અમદાવાદ જિલ્લાની ત્રણ સહિત ૭પ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ

અમદાવાદ, શનિવાર
અમદાવાદ જિલ્લાની બાવળા, સાણંદ અને ધંધૂકા સહિત રાજ્યની ૭પ નગરપાલિકાની ર૦૬૪ બેઠકની ચૂંટણી માટે આજે સવારના ૮ કલાકથી મતદાન શરૂ થયું છે. શહેરી વિસ્તાર માટે મહત્ત્વની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે એડીચોટીનું જોર લગાવ્યું છે. આ ચૂંટણીથી શહેરી વિસ્તારમાં કયા પક્ષની લોકપ્રિયતા વધુ છે તે પરિણામ બાદ પુરવાર થશે, જેની અસર આગામી લોકસભાની ચૂંટણીમાં દેખાશે.

૭પ નગરપાલિકાના પર૯ વોર્ડની ર૧૧૬ બેઠક માટે ચૂંટણી યોજાઇ છે, પરંતુ જાફરાબાદ નગરપાલિકાના ૭ વોર્ડની ર૭ અને રાપરની ૧ર બેઠક બિનહરીફ જાહેર થયા બાદ હવે બાકી રહેલી ર૦૬૪ બેઠક માટે આજે સાંજના પ વાગ્યા સુધી મતદાન થશે.આ ચૂંટણી માટે ૧૯.૭૯ લાખ મતદાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ ર૭૬૩ મતદાન મથક તૈયાર કરાયાં છે.

તે પૈકી પ૩૦ સંવેદનશીલ અને ૯પ અતિસંવેદનશીલ છે. આ ચૂંટણી માટે ૮૦ ચૂંટણી અધિકારીઓ અને ૧પ,૬૧૬ કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવી રહ્યા છે. ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ થઇ રહ્યો છે. મતદાન મથક પર મતદારોને કોઇ તકલીફ ન પડે તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. કુલ ર૦૬૪ બેઠક માટે ૬૦૩૩ ઉમેદવાર મેદાનમાં છે. ૮ નગરપાલિકાના ૬ વોર્ડની ૭ બેઠક અને રાજકોટ નગરપાલિકાના એક વોર્ડની એક બેઠક પર પેટાચૂંટણી પણ આજે જ યોજાઇ છે. ૧૯મીએ મતગણતરી બાદ પરિણામ જાહેર થશે.

નગરપાલિકાઓનાં નામ
બાવળા, સાણંદ, ધંધૂકા, લાઠી, જાફરાબાદ, ચલાલા, રાજુલા, વલ્લભવિદ્યાનગર, આંકલાવ, બોરિયાવી, ઓડ, કરમસદ, થરાદ, ધાનેરા, લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, સિહોર, ગા‌િરયાધાર, તળાજા, ઝાલોદ, દેવગઢબારિયા, માણસા, સલાયા, દ્વારકા, ભાણવડ, બાંટવા, માણાવદર, માંગરોળ, વીસાવદર, વંથલી, ચોરવાડ, રાપર, ભચાઉ, ખેડા, ચકલાસી, મહેમદાવાદ, ડાકોર, મહુધા, ખેરાલુ, વિજાપુર, વડનગર, છોટાઉદેપુર, વીજલપુર, બીલીમોરા, હારીજ, ચાણસ્મા, રાધનપુર, છાયા, રાણાવાવ, કુતિયાણા, હાલોલ, કાલોલ, જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર, ઉપલેટા, ઇડર, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા, જામજોધપુર, ધ્રોલ, કાલાવાડ, સોનગઢ, સુરેન્દ્રનગર-દૂધરેજ, થાનગઢ, કરજણ, ગઢડા, કોડિનાર, હળવદ, વલસાડ, પારડી, ધરમપુર.

You might also like