ગ્રામીણ ગુજરાતના પ્રશ્નોને ગુણોત્સવમાં પહેલી વખત આવરી લેવામાં આવશે

ગાંધીનગર: આ વખતે ગુણોત્સવ કાર્યક્રમમાં અધિકારીઓ ગામે ગામ જઈને ગ્રામીણો પાસેથી તેમના ગામના રોડ, પાણી, ગટર, શાળા સહિતના પ્રશ્નો અંગે માહિતી મેળવશે. ગ્રામજનોની વચ્ચે સભા કરીને વિવિધ પ્રશ્નોને આવરી લેતા જહેમતપૂર્વક તૈયાર થયેલા એક ફોર્મને ભરશે. જેના આધારે રાજ્ય સરકાર ગ્રામીણ ગુજરાતના પ્રશ્નોના તાકીદે નિવારણ માટેના પગલાં લેશે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા સ્વર્ણિમ સંકુલ- એક ખાતે આગામી તા. ૭થી ૯ જાન્યુઆરી, ૨૦૧૬ દરમિયાન યોજાનાર છઠ્ઠા ગુણોત્સવના આયોજન સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

ગુણોત્સવ-૬ના ફળદાયી અમલીકરણ માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ ગુણોત્સવમાં ગ્રામ્ય પ્રશ્નોના નિવારણને પણ આવરી લેવાનો અભિનવ પ્રયોગ હાથ ધરાશે. શિક્ષણ ગુણવત્તા સુધારણાના આ અભિયાન હેઠળ રાજ્યની શાળાઓમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, પદાધિકારીઓ અને કર્મચારીઓ, નિવૃત્ત શિક્ષકો, આચાર્યો, કોલેજના પ્રોફેસર્સ મળી ૩૦૦૦ ઉપરાંત વ્યક્તિઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેનુ માર્ગદર્શન પ્રત્યક્ષ મુલાકાત લઈને આપે તેવું બહુ આયામી ઉપક્રમ શિક્ષણ વિભાગે હાથ ધર્યો છે.

આનંદીબહેને વધુમાં જણાવ્યું હતું કે, ગત ગુણોત્સમાં જે શાળાની ગુણવત્તામાં સુધાર ન આવ્યો તેય તેવી શાળાઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે સરહદી વિસ્તારોની મુલાકાત શાળામાં સ્ટુડન્ટ પોલીસકેડેરને મળેલી સફળતાને બિરદાવી હતી. હવે રાજ્યભરની શાળાના બાળકોના સ્ટુડન્ટ પોલીસ કેડેટ કાર્યક્રમ ચલાવવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી.

ગુણોત્સવ-૬ અંતર્ગત રાજ્યમાં આ વખતે એવી શાળાઓને પણ શોધવા પર મુખ્યમંત્રીએ ભાર મુક્યો હતો કે જે શાળાઓએ ગયા ગુણોત્સવમાં સારું પરિણામ મેળવ્યું હોય. આવી શાળાઓના શિક્ષકોને નબળી શાળાઓમાં મોકલીને તેમના અનુભવનો લાભ આ શાળાના બાળકોને પણ મળી રહે તેવું આયોજન કરવાની પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દેશના વિકાસનો માપદંડ શિક્ષણ સંસ્કાર છે તેમ સ્પષ્ટપણે જણાવતાં કહ્યું કે, આપણી શિક્ષણ પ્રથા બાળકના એકાંગી વિકાસ નહીં, સર્વાંગી વિકાસની હોય તે આવશ્યક છે.

ગુજરાતે આ દિશામાં નવતર પહેલ શાળા નામાંકન માટે પ્રવેશોત્સવ ગુણોત્સવ, શાળા આરોગ્ય તપાસણી જેવા અનેકવિધ આયામોથી કરીને દેશના શિક્ષણ જગતનો નવો રાહ ચિંધ્યો છે તેનું આ ૬ઠ્ઠુ ચરણ પણ સૌના સહયોગથી સફળતાને વરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. પ્રારંભમાં શિક્ષણ અધિક મુખ્ય સચિવ સુજિત તુલાટીએ સમગ્ર અભિયાનની વિસ્તૃત છણાવટ કરતું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી નાનુભાઈ વાનાણી સહિત મુખ્ય સચિવ જી.આર. અલોરિયા, વરિષ્ઠ સચિવો, આઈપીએસ આઈએફએસ અફસરો પદાધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You might also like