અમદાવાદ: કોંગ્રેસ માટે સામાન્ય લોકોમાં એવી સમજણ છે કે પક્ષમાં નેતાઓ છે પણ કાર્યકરો નથી અને જેટલા પણ નેતાઓ છે તેટલા જૂથો છે. ગઇ કાલે પ્રદેશ સમિતિ દ્વારા નોટબંધી સામે લડત આપવા આંદોલનનું રણશિંગું ફુંકાયું પરંતુ તેમાં પણ જૂથબંધીનાં વરવા દર્શન પક્ષના સનિષ્ઠ કાર્યકરોને થયા.
નોટબંધી બાદ લોકોને પડતી હાલાકીના વિરોધમાં કોંગ્રેસ ગઇ કાલથી બાંય ચઢાવી છે. અત્યાર સુધી કાર્યકરોના જુસ્સાના અભાવથી મુંઝાતા પ્રદેશ હાઇકમાન્ડને કાર્યકરોની બેટરી ચાર્જ થવાનો આનંદ પણ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના નિવાસ સ્થાન નજીક કોંગ્રેસનો હલ્લાબોલ તેમ જ જિલ્લાઓમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનથી કોંગ્રેસ પુનઃસામાન્ય લોકોમાં ચર્ચાસ્પદ બની છે.
જો કે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયનાં વર્તુળોમાં પક્ષની જૂથબંધીની ચર્ચા છેડાઇ હતી. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સમક્ષ ગઇ કાલે બપોરે શહેરના આગેવાનો હલ્લાબોલના અહેવાલની વિગતો આપવા આવ્યા હતા. જેમાં શહેર પ્રમુખ ચેતન રાવલ, દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમાર મ્યુનિ. કોંગ્રેસના નેતા દિનેશ શર્મા ઉપરાંત બાપુનગર કોર્પોરેટર જે.ડી. પટેલ વગેરેનો સમાવેશ થયો હતો. પરંતુ આશ્ચર્યજનક રીતે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે પ્રદેશ પ્રમુખની મુલાકાત લેવાનું ટાળ્યું હતું.
નોટબંધી સામેની લડતમાં પક્ષના બે ધારાસભ્ય પૈકી એક ધારાસભ્યની ગેરહાજરીએ કોંગ્રેસનાં વર્તુળોમાં ચર્ચા જગાડી છે. આવા સંજોગોમાં પણ પક્ષ જૂથબંધીથી મુક્ત નથી. તેનો વસવસો પણ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે કેટલાક સંનિષ્ઠ કાર્યકરો કરતા જોવા મળ્યા હતા. દરમ્યાન આજે મણિનગર ખાતેના રેલ રોકોના કાર્યક્રમને સ્થગિત કરીને પક્ષ નેતૃત્વએ સાંજે ચાર વાગ્યે એસટી રોકોનું એલાન આપ્યું છે.
visit : http://sambhaavnews.com/