રાજ્ય ક્રાઈમબ્રીફઃ ક્યાંક અકસ્માત, ક્યાંક ચેઈન સ્નેચિંગ તો ક્યાંક ગોળીબારના બનાવો

અમદાવાદ, શુક્રવાર
બ્રેક ફેઇલ થતાં જીપ પલટી ૧પ વ્યકિતને ઇજા
અમીરગઢ-ઇકબાલ ગઢ રોડ પર સુરેલા ઘાટીના વળાંકમાં મુસાફરો ભરેલી જીપની બ્રેક ફેઇલ થઇ જતા સર્જાયેલા અકસ્માતમાં ૧પ મુસાફરોને ઇજા પહોંચી હતી. અમીરગઢના મોટા હાજાપુર ગામથી ઇકબાલગઢ તરફ ખીચોખીચ મુસાફરોથી ભરેલી જીપ પસાર થતી હતી ત્યારે સુરેલા ઘાટી નજીક જીપની બ્રેક અચાનક ફેઇલ થઇ જતા જીપચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને જીપ રોડની બાજુમાં આવેલા ખાડામાં પલટી ખાઇ જતાં મુસાફરોએ ચીચીયારીઓ પાડતા ગમગીની છવાઇ હતી. આ ઘટનામાં ૧પ મુસાફરોને ઇજા પહોંચતા તમામને પાલનપુરની ‌િ‌સવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વાસણા-મેઘાણીનગરમાં ચેઇન સ્નેચિંગ
વાસણા અને મેઘાણીનગરમાં ચેઇન સ્નેચિંગના બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે વાસણા વિસ્તારમાં આવેલી હરિકૃષ્ણા સોસાયટી નજીકથી પસાર થઇ રહેલ સોનલબહેન ભદ્રેશભાઇ શાહ નામની મહિલાના ગળામાંથી રૂ.૪૦ હજારની કિંમતના સોનાના દોરાની ચીલઝડપ કરી હતી. જ્યારે મેઘાણીનગરમાં સૈજપુર ગરનાળા પાસેથી પસાર થઇ રહેલ વિનુલા બહેન અમરસિંહ ચાવડાના ગળામાંથી બાઇક પર આવેલા ગઠિયા રૂ.રપ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઇ જતા તપાસ હાથ ધરવામાં આવી છે.

મહિલા ખેલાડીને પજવતો એન્જિનિયર ઝડપાયો
ગુજરાતની મહિલા રમતવીરને ફેસબુક ઉપર વારંવાર મેસેજ કરી હેરાન-પરેશાન કરતા એન્જિનિયરની અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બેંગલોરનો એન્જિનિયર યુવક મહિલાને વારંવાર મેસેજ કરી પરેશાન કરતો હોવાની ફરિયાદ સાઈબર બ્રાન્ચને મળી હતી.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતની એક મહિલા રમતવીરને ફેસબુક ઉપર કોઈ અજાણી વ્યક્તિ મેસેજ કરી અને વારંવાર હેરાન-પરેશાન કરતો હતો.

ફેસબુક ઉપર પજવણી કરતાં મહિલા રમતવીરે આ અંગે સાઈબર ક્રાઈમ બ્રાન્ચને અરજી આપી હતી. જેના પગલે ક્રાઈમ બ્રાન્ચે ફેસબુકના આઈડી અંગે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મેસેજ કરનાર યુવક બેંગલોકમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. જેથી સાઈબર ક્રાઈમ બ્રાન્ચે બેંગલોરના એન્જિનિયર યુવકની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી.જોકે સાઈબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ફરિયાદ નોંધાવનાર મહિલા રમતવીર કોણ છે તે અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવા અંગે ઈન્કાર કરી રહી છે.

જ્વેલર્સને આંતરી લૂંટારાનો હવામાં ગોળીબાર
ઊંઝા ટાઉનમાં સોના-ચાંદીના ઘરેણાનાં એક વેપારીને મોડી સાંજે લૂંટારાઓએ આંતરી લૂંટના ઇરાદે હવામાં ગોળીબાર કરતા દોડધામ મચી ગઇ હતી. ઊંઝામાં કેસર ભવાની નામનો સોના-ચાંદીના ઘરેણાંનો શો-રૂમ ધરાવતા ભરતભાઇ પ્રજાપતિ સાંજે દુકાન બંધ કરી પોતાની કારમાં ઘર તરફ જતા હતા ત્યારે ડાભી રોડ પર બોલેરો ગાડીમાં આવેલા ચાર શખસોએ ગાડીને આંતરી ધોકા અને લાકડીથી ભરતભાઇની કારના કાચ તોડી હવામાં ફાયરિંગ કર્યું હતું. પરંતુ બૂમાબૂમ થતા લોકોનું ટોળું ભેગું થઇ જતાં પકડાઇ જવાના ભયે લૂંટારાઓ નાસી છૂટ્યા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રેનના જનરલ ડબામાંથી હત્યા કરાયેલ યુવાનની લાશ મળતાં ભારે ચકચાર
યશવંત-બિકાનેર એકસપ્રેસ ટ્રેનનાં જનરલ ડબામાંથી હત્યા કરાયેલી હાલતમાં યુવાનની લાશ મળી આવતાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આણંદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે યશવંત-બિકાનેર એકસપ્રેસ ટ્રેનના જનરલ ડબાના શૌચાલયમાંથી ગઇકાલે સાંજે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઇ શખસે આ યુવાનની ગળે ટૂંપો દઇ હત્યા કરી હતી.

મૃતક પાસેથી મળી આવેલી ચિઠ્ઠીમાં તે મૂળ નેપાલનો અને હાલ મહારાષ્ટ્રના કલ્યાણ ખાતે રહેતો હોવાનો અને બિયરશોપમાં નોકરી કરતો હોવાનું ર૮ વર્ષીય ગોપાલ દિલ્લીરામ ક્ષત્રીય હોવાનું જાણવા મળ્યું હતું. હત્યારાઓ લાશને શૌચાલયમાં મૂકી ફરાર થઇ ગયા હતા. પોલીસે મૃતદેહને પી.એમ. માટે મોકલી આપી સઘન તપાસ શરૂ કરી છે. જોકે હજુ સુધી હત્યારાઓનું કોઇ પગેેરું મળી આવ્યું નથી.

You might also like