ રાબેતા મુજબ ખૂલી હતી. પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.

સરસપુરમાં દલિત સમાજના લોકોના ટોળા રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. લોકોના ટોળાં રસ્તા ઉપર ઊતરી આવતા શહેરકોટડા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. લોકોએ રસ્તા પર સૂઈ જઈ વિરોધ નોંધાવતા પોલીસે લોકોને સમજાવ્યા હતા. લોકોના ટોળાંએ બસને રોકી વિરોધ નોંધાવ્યો. ૧૩૮ નંબરની બસનો આગળનો ભાગ તોડ્યો હતો.

કલાપીનગરમાં પણ ટોળાએ ૨૮ નંબરની બસ રોકાવી હતી. ભુલાભાઈ પાર્ક પાસે ટોળાંએ બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી બસ રોકાવતાં અધિકારીઓ દોડતાં દોડતા થયા હતા. જૂના વાડજમાં પણ દલિત સમાજના ટોળાંએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. લોકોના ટોળે ટોળા રોડ પર ઉતરી આવતાં પોલીસ અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. મોટા ભાગની એએમટીએસ બસોને ટોળાંએ રોકી તેમાંથી મુસાફરોને ઉતારી દીધા હતા.

પૂર્વ વિસ્તારના કલાપીનગર, અસારવા, મેઘાણીનગર, બાપુનગર, મજૂરગામ જેવા વિસ્તારોમાં બંધની અસર મોટા ભાગે જોવા મળી હતી.

You might also like