પ્રદેશ કોંગ્રેસમાં નારાજગીના માહોલ વચ્ચે ડેમેજ કંટ્રોલ કવાયત

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષને આંતરિક જૂથવાદનું ગ્રહણ નડતાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરુદાસ કામત ગુજરાત દોડી અાવ્યા છે. કામત વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને બપોરે એક બેઠક કરશે. જેમાં કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીની નારાજગીના મુદ્દે ચર્ચા કરશે. આ ઉપરાંત તેઓ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે પણ આ પ્રશ્ને ચર્ચા કરી ઝડપભેર પક્ષના આંતરિક પ્રશ્નો દૂર કરવા બાબતે વિચારણા હાથ ધરશે.

આ અંગે પૂર્વ સાંસદ અને નારાજ નેતા કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, “અમને ખબર પડી છે કે કામતજી અમદાવાદમાં છે, પરંતુ અમને મળવા હજુ સુધી બોલાવાયા નથી.” પક્ષના આંતરિક સૂત્રો જણાવે છે કે નારાજ સિનિયર નેતાઓની સાથે કોઇજ બેઠક નહીં થાય. તેમની રજૂઆત આધારે જ પ્રદેશ કોર કમિટી આજે શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને એક બેઠક દરમિયાન આ મુદ્દે ચર્ચા કરશે. જેમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ હાજર રહેશે.

પક્ષના નારાજ નેતા જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, “અમને કોઇ પણ નેતાને મળવામાં વાંધો નથી. આજે અમને બોલાવાયા નથી. અમે રજૂઆત કરી દીધી છે. તેમને અત્યારે અમારી સાથે ચર્ચા કરવાની જરૂર નહીં લાગી હોય.” અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પણ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પત્ર લખીને ચૂંટણીલક્ષી વિશિષ્ટ જવાબદારીમાંથી તેમને મુક્ત કરવા અનુરોધ કર્યો હતો.

You might also like