આવતીકાલે આનંદીબહેનના હસ્તે મેટ્રો રેલવેના ઉત્તર-દક્ષિણ એલિવેટેડ કોરિડોરનું ભૂમિપૂજન

ગાંધીનગર: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા આગામી રવિવાર તા. ૧૭ જાન્યુઆરીની સવારે ૧૧ વાગ્યે વેજલપુરના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મેટ્રો રેલવેના ઉત્તર- દક્ષિણ એલિવેટેડ કોરિડોરનું ભૂમિપૂજન કરાશે. આની સાથે સાથે તેમની જાહેર સભાનું સ્થળ પર આયોજન કરાયું છે.

મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિમિટેડ દ્વારા મહત્ત્વાકાંક્ષી મેટ્રો રેલવે પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ સમગ્ર પ્રોજેકટના બે રૂટ તૈયાર કરાયા છે. થલતેજ ગામથી વસ્ત્રાલ ગામનો પૂર્વ-પશ્ચિમ કોરિડોર કુલ ૨૦.૭૩ કિ.મી. લાંબો છે. જે પૈકી ૧૪.૪૦૨ કિ.મી.નો એલિવેટેડ રૂટ અને ૬.૩૫ કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં કુલ ૧૩ એલિવેટેડ અને ચાર અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું નિર્માણ કરાશે.

ગત તા. ૧૪ માર્ચ, ૨૦૧૫એ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપરેલ પાર્ક સુધીના પાઇલોટ પ્રોજેકટનું ભૂમિપૂજન કરાયું હતું. પૂર્વ-પશ્ચિમ કોરિડોર પરનાઆ પાઇલોટ પ્રોજેકટની કામગીરી હાલમાં ધમધોકાર ચાલી રહી છે અને ડિસેમ્બર-૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં આ પાઇલોટ પ્રોજેકટ પૂર્ણ કરી લેવાશે અને અમદાવાદમાં મેટ્રો રેલવે દોડતી થઇ જશે.

જો કે પૂર્વ-પશ્ચિમના આ પાઇલોટ પ્રોજેકટની સાથે સાથે સત્તાવાળાઓએ ઉત્તર-દક્ષિણ કોરિડોર ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. રવિવારે આનંદીબહેન પટેલના હસ્તે આ કોરિડોરનું ભૂમિપૂજન કરાશે. વાસણાના એપીએમસી માર્કેટથી મોટેરા સ્ટેડિયમ સુધીમાં કુલ ૧૮.૫૨ કિ.મી. લાંબા આ કોરિડોર પર કુલ ૧૫ સ્ટેશન બનાવાશે. મુખ્યમંત્રીના હસ્તે રવિવારે સવારે ૧૧.૦૦ વાગ્યે જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મેટ્રો રેલવેના આ ઉત્તર-દક્ષિણ કોરિડોરનું ભૂમિપૂજન કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર શહેરમાં મેટ્રો રેલવે હેઠળ કુલ ૩૮.૨ કિ.મી.નો ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ કોરિડોરનું કામ હાથ ધરાશે.

જેમાં કુલ ૩૨.૯૨ કિ.મી. એલિવેટેડ કોરિડોરનો છે અને કુલ ૬.૩૩ કિ.મી. અંડરગ્રાઉન્ડ રેલવેનો છે. સમગ્ર મેટ્રો રેલવેમાં ઉતારૂઓ માટે કુલ ૨૮ સ્ટેશનનું નિર્માણ કરાશે. જે પૈકી ૨૮ એલિવેટેડ અને ચાર અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવાશે. આશરે રૂ. ૧૦,૭૭૩ કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેકટ પૂર્ણ કરાશે.ઉત્તર-પશ્ચિમ કોરિડોર પરના સ્ટેશનની યાદી એપીએમસી માર્કેટ (વાસણા), જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઇકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણિપ, સાબરમતી રેલવે સ્ટેશન, એઇસી, સાબરમતી, મોટેરા સ્ટેડિયમ.

You might also like