રૂપાણીની કુંડળીમાં રૂપાળા યોગ છે?

જ્યોતિષશાસ્ત્રી રાજેશભાઈ શાસ્ત્રીના મતે વિજય રૂપાણીનો અગાઉની સરકારે શરૂ કરેલી યોજનાઓને આગળ ધપાવવામાં મહત્ત્વનો ફાળો રહેશે. જોકે તેઓ નવી યોજના મૂકવામાં સફળ નહીં થાય. તેમના ગ્રહો જોતાં તેઓ અગાઉની સરકારની સરખામણીએ નાણાકીય રોકાણ ઓછું લાવી શકશે. ખેડૂતો, વેપારીઓ અને ઉદ્યોગ ક્ષેત્રે મહત્ત્વના નિર્ણયો લઈને સારી એવી સફળતા મેળવશે. ચંદ્ર અને કેતુનો ગ્રહણયોગ થતો હોવાથી તેઓ જે પણ નિર્ણય લેશે તેના પર અડગ રહેશે.

જો સકારાત્મક નિર્ણયમાં અડગ રહેશે તો તેમાં સારી એવી સફળતા મળશે એ જ રીતે નકારાત્મક નિર્ણય પર અડગ રહેવાથી એટલી જ ખરાબ અસર થઈ શકે છે. શનિ-રાહુનો શાપિત દોષ થઈ રહ્યો હોવાથી જો બોલવામાં સંયમ નહીં જાળવે તો તેમની વાણીના કારણે મોટા વિખવાદો થવાની પૂરી શક્યતા છે. સંગઠન અને મંત્રીમંડળ પર તેમની પકડ સારી રહેશે તેવું બુધ-ગુરુ-મંગળનો યોગ કહે છે. મંગળ તેમની સંગઠનશક્તિનો કારક ગ્રહ છે. મંગળ પર બુધ અને ગુરુ બંને દૃષ્ટિ કરી રહ્યા છે.

તુલા લગ્નના કારણે તેઓ દરેક સાથે હળીમળીને કામ કરી શકશે. સરકાર ચલાવવા માટે નાણાકીય મુશ્કેલી સૌથી મોટો પડકાર બની રહેશે. ખાસ કરીને ચંદ્ર-કેતુના યોગના કારણે જો સાતમા પગારપંચના અમલનો નિર્ણય લેશે તો ભારે મુશ્કેલી થશે. ૨૦૧૭ની ચૂંટણી જો ભાજપ તેમના નેતૃત્વમાં લડશે તો લાભ થશે. છતાં કુંડળી પ્રમાણે જોતાં તેઓ બીજી ટર્મ માટે મુખ્યમંત્રી બને તેવી કોઈ શક્યતા દેખાતી નથી. જો ગમે તેમ કરીને મુખ્યમંત્રી બની પણ જશે તો ટર્મ પૂરી નહીં કરી શકે.

ટેરો કાર્ડ રીડર વૃંદા ઠક્કરના મતે વિજયભાઈના જન્માક્ષર પાવરફુલ છે. જન્મના સિંહના ગુરુ ઉપર ગોચરનો ગુરુ પસાર થઈ રહ્યો છે જે દસમા સ્થાનને જોઈ રહ્યો છે. એ મુખ્યમંત્રી તરીકેનું પદ સ્વીકારી-પચાવી શકે છે. દસમે રહેલો મંગળ એમને જરૂર સફળતા અપાવશે. નવું ઈલેક્શન ચોક્કસ જીતી શકશે.

એમનાં માટે ઉપાડેલાં કાર્ડ Six of caps, Ace of cups અને The fool આવ્યાં છે, જે જણાવે છે કે એમના શાસન દરમિયાન ગુજરાતમાં એકદમ મૈત્રીભર્યું વાતાવરણ રહેશે. સાહેબ જરૂરથી કંઈક એવું નવું કરી બતાવશે જે તેમણે હાલમાં વિચાર્યું પણ નહીં હોય. વર્ષની અંદર એક નવો જ ચીલો પાડશે અને ગુજરાતની પ્રજા ખૂબ સુખશાંતિથી જીવી શકશે. એક નવો જ ઇનોવેટિવ અને કોઈ ક્રિએટિવ વર્ક અમલમાં મુકાશે.

નરેશ મકવાણા

You might also like