ગુજરાતની મોટા ભાગની કંપનીના શેરમાં રોકાણકારોને કમાણી

અમદાવાદ: શેરબજારમાં પાછલા એક વર્ષમાં ૧૫ ટકાથી વધુનો સુધારો જોવાઇ ચૂક્યો છે. વિદેશી રોકાણકારોના ઊંચા રોકાણ તથા વિવિધ ફંડની લેવાલીના પગલે બજારમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે. ગુજરાત સ્થિત મોટા ભાગની લિસ્ટેડ કંપનીઓના શેરમાં પણ ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. એટલું જ નહીં રાજ્યના જાહેર ક્ષેત્રનાં એકમોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછલા એક વર્ષમાં સરકારે નોટબંધી, ત્યાર બાદ ૧ જુલાઇથી જીએસટીની અમલવારી, સાથેસાથે સરકારની આર્થિક સુધારા તરફી નીતિના પગલે બજારમાં પોઝિટિવ સેન્ટમેન્ટ જોવા મળ્યું હતું. વિદેશી રોકાણકારો પણ અન્ય ઊભરતા દેશોની સરખામણીમાં ભારતમાં રોકાણ વધારતા જોવા મળ્યા છે.

દરમિયાન પાછલા એક વર્ષમાં અદાણી ટ્રાન્સમિશન કંપનીના શેરમાં બમ્પર ૪૨૦ ટકાનું રિટર્ન મળ્યું છે, જ્યારે અદાણી એન્ટરપ્રાઇસ, અદાણી પોર્ટ અને અદાણી પાવરના શેરમાં ૧૨થી ૭૫ ટકા સુધીનું રિટર્ન મળ્યું છે.

બીજી બાજુ પાછલા એક વર્ષમાં સિન્ટેક્સ, એલેમ્બિક ફાર્મા, ગુજરાત પીપાવાવ, ટોરેન્ટ ફાર્મા અને અતુલ ઓટો કંપનીના શેરમાં નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે, જ્યારે મોટા ભાગના સાર્વજનિક ક્ષેત્રનાં એકમોમાં ૨૮થી ૧૧૨ ટકા જેટલું ઊંચું રિટર્ન જોવા મળ્યું છે. ખાસ કરીને ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપનીના શેરમાં ૧૦૬ ટકા, જ્યારે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝરના શેરમાં ૫૧ ટકાનું રિટર્ન મળ્યું છે, જ્યારે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ કંપનીના શેરમાં ૧૧૨ ટકાનું રિટર્ન છૂટ્યું છે.

એ જ પ્રમાણે જીઆઇપીસીએલ અને ગુજરાત પેટ્રોનેટ કંપનીના શેરમાં અનુક્રમે ૬૧ ટકા અને ૨૮ ટકાનું રિટર્ન મળ્યું છે.

You might also like