ગુજરાતના કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા કહ્યુ હતુ કે, પક્ષમાં યુવાનોને તક અને નેતૃત્વ આપવુ જોઈએ અને પક્ષના અનુભવી લોકોનું માર્ગદર્શન મેળવતા રહેવું જોઈએ.
રાહુલ ગાંધીના આ સૂત્રને ગુજરાતમાં સાર્થક કરી દેશભરમાં ફેરફારો કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં થોડા સમય પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રચાર સહિત કોઈ જગ્યાએ ભરતસિંહ સોલંકીનુ ખાસ યોગદાન રહ્યું ન હતું.
આ ચૂંટણીમાં રાહુલ ગાંધીએ એકલા હાથે બાજી સંભાળીને કોંગ્રેસને જીત મળે તે માટે કાર્યો કર્યા હતા.આ ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી નારાજ જોવા મળ્યા હતા. આ દરમિયાન ભરતસિંહના વિરૂદ્ધમાં દિલ્હી હાઇકમાન્ડ સુધી તેમની અનેક ફરિયાદો પણ થઈ હતી.
પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજીનામુ આપ્યું હોય એવી વાતો ચર્ચાઈ રહી છે, જેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે. આ શનિવારે ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચ્યા હતા. બીજી તરફ તેઓ 26મી માર્ચથી વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે.